ટ્રમ્પના નવા 100% ટેરિફ પ્લાનથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે? સમજો આખું ગણિત
Petrol Diesel Price Hike: અમેરિકા દ્વારા રશિયા પર નવા પ્રતિબંધો અને ટ્રમ્પના 100% ટેરિફ પ્લાનની ભારત પર શું અસર થશે? શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલ 10 થી 15 રૂપિયા મોંઘુ થશે? જાણો ક્રૂડ ઓઈલના ભાવ અને ભારતીય અર્થવ્યવસ્થાનું પૂરું ગણિત.
આ ગણિત એટલું સીધું નથી. જો ભારતીય રિફાઇનરીઓ જેવી કે IOC, BPCL અને HPCL રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કરે તો તેઓ મિડલ ઈસ્ટ, આફ્રિકા અથવા અમેરિકા તરફ વળી શકે છે. પહેલા રશિયા પ્રતિ બેરલ 10 ડોલરથી વધુનું ડિસ્કાઉન્ટ આપતું હતું. જોકે મધ્ય 2026 માં રશિયાના 'ઉરાલ્સ' ક્રૂડ પર આ ડિસ્કાઉન્ટ ઘટીને માત્ર 1 થી 2 ડોલર પ્રતિ બેરલ રહી ગયું છે.
Petrol Diesel Price Hike: અમેરિકન સંસદમાં રશિયા પર કડક પ્રતિબંધો મૂકતું નવું બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એવો અધિકાર આપે છે કે તેઓ રશિયા પાસેથી કાચું તેલ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવી શકે. આ નિર્ણય બાદ ભારતમાં સામાન્ય માણસને એક જ સવાલ સતાવી રહ્યો છે કે શું હવે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી જશે. લોકોમાં ચર્ચા છે કે પેટ્રોલના ભાવમાં સીધો 10 કે 15 રૂપિયાનો વધારો થઈ શકે છે.
જો ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરે અથવા અમેરિકા સીધો પ્રતિબંધ લગાવે તો પણ પેટ્રોલના ભાવ રાતોરાત વધી જશે એવું નથી. આની અસર ઘણી બાબતો પર નિર્ભર કરે છે. ભારત અન્ય કયા દેશો પાસેથી તેલ ખરીદે છે અને વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ શું ચાલી રહ્યા છે તે જોવું અગત્યનું બની રહે છે. સાથે જ સરકાર અને તેલ કંપનીઓ ગ્રાહકોને ટેક્સમાં કેટલી રાહત આપે છે તેના પર પણ ઘણો આધાર રહેલો છે.
ભારત રશિયા પાસેથી કેટલું તેલ ખરીદે છે?
વર્ષ 2022 પછી રશિયા ભારત માટે સસ્તા ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સ્ત્રોત બની ગયું છે. નાણાકીય વર્ષ 2026 ના આંકડા જોઈએ તો ભારતે 40.8 અબજ ડોલરનું રશિયન તેલ આયાત કર્યું હતું. આ આંકડો કુલ આયાતના 30.3% જેટલો થાય છે. જુલાઈ 2026 સુધીમાં તો ભારતના કુલ તેલ આયાતમાં માત્ર રશિયાનો હિસ્સો 51% પર પહોંચી ગયો હતો. આપણો દેશ પોતાની જરૂરિયાતનું 88% કરતા વધુ કાચું તેલ વિદેશથી મંગાવે છે. હવે જો રશિયા તરફથી સપ્લાય અટકે તો ભારતે બહુ મોટા પાયે નવા સપ્લાયર શોધવા પડે.
શું રશિયન તેલ બંધ થતાં જ પેટ્રોલ મોંઘુ થશે?
આ ગણિત એટલું સીધું નથી. જો ભારતીય રિફાઇનરીઓ જેવી કે IOC, BPCL અને HPCL રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કરે તો તેઓ મિડલ ઈસ્ટ, આફ્રિકા અથવા અમેરિકા તરફ વળી શકે છે. પહેલા રશિયા પ્રતિ બેરલ 10 ડોલરથી વધુનું ડિસ્કાઉન્ટ આપતું હતું. જોકે મધ્ય 2026 માં રશિયાના 'ઉરાલ્સ' ક્રૂડ પર આ ડિસ્કાઉન્ટ ઘટીને માત્ર 1 થી 2 ડોલર પ્રતિ બેરલ રહી ગયું છે. ડિસ્કાઉન્ટ પહેલાથી જ ખૂબ ઓછું થઈ ગયું હોવાથી રશિયન તેલ બંધ થવાનો ઝટકો એટલો મોટો નહીં હોય જેટલો એકાદ બે વર્ષ પહેલા લાગી શકતો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ
સાચો ખતરો માત્ર ભારત માટે જ નહીં પણ આખી દુનિયા માટે છે. જો અમેરિકન પ્રતિબંધોને કારણે રશિયન ક્રૂડ ગ્લોબલ માર્કેટમાંથી બહાર થઈ જાય તો દુનિયાભરમાં તેલની અછત ઊભી થશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સપ્લાયની અડચણોને કારણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પહેલેથી જ 105 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે વૈશ્વિક સ્તરે તેલનો પુરવઠો ઘટશે ત્યારે કાચા તેલના ભાવ તમામ દેશો માટે વધી જશે.
