ChatGPT Ads: હવે ચેટજીપીટીના જવાબો સાથે દેખાશે જાહેરાતો, જાણો OpenAI નો નવો પ્લાન અને કોને નહીં દેખાય એડ્સ
OpenAI ભારતમાં ChatGPT પર જાહેરાતો શરૂ કરવા જઈ રહ્યું છે. ફ્રી અને Go પ્લાન યુઝર્સને જવાબો સાથે એડ્સ દેખાશે. જાણો કયા યુઝર્સ અને વિષયોને આમાંથી બાકાત રખાયા છે.
જ્યારે કોઈ યુઝર ચેટજીપીટીને સવાલ પૂછશે, ત્યારે જવાબોની નીચે તે સવાલને લગતા પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાત દેખાશે. આ જાહેરાતો સ્પષ્ટપણે 'સ્પોન્સર્ડ'તરીકે લખેલી હશે અને તે મૂળ જવાબથી સાવ અલગ જોવા મળશે.
ChatGPT Ads: અત્યાર સુધી આપણે ChatGPT પર કોઈ પણ સવાલ પૂછતા તો જાહેરાતોની કોઈ જ કચકચ વિના સીધો જવાબ મળી જતો હતો. પરંતુ હવે આ અનુભવ થોડો બદલાવા જઈ રહ્યો છે. ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપનએઆઈ પોતાનો IPO લાવતા પહેલા કમાણી વધારવાના પ્રયાસો કરી રહી છે અને તેના જ ભાગરૂપે કંપનીએ ભારતમાં 'ChatGPT Ads' લાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, કંપનીએ જાહેરાતો માટે એવી ખાસ વ્યવસ્થા કરી છે જેથી યુઝર્સને વધારે પરેશાની ન થાય. ચાલો જાણીએ આ એડ્સ કેવી રીતે દેખાશે અને કોને દેખાશે.
કેવી રીતે દેખાશે ChatGPT પર જાહેરાતો?
જ્યારે કોઈ યુઝર ચેટજીપીટીને સવાલ પૂછશે, ત્યારે જવાબોની નીચે તે સવાલને લગતા પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાત દેખાશે. આ જાહેરાતો સ્પષ્ટપણે 'સ્પોન્સર્ડ'તરીકે લખેલી હશે અને તે મૂળ જવાબથી સાવ અલગ જોવા મળશે.
કોને દેખાશે એડ્સ અને કોને નહીં?
ભારતમાં જે પુખ્ત યુઝર્સ ફ્રી અને ગો ટિયરનો ઉપયોગ કરે છે તેમને આ જાહેરાતો દેખાશે. (ભારતમાં Go પ્લાનની કિંમત દર મહિને 399 છે). જે યુઝર્સ પ્લસ, પ્રો, બિઝનેસ, એન્ટરપ્રાઇઝ અને એજ્યુકેશન પ્લાન વાપરે છે તેમને કોઈ એડ નહીં દેખાય. આ ઉપરાંત, 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટ પર પણ જાહેરાતો બંધ રહેશે. સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને રાજકારણ જેવા સંવેદનશીલ વિષયો પર પૂછાયેલા સવાલોના જવાબ સાથે કોઈ જ જાહેરાત બતાવવામાં નહીં આવે.
આ જ અઠવાડિયે 50 થી વધુ બ્રાન્ડ્સ થશે લાઈવ
OpenAI એ ભારતમાં જાહેરાતો માટે હાલમાં WPP અને ઓમ્નીકોમને એજન્સી પાર્ટનર તરીકે પસંદ કર્યા છે. આ અઠવાડિયે ભારતમાં 50 થી વધુ બ્રાન્ડ્સની એડ લાઈવ થવાની આશા છે.
આ ઉપરાંત, 4 સપ્ટેમ્બરથી ભારતમાં 'ચેટજીપીટી એડ્સ મેનેજર'નું સેલ્ફ-સર્વ એક્સેસ શરૂ થશે. આનાથી નાના-મોટા તમામ વેપારીઓ જાતે જ પોતાની જાહેરાતો શરૂ કરી શકશે, જેના માટે તેમણે રોજના ઓછામાં ઓછા ₹725 ખર્ચવા પડશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જાહેરાત આપતી કંપનીઓને યુઝર્સનો કોઈ પર્સનલ ડેટા આપવામાં નહીં આવે, તેમને માત્ર એટલું જ જણાવાશે કે તેમની એડ પર કેટલા ઈમ્પ્રેશન્સ અને ક્લિક્સ આવ્યા.
OpenAI માટે ભારત કેમ છે આટલું ખાસ?
ચેટજીપીટી માટે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું માર્કેટ છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારતમાં તેના 10 કરોડથી વધુ વીકલી યુઝર્સ હતા. જ્યારે આ જ મહિનાની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે આ આંકડો 100 કરોડને પાર કરી ગયો છે.
ઓપનએઆઈના ગ્લોબલ એડ્સ સોલ્યુશન્સના વાઈસ પ્રેસિડેન્ટ ડેવ ડુગનના જણાવ્યા અનુસાર, ભારતમાં કંપનીના વીકલી એક્ટિવ યુઝર્સની સંખ્યા વાર્ષિક ધોરણે બમણી થઈ ગઈ છે. યુઝર્સ અહીં માત્ર સામાન્ય માહિતી નથી શોધતા, પણ નિર્ણયો લેતા પહેલા વિકલ્પોની સરખામણી કરે છે. આથી ખરીદીના સમયે કંપનીઓને યુઝર્સ સુધી પહોંચવાની એક મોટી તક મળશે.
જાહેરાતો પર આટલો ભાર કેમ?
ઓપનએઆઈએ પહેલીવાર જાન્યુઆરી 2026 માં જાહેરાતોનું ટેસ્ટિંગ કરવાની જાહેરાત કરી હતી. ફેબ્રુઆરીમાં અમેરિકામાં તેનું પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયું અને માત્ર છ અઠવાડિયામાં જ જાહેરાતોથી થતી અંદાજિત વાર્ષિક આવક $10 કરોડને પાર કરી ગઈ. ત્યારબાદ તેને કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશોમાં અને ગયા અઠવાડિયે યુરોપના 31 દેશોમાં લોન્ચ કરાયું.
કંપનીના નાણાકીય લેખાજોખા જોઈએ તો જૂન 2026 ના ક્વાર્ટરમાં ઓપનએઆઈની આવક $5.7 અબજથી વધીને $6.7 અબજ થઈ ગઈ હતી, પરંતુ તેની સામે ઓપરેટિંગ લોસ પણ $9.3 અબજથી વધીને $12.3 અબજ પર પહોંચી ગયો હતો. ખોટ સરભર કરવા અને આવક વધારવા માટે જ કંપની હવે જાહેરાતો પર પૂરજોશમાં ધ્યાન આપી રહી છે.