Economic Survey 2026: દુનિયા પર મોટા આર્થિક સંકટનો ખતરો! શું 2008 કરતાં પણ ભયાનક મંદી આવશે? જાણો ભારત પર શું અસર પડશે
Economic Survey 2025-26 એ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ગંભીર ચેતવણી આપી છે. 2026માં મોટા આર્થિક સંકટ અને AI બબલ ફૂટવાની શક્યતા છે. જાણો ભારત આ મુશ્કેલીઓ સામે કેટલું તૈયાર છે અને સોનાના ભાવમાં કેમ આગ લાગી છે.
Economic Survey 2025-26 એ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ગંભીર ચેતવણી આપી છે.
Economic Survey 2026: ભારત સરકારના આર્થિક સર્વે (Economic Survey 2025-26) એ ગ્લોબલ ઈકોનોમી એટલે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને એક ડરામણી ચેતવણી આપી છે. સર્વે અનુસાર, ભલે 2025માં દુનિયાનો વિકાસ ધારણા કરતા સારો રહ્યો હોય, પરંતુ 2026નું વર્ષ દુનિયા માટે મોટા જોખમો લઈને આવી રહ્યું છે. માત્ર જોખમ જ નહીં, ગ્લોબલ માર્કેટ ક્રેશ થવાની પણ શક્યતા છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પણ પોતાના જાન્યુઆરી 2026ના રિપોર્ટમાં વૈશ્વિક વિકાસ દર 3.3% રહેવાનું અનુમાન લગાવ્યું છે, પરંતુ સાથે જ વેપાર નીતિઓમાં બદલાવ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા જોખમો તરફ લાલબત્તી ધરી છે. આર્થિક સર્વેમાં 2026 માટે ત્રણ મોટી સંભવિત ઘટનાઓની વાત કરવામાં આવી છે, જે દુનિયાના અર્થતંત્રને હચમચાવી શકે છે.
1. મેનેજડ ડિસઓર્ડર: 40-45% શક્યતા
પહેલી શક્યતાને "મેનેજડ ડિસઓર્ડર" નામ આપવામાં આવ્યું છે. આ સ્થિતિમાં ગ્લોબલ ઈકોનોમી ચાલતી તો રહેશે, પરંતુ તેમાં અસ્થિરતા ખૂબ વધી જશે. નાના-નાના આંચકા પણ મોટી મુસીબત ઊભી કરી શકે છે. ટ્રેડ વોર (વ્યાપાર યુદ્ધ) અને આર્થિક તણાવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સર્વે મુજબ, આ થવાની શક્યતા 40-45% છે. આ સ્થિતિમાં મોંઘવારી ઘટીને 3.8% સુધી આવી શકે છે, પરંતુ અમેરિકા જેવા દેશોમાં તે હજુ પણ ઊંચી રહી શકે છે.
2. જિયોપોલિટિકલ ટેન્શન: 40-45% શક્યતા
બીજી શક્યતા વધુ ગંભીર છે. દુનિયાના દેશો વચ્ચેના સંબંધો બગડી શકે છે અને 'ટ્રેડ' એટલે કે વેપારને હથિયાર તરીકે વાપરવામાં આવી શકે છે. જેના કારણે દુનિયા અલગ-અલગ આર્થિક જૂથોમાં વહેંચાઈ શકે છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ, જો વેપાર તણાવ વધશે તો વિકાસ દર ઘટશે. ભારત જેવા દેશો જે નિકાસ પર નિર્ભર છે, તેમના પર તેની અસર પડી શકે છે. આ સ્થિતિમાં વૈશ્વિક વિકાસ દર ગગડીને 3.2% સુધી જઈ શકે છે.
3. મહામંદી અને AI બબલ: 10-20% શક્યતા
ત્રીજી શક્યતા ઓછી છે (10-20%), પરંતુ જો તે બની તો પરિણામ વિનાશક હશે. આમાં ફાઈનાન્શિયલ ક્રાઈસિસ, જિયોપોલિટિકલ લડાઈ અને ટેકનોલોજી બબલ ખાસ કરીને AI એકસાથે મળીને દુનિયાને ભયંકર મંદીમાં ધકેલી શકે છે. નિષ્ણાતો માને છે કે જો AI માં થયેલું રોકાણ ડૂબશે, તો 2008 ની મંદી કરતા પણ ખરાબ હાલત થઈ શકે છે.
ભારત માટે કેટલી રાહત?
આટલા બધા ડર વચ્ચે ભારત માટે સારા સમાચાર એ છે કે આપણી મેક્રો-ઈકોનોમિક સ્થિતિ મજબૂત છે.
* ભારતનું ઘરેલું બજાર (Domestic Market) ખૂબ મોટું છે.
* વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) લગભગ 700 બિલિયન ડૉલર છે.
* બેન્કિંગ સિસ્ટમ પણ સ્વસ્થ છે.
જોકે, એક રિપોર્ટ મુજબ, ભારત પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને વિદેશી મૂડી પ્રવાહમાં અટકાવ ભારત માટે જોખમ બની શકે છે. 2025માં ભારતની નિકાસ 4.3% વધીને 634.3 બિલિયન ડૉલર સુધી પહોંચી છે, જે એક સારો સંકેત છે.
સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી
દુનિયામાં અસ્થિરતા વધતા રોકાણકારો ગભરાયા છે અને સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. Reuters ના રિપોર્ટ મુજબ, સોનું 3% વધીને રેકોર્ડ 5,181.84 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. 2025 માં સોનામાં 60% નો ઉછાળો આવ્યો હતો અને 2026 ના પહેલા 26 દિવસમાં જ તે 15% વધી ગયું છે. આ સ્પષ્ટ સંકેત છે કે લોકો શેરબજાર કરતા સોનાને વધુ સુરક્ષિત માની રહ્યા છે.
આર્થિક સર્વે મુજબ, ભારત સરકારે હવે પોતાની રણનીતિ બદલવી પડશે. સપ્લાય ચેનને મજબૂત કરવી, નિકાસ વધારવી અને રોકાણકારોનો ભરોસો જીતવો જરૂરી બનશે. જો ઘરેલું માંગ મજબૂત રહેશે, તો ભારત વૈશ્વિક મંદીના મોટા આંચકાઓથી બચી શકશે.