સરકાર ઇલેક્ટ્રિક મોબિલિટીને પૂરજોશમાં પ્રોત્સાહન આપી રહી છે. ગડકરીના જણાવ્યા મુજબ, EV નું ઉત્પાદન વધવાની સાથે જ દેશમાં બેટરી મેન્યુફેક્ચરિંગ, ચાર્જિંગ સ્ટેશનો અને તેને લગતા અન્ય બિઝનેસમાં પણ તેજી આવશે.
ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના EV માર્કેટના ભવિષ્યને લઈને એક મોટો અને ઉત્સાહજનક દાવો કર્યો છે. તેમણે બુધવારે જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં ભારતનું EV માર્કેટ વધીને 20 લાખ કરોડ સુધી પહોંચી જશે અને તેનાથી દેશમાં 5 કરોડ નવી નોકરીઓ ઊભી થશે.
CII-ITC સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ દેશના ઓટો સેક્ટરની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી.
હાલમાં ભારતમાં EV ની સ્થિતિ શું છે?
કેન્દ્રીય મંત્રીએ આંકડા આપતા જણાવ્યું કે હાલમાં દેશમાં લગભગ 57 લાખ ઇલેક્ટ્રિક વાહનો રજિસ્ટર્ડ છે. ભારતના કુલ વાહનોના વેચાણમાં અત્યારે EV નો હિસ્સો માત્ર 7% આસપાસ છે, જે દર્શાવે છે કે આવનારા સમયમાં આ ક્ષેત્રમાં ગ્રોથ માટે ઘણો મોટો અવકાશ રહેલો છે.
બેટરી અને ચાર્જિંગ બિઝનેસમાં આવશે તેજી
સરકાર ઇલેક્ટ્રિક મોબિલિટીને પૂરજોશમાં પ્રોત્સાહન આપી રહી છે. ગડકરીના જણાવ્યા મુજબ, EV નું ઉત્પાદન વધવાની સાથે જ દેશમાં બેટરી મેન્યુફેક્ચરિંગ, ચાર્જિંગ સ્ટેશનો અને તેને લગતા અન્ય બિઝનેસમાં પણ તેજી આવશે. ભારતીય કંપનીઓની ક્ષમતાના વખાણ કરતા તેમણે કહ્યું કે બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ જેવી કંપનીઓ ભારતમાં બનતા તેમના 50% થી વધુ વાહનો વિદેશમાં એક્સપોર્ટ (નિકાસ) કરી રહી છે.
ઇલેક્ટ્રિક બસોની ભારે માંગ, સપ્લાય ઓછો
પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે વાત કરતા તેમણે એક મોટો મુદ્દો ઉઠાવ્યો. ભારતમાં દર વર્ષે આશરે 1 લાખ ઇલેક્ટ્રિક બસોની જરૂર પડે છે. પરંતુ તેની સામે આપણી સ્થાનિક કંપનીઓ હાલમાં માત્ર 50,000 થી 60,000 ઇલેક્ટ્રિક બસો જ બનાવી રહી છે. આ સેક્ટરમાં માંગ અને પુરવઠા વચ્ચે ઘણો મોટો તફાવત છે, જેને પૂરો કરવાથી નવી કંપનીઓ માટે મોટી તકો ખુલશે.
ઓટો સેક્ટરમાં ભારતને નંબર-1 બનાવવાનું લક્ષ્ય
નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું કે સરકારનું લક્ષ્ય આગામી 5 વર્ષમાં ભારતની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને દુનિયામાં નંબર-1 બનાવવાનું છે. આ લક્ષ્ય ભલે અઘરું લાગે, પણ અશક્ય નથી.જ્યારે તેમણે પરિવહન મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે દેશની ઓટો ઇન્ડસ્ટ્રી 14 લાખ કરોડની હતી, જે આજે વધીને 22 થી 23 લાખ કરોડની થઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે અત્યારે અમેરિકાનું ઓટો માર્કેટ 78 લાખ કરોડ સાથે આગળ છે, ત્યારબાદ ચીન 47 લાખ કરોડ સાથે બીજા ક્રમે છે. ભારત પાસે સસ્તી ઉત્પાદન ક્ષમતા અને કુશળ યુવાનો હોવાથી આપણે વૈશ્વિક ઓટો હબ બની શકીએ છીએ.
લોજિસ્ટિક્સ ખર્ચ અને પેટ્રોલ-ડીઝલની આયાત ઘટશે
ભારત દર વર્ષે 22 લાખ કરોડનું પેટ્રોલ-ડીઝલ વિદેશથી મંગાવે છે, જેનાથી દેશનો ખર્ચ અને પ્રદૂષણ બંને વધે છે. ઇલેક્ટ્રિક અને બાયોફ્યુઅલના ઉપયોગથી આ આયાત બિલમાં મોટો ઘટાડો થશે.
આ ઉપરાંત, સરકાર લોજિસ્ટિક્સનો ખર્ચ પણ ઘટાડવા માંગે છે. IIT ચેન્નઈ, IIT કાનપુર અને IIM બેંગલુરુના એક રિપોર્ટ અનુસાર, દેશમાં નવા એક્સપ્રેસવે બનવાથી લોજિસ્ટિક્સ ખર્ચ 16% થી ઘટીને 10% થઈ ગયો છે. સરકાર આ ખર્ચને GDP ના 8% સુધી નીચે લાવવા માંગે છે, જેથી ભારતીય કંપનીઓ ગ્લોબલ માર્કેટમાં સસ્તા ભાવે ટકી શકે.