વાહનચાલકો સાવધાન! હવે ગાડી કે બાઈક પર જાતિસૂચક શબ્દો કે સ્ટીકર લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે લાગુ કર્યો નવો નિયમ | Moneycontrol Gujarati
Get App

વાહનચાલકો સાવધાન! હવે ગાડી કે બાઈક પર જાતિસૂચક શબ્દો કે સ્ટીકર લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે લાગુ કર્યો નવો નિયમ

Gujarat Motor Vehicle Rules: ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સ્ટીકર કે ચિન્હો લગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગુજરાત મોટર વ્હીકલ નિયમમાં સુધારો કરીને 17 નવેમ્બરથી નવો નિયમ લાગુ કરાયો છે.

અપડેટેડ 01:22:36 PM Nov 20, 2026 પર
Story continues below Advertisement
રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ 17 નવેમ્બર, 2026 ના રોજ સત્તાવાર રીતે 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Gujarat Motor Vehicle Rules: ગુજરાતમાં પોતાના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, લખાણ કે ખાસ ચિન્હો લગાવીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો હતો. આ પ્રવૃત્તિ પર લગામ કસવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે 'ગુજરાત મોટર વ્હીકલ નિયમ, 1989' માં સુધારો કરીને વાહનો પર જાતિગત ઓળખ દર્શાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નવા નિયમ હેઠળ હવે રાજ્યમાં ટુ-વ્હીલર (બાઈક-સ્કૂટર), થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર (કાર), બસ કે ટ્રક સહિતના કોઈપણ ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો, સ્ટીકર કે આકૃતિઓ લગાવી શકાશે નહીં.

મોટર વાહન નિયમ 125 અને 138 માં કરવામાં આવ્યો મોટો સુધારો


રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ 17 નવેમ્બર, 2026 ના રોજ સત્તાવાર રીતે 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબના બે મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે:

નિયમ 125(1) માં ફેરફાર: મોટર વાહન નિયમોના નિયમ 125 ના પેટાનિયમ (1) માં પહેલાં માત્ર ‘No advertising device, figure’ શબ્દો હતા, જેના સ્થાને હવે ‘No advertising device, caste signage, figure’ (કોઈ જાહેરાતનું સાધન, જાતિસૂચક ચિન્હ કે આકૃતિ નહીં) શબ્દો ઉમેરવામાં આવ્યા છે. જેનો સીધો અર્થ એ થાય છે કે હવે વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો કે ચિન્હો લગાવી શકાશે નહીં.

નિયમ 138 માં નવો પેટાનિયમ (3) ઉમેરાયો: આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય કે ખાસ હુકમથી પરવાનગી આપવામાં આવી હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓ સિવાય, કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિન્હ, આકૃતિ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

30 દિવસમાં કોઈ વાંધા-સૂચનો ન આવતા નિયમ અમલમાં મુકાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ સુધારો લાગુ કરતા પહેલાં તારીખ 11 જૂન, 2026 ના રોજ તેનો પ્રાથમિક મુસદ્દો (Draft) જાહેર કર્યો હતો અને નાગરિકો પાસેથી 30 દિવસની અંદર વાંધા કે સૂચનો મંગાવ્યા હતા. આ 30 દિવસની સમયમર્યાદામાં સરકારને કોઈપણ વાંધો કે સૂચન ન મળતા, હવે સત્તાવાર રીતે આ કડક નિયમ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી હવે વાહનો પર શું લગાવી શકાય અને શું નહીં તે અંગેના નિયમો એકદમ સ્પષ્ટ અને કડક બનશે.

આ પણ વાંચો- ‘ઓપરેશન સિંદૂર' પછી પહેલીવાર ભારત આવ્યા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક! સિંધુ જળ કરાર મુદ્દે આપી હતી હાથ કાપી નાખવાની ધમકી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 20, 2026 1:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.