નોંધનીય છે કે Xerox કંપની છેલ્લા 17 વર્ષથી વધુ સમયથી HCLTech ની સૌથી મોટી ક્લાયન્ટ્સમાંથી એક રહી છે.
ભારતીય IT સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી IT કંપની HCLTech ના આશરે 170 થી 200 કર્મચારીઓની નોકરી જઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકન કંપની ઝેરોક્ષ કોર્પોરેશન સાથેનો HCLTech નો બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (BPM) કોન્ટ્રાક્ટ આગામી જૂન મહિનામાં પૂરો થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટ રિન્યુ ન થવાના કારણે આ પ્રોજેક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.
Xerox એ કોન્ટ્રાક્ટ કેમ પૂરો કર્યો?
સૂત્રોના જણાવ્યા અનુસાર, Xerox હવે HCLTech સાથેના આ BPM કોન્ટ્રાક્ટને આગળ વધારવા માંગતી નથી. કંપની હાલમાં નફાને લઈને ભારે દબાણનો સામનો કરી રહી છે, તેથી ખર્ચ ઘટાડવા માટે આ મોટો નિર્ણય લેવાયો છે. Xerox હવે આ પ્રોજેક્ટનો અમુક હિસ્સો ફિલિપાઇન્સમાં આવેલી પોતાની જ કંપની (ઇન-હાઉસ) પાસે કરાવશે.જ્યારે બાકીનું કામ ફિલિપાઇન્સની જ કોઈ લોકલ થર્ડ-પાર્ટી BPM કંપનીને આઉટસોર્સ કરવામાં આવશે.
કર્મચારીઓને અન્ય પ્રોજેક્ટ નહીં મળે
આ નિર્ણયથી સૌથી મોટો ફટકો HCLTech ના નોઈડા કેમ્પસમાં કામ કરતા 170 થી 200 કર્મચારીઓને પડ્યો છે.કંપનીએ આ કર્મચારીઓને ઓછામાં ઓછા 2 મહિના પહેલા જ નોટિસ આપી દીધી છે કે તેઓ બહાર બીજી નોકરી શોધવાનું શરૂ કરી દે. સૌથી આઘાતજનક વાત એ છે કે, HCLTech દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ પ્રભાવિત કર્મચારીઓને કંપનીના અન્ય કોઈ પ્રોજેક્ટમાં સમાવવામાં આવશે નહીં.
50 કર્મચારીઓ અત્યારથી જ 'બેંચ' પર
આ પ્રોજેક્ટ જૂન મહિનામાં સંપૂર્ણ રીતે બંધ થવાની ધારણા છે. જાણવા મળ્યું છે કે કામનો પ્રથમ તબક્કો પહેલેથી જ પૂરો થઈ ગયો છે. આ કારણે લગભગ 50 જેટલા કર્મચારીઓ હાલમાં 'બેંચ' (જેમની પાસે કોઈ પ્રોજેક્ટ નથી તેવા) પર બેઠા છે. આ કર્મચારીઓ હાલ કંપનીની અંદર અને બહાર બંને જગ્યાએ નોકરી શોધી રહ્યા છે, પરંતુ તેમને અન્ય પ્રોજેક્ટમાં લેવામાં આવે તેવી શક્યતા નહિવત્ છે.
17 વર્ષ જૂનો છે સંબંધ
નોંધનીય છે કે Xerox કંપની છેલ્લા 17 વર્ષથી વધુ સમયથી HCLTech ની સૌથી મોટી ક્લાયન્ટ્સમાંથી એક રહી છે. બંને કંપનીઓ વચ્ચે અબજો ડોલરના મોટા કરાર થયેલા છે. હાલમાં જે BPM કોન્ટ્રાક્ટ ખતમ થઈ રહ્યો છે, તે HCLTech દ્વારા Xerox માટે કરવામાં આવતા ટેકનોલોજીના કામનો માત્ર એક નાનકડો હિસ્સો છે.
IT સેક્ટરની મુશ્કેલીઓનો સંકેત
આ ઘટના ભારતીય IT સર્વિસ કંપનીઓ માટે એક ચેતવણી સમાન છે. વૈશ્વિક સ્તરે આર્થિક પડકારોને કારણે વિદેશી ક્લાયન્ટ્સ હવે ઓટોમેશન તરફ વળી રહ્યા છે અને પોતાનું ટેકનોલોજી બજેટ ઘટાડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, HCLTech વિશ્વના 60 દેશોમાં કામ કરે છે અને તેના કુલ કર્મચારીઓની સંખ્યા 2,26,000 થી વધુ છે.