Education Budget 2026: શિક્ષણ ક્ષેત્રે સરકારની મોટી ભેટ! 3 નવા આયુર્વેદ AIIMS અને ડિઝાઈન સ્કૂલની જાહેરાત, જાણો વિદ્યાર્થીઓને શું મળ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે શિક્ષણ બજેટમાં 3 નવા આયુર્વેદ સંસ્થાન અને ડિઝાઈન સ્કૂલની જાહેરાત કરી છે. જામનગર WHO સેન્ટર અને 15,000 સ્કૂલો માટે લેબની સુવિધા મળશે. જાણો વિગતવાર.
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર દેશમાં 3 નવા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (All India Institute of Ayurveda - AIIMS જેવી તર્જ પર) સ્થાપશે.
Education Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાતો કરી છે. કોવિડ-19 પછી દુનિયાભરમાં આયુર્વેદની માંગ વધી છે, તેને ધ્યાનમાં રાખીને સરકારે આ વખતે પારંપરિક ચિકિત્સા પદ્ધતિ અને રિસર્ચ પર ખાસ ભાર મૂક્યો છે.
3 નવા આયુર્વેદ AIIMS અને ડિઝાઈન સ્કૂલ
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર દેશમાં 3 નવા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (All India Institute of Ayurveda - AIIMS જેવી તર્જ પર) સ્થાપશે. આ ઉપરાંત બીજા 3 નવા આયુર્વેદ સંસ્થાન પણ શરૂ કરવામાં આવશે. શિક્ષણના વ્યાપને વધારવા માટે દેશના પૂર્વ વિસ્તારમાં (Eastern Region) એક નવું 'ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ' પણ ખોલવામાં આવશે.
સ્કૂલોમાં કન્ટેન્ટ લેબ અને યુનિવર્સિટી ટાઉનશિપ
ટેકનોલોજી અને શિક્ષણને જોડવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે. મુંબઈની 'ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજી' ની મદદથી દેશની 15,000 સેકન્ડરી સ્કૂલોમાં 'કન્ટેન્ટ લેબ' તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, ઔદ્યોગિક વિસ્તારોની નજીક 5 યુનિવર્સિટી ટાઉનશિપ બનાવવાનો પ્રસ્તાવ છે. આ ટાઉનશિપમાં કોલેજ, રિસર્ચ સેન્ટર અને રહેવાની સુવિધા એક જ જગ્યાએ હશે.
જામનગર WHO સેન્ટર અને મેડિકલ ટુરિઝમ
ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે નાણામંત્રીએ જામનગરમાં આવેલા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનને અપગ્રેડ કરવાની વાત કરી છે. સીતારમણે કહ્યું કે જેવી રીતે પીએમ મોદી યોગને દુનિયાભરમાં લઈ ગયા, તેવી જ રીતે કોરોના પછી આયુર્વેદને પણ વૈશ્વિક ઓળખ મળી છે. આ ઉપરાંત, વિવિધ રાજ્યોમાં 5 મેડિકલ ટુરિઝમ હબ બનાવવામાં આવશે.
નવા કોર્સ અને પ્રોફેશનલ્સ તૈયાર થશે
આવનારા 5 વર્ષમાં 1 લાખ એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ (AHP) ને ટ્રેનિંગ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના માટે ઓપ્ટોમેટ્રી, એનેસ્થેસિયા, એપ્લાઈડ સાયકોલોજી જેવા 10 નવા વિષયો શરૂ કરવામાં આવશે. ટિયર 2 અને 3 શહેરોમાં 'કોર્પોરેટ મિત્ર' તૈયાર કરવા માટે ICAI જેવી સંસ્થાઓ પ્રેક્ટિકલ કોર્સ ડિઝાઈન કરશે.
ગયા વર્ષનું બજેટ કેવું હતું?
નોંધનીય છે કે, 2025-26 ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે રેકોર્ડ 1,28,650.05 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાં સ્કૂલ શિક્ષણ માટે 78,572.10 કરોડ અને ઉચ્ચ શિક્ષણ માટે 50,077.95 કરોડ રૂપિયાનો સમાવેશ થતો હતો. સરકાર દર વર્ષે શિક્ષણ બજેટમાં વધારો કરી રહી છે, જેથી દેશમાં શિક્ષણનું સ્તર સુધારી શકાય.