ભારત પાસે સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાક અને આફ્રિકન દેશો પાસેથી તેલ ખરીદવાનો જૂનો અનુભવ છે. સપ્લાયર બદલવાનું કામ માત્ર નવું ટેન્કર મંગાવવા જેટલું સરળ હોતું નથી. દરેક રિફાઇનરીનું માળખું ચોક્કસ પ્રકારના કાચા તેલ માટે તૈયાર કરવામાં આવ્યું હોય છે. જ્યારે ભારત સહિત અન્ય દેશો અચાનક નવા વિકલ્પો તરફ દોડશે ત્યારે બજારમાં પ્રીમિયમ અને માલભાડું ઘણું વધી જશે. આનાથી ક્રૂડ મેળવવાની પડતર કિંમત મોંઘી થશે અને છેવટે તેનો બોજ ગ્રાહકો પર જ પડશે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કઈ રીતે નક્કી થાય છે?
પેટ્રોલ પંપ પર ચૂકવવામાં આવતી કિંમત માત્ર કાચા તેલના ભાવ પર આધારિત નથી હોતી. તેમાં કાચા તેલની પડતર, રિફાઇનિંગનો ખર્ચ, ભાડું, ડીલરનું કમિશન, કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્યોનો વેટ સામેલ હોય છે. પેટ્રોલ અને ડીઝલ હજુ જીએસટીની બહાર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ બેકાબૂ બને છે ત્યારે કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને અને તેલ કંપનીઓ પોતાના માર્જિન એડજસ્ટ કરીને સામાન્ય જનતાને સીધી મોંઘવારીથી બચાવવાનો પ્રયાસ કરે છે. માર્ચ 2026 માં જ્યારે ક્રૂડ 122 ડોલર પર પહોંચ્યું ત્યારે સરકારે પ્રતિ લિટર 10 રૂપિયા એક્સાઈઝ ઘટાડીને રાહત આપી હતી.
પેટ્રોલના ભાવમાં કેટલો વધારો થઈ શકે?
ભાવમાં ચોક્કસ 10 કે 20 રૂપિયાનો વધારો થશે તેવો કોઈ એક આંકડો આપી શકાય નહીં. આ માટે ત્રણ મુખ્ય સ્થિતિઓ સમજી શકાય.
પ્રથમ સ્થિતિ: જો ભારત રશિયાના બદલે અન્ય દેશો પાસેથી તેલ ખરીદે અને ગ્લોબલ સપ્લાય સામાન્ય રહે. આ સંજોગોમાં તેલ કંપનીઓનો ખર્ચ થોડો વધશે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર તેની અસર નહિવત જોવા મળશે.
બીજી સ્થિતિ: જો આંતરરાષ્ટ્રીય બજારમાં રશિયન તેલ સંપૂર્ણપણે અટકી જાય અને બ્રેન્ટ ક્રૂડ ઝડપથી મોંઘુ થાય. આનાથી રિફાઇનરીઓના માર્જિન પર દબાણ આવશે અને સ્થાનિક બજારમાં પેટ્રોલ તથા ડીઝલ 2 થી 5 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.
ત્રીજી સ્થિતિ: જો રશિયાના તેલ પર રોકની સાથે ખાડી દેશોમાં યુદ્ધ કે તણાવને કારણે સપ્લાય સાવ ખોરવાઈ જાય. આ સૌથી ચિંતાજનક સ્થિતિ ગણાશે. સરકાર માટે જૂના ભાવે પેટ્રોલ વેચવું મુશ્કેલ બની જશે અને કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
અમેરિકન ટેરિફની સીધી અસર ક્યાં થશે?
આ બિલ પાસ થવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને સત્તા મળે છે પણ તે આપોઆપ ભારત પર 100% ડ્યુટી લાગુ કરતું નથી. જો અમેરિકા ખરેખર 100% ટેરિફ લગાવે તો તેની અસર ભારતના પેટ્રોલ પંપ પર નહીં પરંતુ અમેરિકા જતા ભારતીય એક્સપોર્ટ પર વધુ જોવા મળશે. તેમાં કાપડ, આઈટી, જેમ્સ અને દવાઓ જેવા ક્ષેત્રો પ્રભાવિત થશે. આના પરિણામે ભારતીય રૂપિયો નબળો પડશે અને સરવાળે ભારતના આયાત બિલ પર મોટું દબાણ ઊભું થશે.
ભારત સામે અત્યારે ઓઈલ શોક અને ટ્રેડ શોક એમ બે મોટા જોખમ ઊભા છે. એક તરફ સસ્તું રશિયન તેલ છોડીને મોંઘો વિકલ્પ પસંદ કરી પેટ્રોલ ડીઝલ મોંઘા થવાનું જોખમ ઉઠાવવું પડે. બીજી તરફ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખી અમેરિકાના 100% ટેરિફનો સામનો કરી પોતાના એક્સપોર્ટ સેક્ટરને નુકસાન પહોંચાડવાનો ડર રહે છે. ગ્રાહકોએ અત્યારે ગભરાવવાની કોઈ જરૂર નથી. સરકાર અને તેલ માર્કેટિંગ કંપનીઓ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પણ કિંમતોને સ્થિર રાખવાનો પૂરો પ્રયાસ કરશે.