કર્મચારી યુનિયનના પ્રતિનિધિ ડાયને દાવોએને ન્યૂઝ એજન્સીને આપેલી માહિતી મુજબ BAPS ના પ્રવાસ દરમિયાન કેટલીક મહિલા કર્મચારીઓને તેમની પોસ્ટ પરથી હટાવીને ત્યાં પુરુષ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા. મહિલાઓને પોતાની મૂળ જગ્યા છોડીને બીજા વિસ્તારમાં જવાનું કહેવાયું હતું.
BAPS Eiffel Tower controversy: ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા દુનિયાના સૌથી પ્રખ્યાત સ્મારક એફિલ ટાવરના સંચાલનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEના ડિરેક્ટર જનરલ પેત્રિક બ્રાન્કો રુવો આ વર્ષના અંત સુધીમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. તેમનું આ રાજીનામું તાજેતરમાં થયેલા એક મોટા વિવાદ બાદ આવી રહ્યું છે. આ વિવાદ હિન્દુ ધાર્મિક સંગઠન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના પ્રતિનિધિમંડળના એફિલ ટાવર પ્રવાસ સાથે જોડાયેલો છે.
શું હતો સમગ્ર વિવાદ?
આ સમગ્ર મામલો 7 સપ્ટેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો હતો. BAPS સંસ્થા પેરિસમાં એક ભવ્ય હિન્દુ મંદિરના ઉદ્ઘાટન માટે ગઈ હતી. આ દરમિયાન સંસ્થાના આશરે 100 લોકોનું એક પ્રતિનિધિમંડળ એફિલ ટાવરની મુલાકાતે પહોંચ્યું હતું. આરોપ છે કે આ પ્રવાસ દરમિયાન એફિલ ટાવર પર ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને તેમના કામના સ્થળેથી હટાવી દેવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં એફિલ ટાવરના કર્મચારીઓએ હડતાળ પાડી દીધી હતી, જેના કારણે આખી દુનિયામાં પ્રખ્યાત આ સ્મારકને એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાની ફરજ પડી હતી.
મહિલા કર્મચારીઓએ કેમ વ્યક્ત કરી નારાજગી?
કર્મચારી યુનિયનના પ્રતિનિધિ ડાયને દાવોએને ન્યૂઝ એજન્સીને આપેલી માહિતી મુજબ BAPS ના પ્રવાસ દરમિયાન કેટલીક મહિલા કર્મચારીઓને તેમની પોસ્ટ પરથી હટાવીને ત્યાં પુરુષ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા. મહિલાઓને પોતાની મૂળ જગ્યા છોડીને બીજા વિસ્તારમાં જવાનું કહેવાયું હતું. જ્યારે પ્રતિનિધિમંડળ ત્યાં હાજર હતું, ત્યારે મહિલા કર્મચારીઓને અમુક ચોક્કસ રસ્તાઓ પરથી પસાર થવાની પણ મનાઈ કરવામાં આવી હતી. આ પ્રકારના વર્તનથી મહિલા કર્મચારીઓએ ભારે અપમાનિત મહેસૂસ કર્યું હતું.
SETE કંપનીએ તપાસમાં શું સ્વીકાર્યું?
એફિલ ટાવર ચલાવતી કંપની SETE એ આ મામલે આંતરિક તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે પ્રવાસના આયોજનમાં સંચાલન સ્તરે મોટી ખામીઓ રહી ગઈ હતી. કંપનીએ સ્વીકાર્યું કે આ ખામીઓને કારણે જ મહિલા કર્મચારીઓને ડ્યૂટીથી અલગ રખાઈ હતી, જે બિલકુલ અસ્વીકાર્ય છે.
શરૂઆતમાં કંપનીએ એવું પણ કહ્યું હતું કે BAPS તરફથી મહિલાઓ સાથે વાતચીત મર્યાદિત રાખવાની વિનંતી કરવામાં આવી હતી. જોકે, કંપનીના પ્રમુખ એરિયલ વેઈલે સ્પષ્ટ કર્યું હતું કે એફિલ ટાવર સ્ત્રી-પુરુષ સમાનતામાં માને છે અને આવી કોઈ વિનંતી સ્વીકારવી જોઈતી ન હતી. આ બધી ગડબડને કારણે જ 2018 થી કંપનીના ચીફ રહેલા પેત્રિક બ્રાન્કો રુવોએ રાજીનામું આપવાનો વારો આવ્યો છે. પેરિસના મેયર એન હિડાલ્ગોએ પણ આ મામલે અલગથી તપાસના આદેશ આપ્યા છે.
BAPS સંસ્થાએ શું સ્પષ્ટતા કરી?
આ ભારે વિવાદ બાદ BAPS સંસ્થાએ પોતાનો બચાવ કરતા નિવેદન બહાર પાડ્યું હતું. સંસ્થાએ કહ્યું કે, પ્રવાસ પહેલા સામાન્ય લોકો અને કર્મચારીઓને તકલીફ ન પડે તે માટે અમે ટાવર મેનેજમેન્ટ સાથે માત્ર કોઓર્ડિનેશન (સંકલન) કર્યું હતું. સંસ્થાએ સ્પષ્ટતા કરી કે તેમણે ક્યારેય જેન્ડર (સ્ત્રી-પુરુષ) ના આધારે કોઈ માંગણી કરી ન હતી. આવા ખોટા દાવાઓ સંસ્થાના મૂલ્યોની વિરુદ્ધ છે. સંસ્થા સમાનતા, પરસ્પર સન્માન અને ભેદભાવ વગર દરેકની સેવામાં માને છે.
ભારત સરકારની પ્રતિક્રિયા
આ આંતરરાષ્ટ્રીય મામલે 8 સપ્ટેમ્બરના રોજ ભારતના વિદેશ મંત્રાલયે પણ પોતાની વાત મૂકી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "અમને પેરિસમાં BAPS દ્વારા મંદિરના ઉદ્ઘાટનની જાણકારી છે. પરંતુ એફિલ ટાવર પર જે પણ બન્યું તે માત્ર સંસ્થા અને એફિલ ટાવરના મેનેજમેન્ટ વચ્ચેનો આંતરિક મામલો છે, તેમાં સરકારને કંઈ લેવાદેવા નથી."
એફિલ ટાવર પર થયેલા આ વિવાદે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. સંચાલનમાં થયેલી ભૂલને કારણે દુનિયાના આટલા મોટા ટુરિસ્ટ સ્પોટના ચીફે પોતાની ખુરશી ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ, BAPS એ તમામ આરોપોને નકારી કાઢીને પોતાની છબી સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે પેરિસના મેયરની તપાસ બાદ જ વધુ હકીકતો સામે આવશે.