‘વંદે માતરમ' અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: હવે 6 છંદ ગાવા પડશે, ઊભા થવું ફરજિયાત કે નહીં? જાણો નવી ગાઈડલાઈન
Vande Mataram New Rules: કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ' માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે સરકારી કાર્યક્રમોમાં તમામ 6 છંદ ગાવા પડશે અને રાષ્ટ્રગીતની જેમ ઊભા રહીને સન્માન આપવું પડશે. જાણો શું છે નવો પ્રોટોકોલ.
Vande Mataram New Rules: કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ' માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
Vande Mataram New Rules: કેન્દ્ર સરકારે દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને નવી ગાઈડલાઈન (માર્ગદર્શિકા) જાહેર કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા આદેશ મુજબ, હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ અને અન્ય મહત્વના સમારોહમાં વંદે માતરમના ગાયન અને વાદન માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે. આ નવા નિયમો રાષ્ટ્રગીત ‘જન ગણ મન'ની જેમ જ ‘વંદે માતરમ’ ને પણ સમાન સન્માન અને એકરૂપતા આપવા માટે બનાવવામાં આવ્યા છે.
નવો આદેશ ક્યારથી લાગુ?
કેન્દ્ર સરકાર દ્વારા ‘વંદે માતરમ’ ને લઈને આ સત્તાવાર સૂચનાઓ 28 જાન્યુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા એક સરકારી આદેશ દ્વારા લાગુ કરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ગીતના ગાયન માટે એક સ્પષ્ટ પ્રોટોકોલ નક્કી કરવાનો છે, જેથી દેશભરમાં એકસૂત્રતા જળવાઈ રહે.
ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈનમાં શું છે?
સરકારની નવી ગાઈડલાઈન મુજબ નીચે મુજબના મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે:
હવે પૂરા 6 છંદ ગાવા પડશે: અત્યાર સુધી મોટાભાગના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ ના માત્ર પહેલા બે છંદ (Stanzas) જ ગાવામાં આવતા હતા. પરંતુ હવે નવા નિયમ મુજબ, સરકારી અથવા સત્તાવાર કાર્યક્રમોમાં તેને ગાતી કે વગાડતી વખતે તેના તમામ 6 છંદને પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, પરિસ્થિતિ મુજબ ફેરફાર થઈ શકે છે, પણ સત્તાવાર રીતે સંપૂર્ણ ગીતને જ માન્ય ગણવામાં આવશે.
સમય મર્યાદા નક્કી: વિશેષ સરકારી કાર્યક્રમોમાં જ્યારે વંદે માતરમના સત્તાવાર છ એ છ અંતરા ગાવામાં કે વગાડવામાં આવશે, ત્યારે તેનો સમયગાળો (Duration) 3 મિનિટ અને 10 સેકન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
ઊભા થવું ફરજિયાત: સન્માન અને શિષ્ટાચાર (Protocol) ના ભાગરૂપે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જ્યારે પણ ‘વંદે માતરમ’ ગવાતું કે વાગતું હોય, ત્યારે ત્યાં હાજર લોકોએ રાષ્ટ્રગીત 'જન ગણ મન' ની જેમ જ સન્માનપૂર્વક પોતાની જગ્યાએ ઊભા રહેવું જોઈએ.
પહેલા કયું ગીત ગવાશે?
ઘણીવાર કાર્યક્રમોમાં એ અવઢવ હોય છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગીત બંને હોય તો કયું પહેલા ગાવું. નવી ગાઈડલાઈનમાં આ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કોઈ સમારોહમાં ‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ બંનેનું આયોજન હોય, તો ક્રમ આ મુજબ રહેશે:
* સૌથી પહેલા ‘વંદે માતરમ’ ની પ્રસ્તુતિ થશે.
* ત્યારબાદ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાવામાં આવશે.
કયા પ્રસંગોએ વગાડવામાં આવશે?
આ નવી ગાઈડલાઈન મુજબ નીચે મુજબના પ્રસંગોએ વંદે માતરમ વગાડવું અનિવાર્ય રહેશે:
* તિરંગો ફરકાવતી વખતે.
* કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન સમયે.
* રાષ્ટ્રને નામ રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં અને પછી.
* રાજ્યપાલોના આગમન અને ભાષણો પહેલાં અને પછી.
* પદ્મ પુરસ્કાર જેવા સિવિલિયન એવોર્ડ સમારોહમાં અથવા જ્યાં રાષ્ટ્રપતિ હાજર હોય તેવા કાર્યક્રમોમાં.
આ નિયમો ક્યાં લાગુ થશે?
આ નિયમો મુખ્યત્વે સરકારી સમારોહ, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમો, શાળાઓ-કોલેજોના સત્તાવાર કાર્યક્રમો અને સરકારી પ્રોટોકોલ વાળા આયોજનો પર લાગુ થશે. નોંધનીય છે કે આ કોઈ દંડનીય કાયદો (Penal Law) નથી, પરંતુ એક વહીવટી પ્રોટોકોલ છે, જેનું પાલન સરકારી વ્યવસ્થામાં શિસ્ત અને સન્માન જાળવવા માટે કરવામાં આવશે.