Ahmedabad: 23 વર્ષ બાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, રસ્તા પરથી જપ્ત લારી-વાહનો છોડાવવા હવે 5000 રૂપિયા સુધીનો ચાર્જ, RMC પ્લાન્ટ માટે કડક આદેશ
Ahmedabad AMC fine hike: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) 23 વર્ષ બાદ જપ્ત કરેલા સામાનનો દંડ 5 ગણો વધાર્યો છે. હવે લારી વાહનો છોડાવવા 5000 રૂ. સુધી ચૂકવવા પડશે, સાથે જ 20 RMC પ્લાન્ટ બંધ કરવા આદેશ અપાયો છે.
હવે વહીવટી ચાર્જ અને સ્ટોરેજ ચાર્જ એમ બંનેમાં 4 થી 5 ગણો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે લોકોએ પોતાનો સામાન છોડાવવા 2000થી લઈને 5000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.
Ahmedabad AMC fine hike: અમદાવાદના માર્ગો પર દિન-પ્રતિદિન વધતી જતી ટ્રાફિક અને દબાણની સમસ્યાને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) લાલ આંખ કરી છે. રસ્તા પર ડગલે ને પગલે જોવા મળતી લારીઓ, પાથરણાં અને આડાઅવળા પાર્ક કરેલા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તમારો સામાન દબાણ ખાતા દ્વારા જપ્ત કરવામાં આવ્યો, તો તેને છોડાવવો હવે સહેલો અને સસ્તો નહીં રહે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીએ એક મોટો નિર્ણય લેતા 23 વર્ષ જૂના દંડના દરોમાં ધરખમ વધારો કર્યો છે.
દંડમાં 4થી 5 ગણો વધારો કરાયો
અગાઉ જપ્ત કરાયેલો સામાન છોડાવવા માટે મામૂલી રકમ ચૂકવવી પડતી હતી, પરંતુ હવે વહીવટી ચાર્જ અને સ્ટોરેજ ચાર્જ એમ બંનેમાં 4 થી 5 ગણો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે લોકોએ પોતાનો સામાન છોડાવવા 2000થી લઈને 5000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. જેમાં વહીવટી ચાર્જ વધુમાં વધુ 3000 રૂપિયા અને સામાન જેટલા દિવસ ગોડાઉનમાં રહેશે તેના દૈનિક ભાડા પેટે 1500 રૂપિયા સુધીનો સ્ટોરેજ ચાર્જ અલગથી વસૂલવામાં આવશે.
કઈ વસ્તુ માટે હવે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
શેરડીનો સંચો: જૂનો વહીવટી ચાર્જ 450 હતો જે હવે 3000 રૂપિયા કરાયો છે. જ્યારે સ્ટોરેજ ચાર્જ 225 થી વધારીને 1500 રૂપિયા કરાયો છે.
મિકેનિકલ લારી (ચાલુ હાલતમાં): વહીવટી ચાર્જ 900 થી વધારીને 2000 અને સ્ટોરેજ ચાર્જ 450 થી વધારી 1000 રૂપિયા.
બળદગાડી અને ઊંટગાડી: વહીવટી ચાર્જ 450 ની જગ્યાએ 2000 અને સ્ટોરેજ ચાર્જ 225 થી વધારી 1000 રૂપિયા.
સામાન ભરેલી હાથ લારી (ચાલુ હાલતમાં): વહીવટી ચાર્જ 225 ની જગ્યાએ 1500 અને સ્ટોરેજ ચાર્જ 135 થી વધારી 750 રૂપિયા. ભંગાર હાલતમાં હોય તો અનુક્રમે 1000 અને 500 રૂપિયા.
અન્ય નવા ચાર્જ: કાઉન્ટર માટે 1000 રૂ., પેડલ રિક્ષા માટે 500 રૂ., લોખંડના પલંગ/ખાટલા માટે 400 રૂ., વજન કાંટા માટે 200 રૂ. અને પ્લાસ્ટિક/લોખંડના ટેબલ માટે 100 રૂ. વહીવટી ચાર્જ નક્કી કરાયો છે. આ તમામ પર અલગથી સ્ટોરેજ ચાર્જ લાગુ પડશે.
દબાણ હટાવવા ઉપરાંત કમિટીની બેઠકમાં લાંબા સમયથી અટવાયેલી 'રેડી મિક્સ કોન્ક્રીટ' (RMC) પ્લાન્ટની પોલિસીને પણ આખરે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હાલ 50 થી 60 જેટલા RMC પ્લાન્ટ ચાલી રહ્યા છે. જેમાંથી અંદાજિત 20 જેટલા પ્લાન્ટ રહેણાંક વિસ્તારોમાં ધમધમી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને ધૂળ અને પ્રદૂષણનો ભારે સામનો કરવો પડે છે.
કોર્પોરેશને પ્રદૂષણ અને લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને રહેણાંક વિસ્તારના આ તમામ 20 પ્લાન્ટને માત્ર એક મહિનાની અંદર બંધ કરીને અન્ય જગ્યાએ ખસેડવા માટે કડક અલ્ટીમેટમ આપ્યું છે. એટલું જ નહીં, હવેથી શહેરમાં કોઈપણ નવો RMC પ્લાન્ટ શરૂ કરતા પહેલા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની NOC અને સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ લેવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
AMCનો આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે શહેરને દબાણમુક્ત અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે તંત્ર હવે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. આકરા દંડના કારણે રસ્તા પર ગેરકાયદે દબાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.