Gold-Silver Price Drop : બજેટના દિવસે સોના-ચાંદીમાં મોટો કડાકો! ભાવ 9% તૂટ્યા, રોકાણકારોમાં ફફડાટ - જાણો લેટેસ્ટ ભાવ
બજેટના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. બંને કિંમતી ધાતુઓ 9% તૂટી ગઈ છે. જાણો સોના-ચાંદીના નવા ભાવ અને આ મોટા કડાકા પાછળનું સાચું કારણ શું છે.
રવિવારે સવારે જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે સોના-ચાંદીમાં સામાન્ય નરમાઈ હતી, પરંતુ જોતજોતામાં વેચવાલીનું દબાણ એટલું વધી ગયું કે બંને ધાતુઓમાં લોઅર સર્કિટ લાગી ગઈ.
Gold-Silver Price Down : બજેટના દિવસે જ્યાં આખા દેશની નજર નાણામંત્રીની જાહેરાતો પર હતી, ત્યાં બીજી તરફ બુલિયન માર્કેટમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 1 ફેબ્રુઆરી એટલે કે રવિવારે બજેટ રજૂ થવાનું હોવાથી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખુલ્લું હતું, પરંતુ ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે. બજેટના દિવસે જ સોનું અને ચાંદી બંને 9-9 ટકા જેટલા તૂટી જતા રોકાણકારોમાં ડરનો માહોલ છે.
સોના-ચાંદીમાં લોઅર સર્કિટ લાગી
રવિવારે સવારે જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે સોના-ચાંદીમાં સામાન્ય નરમાઈ હતી, પરંતુ જોતજોતામાં વેચવાલીનું દબાણ એટલું વધી ગયું કે બંને ધાતુઓમાં લોઅર સર્કિટ લાગી ગઈ. સવારે 9:32 વાગ્યાના અરસામાં ગોલ્ડ ફ્યુચર્સ (ફેબ્રુઆરી ડિલિવરી) સીધું 9 ટકા તૂટીને 1,36,185 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયું હતું. તેવી જ રીતે ચાંદીના વાયદા (માર્ચ ડિલિવરી) ના ભાવ પણ 9 ટકાના ઘટાડા સાથે 2,65,652 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા.
1980 પછી ચાંદીમાં સૌથી મોટો ઘટાડો
માર્કેટ એક્સપર્ટ્સના મતે, સોના-ચાંદીમાં ઘટાડાનો દોર 30 જાન્યુઆરીથી જ શરૂ થઈ ગયો હતો, જે બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ પણ ચાલુ રહ્યો. નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીમાં એક જ દિવસમાં આટલો મોટો કડાકો છેલ્લે 1980 ના વર્ષમાં જોવા મળ્યો હતો. ઐતિહાસિક રીતે આ ઘટાડો ખૂબ મોટો માનવામાં આવે છે.
ભાવ તૂટવા પાછળના મુખ્ય કારણો
ચોઈસ વેલ્થના સીઈઓ નિકુંજ સરાફે આ ઘટાડા પાછળના કારણો જણાવતા કહ્યું કે, આમાં કોઈ મોટું રહસ્ય નથી. 29 જાન્યુઆરીએ MCX પર ભાવ રેકોર્ડ હાઈ લેવલે પહોંચ્યા હતા, તેથી 'પ્રોફિટ બુકિંગ' (નફો વસૂલવો) તો આવવાની જ હતી.
બીજું અને મહત્વનું કારણ અમેરિકા સાથે જોડાયેલું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના નવા ચેરમેનના નામની જાહેરાત કરી દીધી છે. બજારને ડર છે કે અમેરિકામાં હવે મોનેટરી પોલિસી (નાણાકીય નીતિ) કડક થઈ શકે છે. જેના કારણે અમેરિકી ડૉલર મજબૂત થઈ રહ્યો છે અને તેની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર પડી રહી છે.
રોકાણકારોએ શું કરવું?
નિકુંજ સરાફનું કહેવું છે કે આ ઘટાડાની અસર ગોલ્ડ અને સિલ્વર ETF પર પણ જોવા મળશે. જોકે, તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે ગભરાઈને તાત્કાલિક પેનિક સેલિંગ (ગભરાટમાં વેચવાલી) કરવાથી બચવું જોઈએ. બજારમાં અત્યારે વોલેટિલિટી છે, પણ લાંબા ગાળે સોનું હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.