ફાંસીની સજા કાયમ રાખવાની સાથે ગુજરાત હાઇકોર્ટે પીડિત પરિવારો માટે આર્થિક વળતરનો પણ આદેશ કર્યો છે.
2008 ના ગોઝારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે મંગળવારે ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. હાઇકોર્ટે સ્પેશિયલ કોર્ટ (સેશન્સ કોર્ટ) ના અગાઉના આદેશને માન્ય રાખતા 38 આતંકવાદીઓની ફાંસીની સજાને યથાવત રાખી છે. આ સાથે જ અન્ય 11 દોષિતોની આજીવન કેદની સજા પણ કાયમ રાખવામાં આવી છે.
પીડિતો માટે વળતરની જાહેરાત
ફાંસીની સજા કાયમ રાખવાની સાથે ગુજરાત હાઇકોર્ટે પીડિત પરિવારો માટે આર્થિક વળતરનો પણ આદેશ કર્યો છે. આ સિરિયલ બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર 56 મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયા અને 200 થી વધુ ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર આપવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.
શું થયું હતું 26 જુલાઈ 2008 ના રોજ?
26 જુલાઈ 2008 નો એ કાળો દિવસ અમદાવાદ શહેર ક્યારેય ભૂલી શકશે નહીં.શહેરમાં માત્ર 70 મિનિટના ટૂંકા ગાળામાં એકપછી એક એમ કુલ 21 ધડાકા થયા હતા, જેમાં 56 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આતંકીઓએ સાઇકલ પર મૂકેલા ટિફિન બોક્સમાં બોમ્બ છુપાવ્યા હતા .નરોડા, બાપુનગર, સરખેજ અને હાટકેશ્વર જેવા અત્યંત ભીડભાડવાળા વિસ્તારો, બજારો અને જાહેર સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.આતંકીઓએ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની સિટી બસોમાં પણ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા, જેનાથી બસોના ફુરચા ઉડી ગયા હતા.
હુમલાખોરોની ક્રૂરતા એ હદે હતી કે, શરૂઆતના બ્લાસ્ટના બરાબર 40 મિનિટ પછી બે અલગ-અલગ હોસ્પિટલ કેમ્પસમાં પણ ધડાકા કરવામાં આવ્યા. આ એ જ સમય હતો જ્યારે અન્ય બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા.
2022 માં સેશન્સ કોર્ટે સંભળાવી હતી સજા
આ ભયાનક કેસમાં 14 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ, વર્ષ 2022 માં સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ ઘટનાને 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ ગણાવીને 38 આતંકીઓને ફાંસી અને 11 ને આજીવન કેદની સજા ફટકારી હતી. ભારતીય કાનૂની ઇતિહાસમાં આ પહેલો એવો કેસ હતો, જેમાં કોઈ અદાલતે એકસાથે 38 આરોપીઓને દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી હોય.
હાઇકોર્ટમાં કેમ પહોંચ્યો હતો મામલો?
ભારતીય કાયદા મુજબ, સેશન્સ કોર્ટ દ્વારા કોઈપણ ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવે, ત્યારે તેનો અમલ કરતા પહેલા હાઇકોર્ટની મંજૂરી મેળવવી ફરજિયાત હોય છે. આ પ્રક્રિયાના ભાગરૂપે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ ફાંસીની સજા કન્ફર્મ કરવા માટે અરજી કરી હતી. બીજી તરફ, દોષિતોએ પણ નીચલી કોર્ટના આ ચુકાદા સામે બચાવ માટે અપીલ દાખલ કરી હતી. જોકે, હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આતંકીઓને કોઈ જ રાહત આપી નથી અને તેમની ફાંસીની સજા અકબંધ રાખી છે.