સુરતથી ઉદયપુર માટે નવી વંદે ભારત ટ્રેનની ભેટ: માત્ર 7.30 કલાકમાં પહોંચાડશે રાજસ્થાન, જાણો રૂટ અને ટાઈમટેબલ
Surat Udaipur Vande Bharat: ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ. માત્ર 7.30 કલાકમાં 690 કિમીની સફર. જાણો ટ્રેનનું ટાઈમટેબલ, સ્ટોપેજ અને તમામ વિગતો.
પશ્ચિમ રેલવે દ્વારા નવરાત્રિના પવિત્ર તહેવારોમાં આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનની ભેટ આપવામાં આવી છે.
Surat Udaipur Vande Bharat: ગુજરાતથી રાજસ્થાન જનારા પ્રવાસીઓ અને વેપારીઓ માટે રેલવે બોર્ડે એક બહુ મોટી અને ખુશીની જાહેરાત કરી છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે સુરત અને ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ જે વંદે ભારત ટ્રેન ઉદયપુર સિટીથી અસરવા સુધી ચાલતી હતી, તેનો જ હવે સુરત સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નવા નિર્ણયથી ડાયમંડ સિટી ‘સુરત' અને લેક સિટી ‘ઉદયપુર' વચ્ચે સીધો સંપર્ક ઊભો થશે, જેનાથી ટેક્સટાઇલના વેપારીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો થશે.
ક્યારથી શરૂ થશે ટ્રેન?
પશ્ચિમ રેલવે દ્વારા નવરાત્રિના પવિત્ર તહેવારોમાં આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનની ભેટ આપવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રવાસ: 2 ઓક્ટોબર, 2026 ના રોજ સુરત રેલવે સ્ટેશનથી આ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન થશે. આ સ્પેશિયલ ટ્રેનનો નંબર 09103 રહેશે.
નિયમિત સેવા: સામાન્ય મુસાફરો માટે આ ટ્રેન 4 ઓક્ટોબર, 2026 થી નિયમિત રીતે શરૂ થશે (ટ્રેન નંબર 26903/26904).
સંચાલનના દિવસો: આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. મેન્ટેનન્સની કામગીરીને કારણે દર મંગળવારે આ ટ્રેન બંધ રહેશે.
માત્ર 7 કલાક 30 મિનિટમાં કપાશે સફર
સુરતથી ઉદયપુર વચ્ચેનું અંદાજિત 690 કિલોમીટરનું લાંબુ અંતર આ વંદે ભારત ટ્રેન માત્ર 7 કલાક અને 30 મિનિટમાં પૂરું કરશે. જેનાથી મુસાફરોના સમયની મોટી બચત થશે.
નવી વંદે ભારત ટ્રેનનું ટાઈમટેબલ
સુરતથી ઉદયપુર (ટ્રેન નંબર 26903): આ ટ્રેન સુરતથી સવારે 6:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે.
ઉદયપુરથી સુરત (ટ્રેન નંબર 26904): પરત ફરતી વખતે આ ટ્રેન બપોરે 3:35 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને રાત્રે 11:00 વાગ્યે સુરત સ્ટેશને પહોંચશે.
આ મુખ્ય સ્ટેશનો પર ઊભી રહેશે ટ્રેન
સુરતથી ઉપડ્યા બાદ ઉદયપુર પહોંચતા સુધીમાં આ ટ્રેન બંને દિશામાં કુલ 10 સ્ટેશનો પર હોલ્ટ કરશે. ટ્રેનના મુખ્ય સ્ટોપેજ નીચે મુજબ છે:
* સુરત
* ભરૂચ
* વડોદરા
* આણંદ
* મણિનગર
* અસરવા
* હિંમતનગર
* શામળાજી રોડ
* ડુંગરપુર
* જાવર
* ઉદયપુર સિટી
સુરત અને ઉદયપુર વચ્ચે આ નવી વંદે ભારત શરૂ થવાથી બંને રાજ્યો વચ્ચે વ્યાપારી સંબંધોને નવી ગતિ મળશે. સમયની બચત અને આધુનિક સુવિધાઓ સાથેની આ ટ્રેન મુસાફરો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. પ્રવાસીઓ હવે આસાનીથી પોતાના વિકેન્ડ કે વેકેશનમાં સીધા સુરતથી ઉદયપુરની મુલાકાત લઈ શકશે.