SIP Investment: રોકાણની દુનિયામાં મોટો બદલાવ! બેંક ડિપોઝિટને બદલે લોકો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા, જાણો શું કહે છે આંકડા | Moneycontrol Gujarati
Get App

SIP Investment: રોકાણની દુનિયામાં મોટો બદલાવ! બેંક ડિપોઝિટને બદલે લોકો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા, જાણો શું કહે છે આંકડા

SIP Investment Mutual Funds India: આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ભારતીયો હવે બેંક ડિપોઝિટને બદલે SIP અને મ્યુચ્યુઅલ ફંડમાં વધુ રોકાણ કરી રહ્યા છે. SIP રોકાણમાં 7 ગણો વધારો થયો છે. જાણો ભારતીયોની બદલાતી આર્થિક આદતો વિશે.

અપડેટેડ 12:57:01 PM Jan 30, 2026 પર
Story continues below Advertisement
SIP Investment Mutual Funds India: આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ભારતીયો હવે બેંક ડિપોઝિટને બદલે SIP અને મ્યુચ્યુઅલ ફંડમાં વધુ રોકાણ કરી રહ્યા છે.

SIP Investment Mutual Funds India: ભારતમાં લોકોની બચત અને રોકાણ કરવાની પદ્ધતિમાં એક મોટો અને મહત્વનો બદલાવ આવ્યો છે. એક સમય હતો જ્યારે લોકો પોતાની મહેનતની કમાણી સુરક્ષિત રાખવા માટે માત્ર બેંક ડિપોઝિટ પર જ ભરોસો કરતા હતા, પરંતુ હવે આ ચિત્ર બદલાયું છે. આર્થિક સર્વેક્ષણ 2025-26ના આંકડા દર્શાવે છે કે ભારતીયો હવે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે.

સર્વેક્ષણ મુજબ, FY12માં ઘરેલુ નાણાકીય બચતમાં ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો માત્ર 2% હતો, જે FY25માં વધીને 15.2%થી પણ વધુ થઈ ગયો છે. આ આંકડા સાબિત કરે છે કે હવે સામાન્ય માણસ પણ રોકાણને લઈને વધુ જાગૃત અને સ્માર્ટ બની ગયો છે.

SIPનો જાદુ: રોકાણમાં 7 ગણો વધારો

આ બદલાવનું સૌથી મોટું કારણ 'સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન' એટલે કે SIP છે. SIPના માધ્યમથી લોકો દર મહિને નાની રકમનું પણ નિયમિત રોકાણ કરી શકે છે, જે મધ્યમ વર્ગના લોકોને ખૂબ માફક આવ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો, FY17 માં દર મહિને સરેરાશ 4,000 કરોડ રૂપિયાથી ઓછું રોકાણ SIP દ્વારા આવતું હતું. જ્યારે FY26 (એપ્રિલથી નવેમ્બર) માં આ આંકડો વધીને 28,000 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. મતલબ કે, માત્ર થોડા જ વર્ષોમાં SIP દ્વારા થતા રોકાણમાં લગભગ 7 ગણો વધારો થયો છે. આ દર્શાવે છે કે હવે રોકાણકારો શેરબજારના ઉતાર-ચઢાવથી ડરવાને બદલે શિસ્તબદ્ધ રીતે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, જે શેરબજારને પણ મજબૂતી આપી રહ્યું છે.

બેંક ડિપોઝિટમાં ઘટાડો, પણ ચિંતા નહીં


એક તરફ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું છે, તો બીજી તરફ ઘરેલુ બચતમાં બેંક ડિપોઝિટનો હિસ્સો ઘટ્યો છે. FY12માં કુલ બચતમાં બેંક ડિપોઝિટનો હિસ્સો 58% થી વધુ હતો. FY25માં તે ઘટીને લગભગ 35% રહી ગયો છે. વચ્ચે FY22માં તો આ આંકડો 31.9%ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જોકે, આનો અર્થ એ નથી કે લોકોએ બેંકમાં પૈસા રાખવાનું બંધ કરી દીધું છે. હકીકત એ છે કે હવે લોકો પોતાની પરંપરાગત બચતની સાથે-સાથે ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ જેવા નવા વિકલ્પો પણ અજમાવી રહ્યા છે. એટલે કે રોકાણનું ડાઈવર્સિફિકેશન વધ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી અને રોકાણકારોની સંખ્યામાં ઉછાળો

RBIના ડેટા મુજબ, કુલ ઘરેલુ નાણાકીય સંપત્તિમાં ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનો હિસ્સો માર્ચ 2019 માં 15.7% હતો, જે માર્ચ 2025 સુધીમાં વધીને 23% થઈ ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની સાઈઝ પણ દેશની GDPના મુકાબલે વધી છે. 2010ના દાયકાની શરૂઆતમાં તે GDPના 10% હતી, જે હવે વધીને 23% થઈ ગઈ છે. રૂપિયાની દ્રષ્ટિએ જોઈએ તો, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પાસે હવે 80 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મેનેજમેન્ટ હેઠળ છે. કોવિડ પછી તો શેરબજારમાં નવા રોકાણકારોનું જાણે ઘોડાપૂર આવ્યું છે. FY20 માં યુનિક રોકાણકારોની સંખ્યા 3.1 કરોડ હતી, જે FY25 સુધીમાં વધીને 11 કરોડને પાર કરી ગઈ છે.

વિદેશી રોકાણકારો સામે ઘરેલુ રોકાણકારો બન્યા ઢાલ

જ્યારે પણ વિદેશી રોકાણકારો (FII) ભારતીય બજારમાંથી પૈસા પાછા ખેંચે છે, ત્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DII) બજારને સંભાળી લે છે. મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓની ખરીદીને કારણે બજાર સ્થિર રહે છે. 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં NSEમાં લિસ્ટેડ કંપનીઓમાં DIIનો હિસ્સો વધીને 18.7% થઈ ગયો છે.

જોકે, કોર્પોરેટ બોન્ડ અને ડેટ માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી હજુ પણ ઓછી છે. બીજી તરફ, 1 જાન્યુઆરી 2026 થી REITs (રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) ના નિયમોમાં થયેલા બદલાવને કારણે આગામી સમયમાં તેમાં લિક્વિડિટી વધવાની આશા છે. આમ, આર્થિક સર્વેક્ષણ સ્પષ્ટ કરે છે કે ભારત હવે બચત કરનારાના દેશમાંથી ઇન્વેસ્ટર્સના દેશમાં પરિવર્તિત થઈ રહ્યો છે.

આ પણ વાંચો- Economic Survey 2026: ભારતમાંથી વિદેશી રોકાણકારોએ કેમ કાઢ્યા પૈસા? આર્થિક સર્વેક્ષણમાં મોટો ખુલાસો; AI માર્કેટ બન્યું વિલન?

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2026 12:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.