આ કારમાં યશ, યક્ષ અને ક્રિશ દવે પણ સાથે બેઠો હતો. તે સમયે કેનાલ પર કાર U ટર્ન મારતી વખતે કોઈ કારણસર ટર્ન નહીં લાગતા કાર કેનાલમાં ખાબકી.
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલી ફતેહવાડી કેનાલ ખાતે ગોઝારી ઘટના બની. અહીં રિલ્સના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટનામાં હજી બે યુવકોની લાશ મળી છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા અન્ય ત્રીજા યુવાનનો મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે. આ સમાચાર મળતાની સાથે યુવાનોના પરિવાર પર જાણે પહાડ તૂટી પડ્યો છે. પરિવારે પોતાના વ્હાલસોયાને ખોતા તેમના પર આભ તુટી પડ્યું છે. ઘટનાસ્થળે અને પરિજનોના નિવાસસ્થાને આક્રંદ સંભળાઈ રહ્યો છે.
બે યુવાનોના મૃતદેહ મળ્યા
હાલ ફાયરબ્રિગેડે યુવાનોના મૃતદેહ શોધવા માટે કેનાલમાં આવતું પાણી બંધ કરી દીધું હતુ. જેના કારણે ફાયરની ટીમોને સફળતા મળી છે. રેસ્ક્યૂની ટીમે યશ અને યજ્ઞના મૃતદેહ શોધી નાંખ્યા છે. હવે ક્રિશના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ત્રણેય પરિવારો ઘણાં જ શોકમાં છે.
બનાવની વિગત પ્રમાણે વાસણા આસપાસની અમદાવાદની ફતેહવાડી કેનાલ પાસે બુધવારે બપોરના સમયે સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. મળતી માહિતી અનુસાર આ સ્કોર્પિયો કાર બુધવારે બપોરના 4.30 વાગ્યાની આસપાસ મૌલિક જાલેરાએ સેલ્ફ ડ્રાઇવથી ભાડે આપી હતી. 3500 રૂપિયામાં 4 કલાક કાર ભાડેથી લેવા હૃદય વયંતા, ધ્રુવ સોલંકી, રૂતાયું સોલંકી નામના યુવકો આવ્યા હતા.
કાર કોણ ચલાવી રહ્યુ હતુ?
આ સ્કોર્પિયો કાર ફતેહવાડીથી વાસણા બેરેજ રોડ પર પોહચે તે પહેલાં જ વાસણા બેરેજ ખાતે વિરાજસિંહ રાઠોડ, યક્ષ ભંકોડિયા, યશ સોલંકી અને ક્રિશ દવેને બોલાવ્યા હતા. આ દરમ્યાન રિલ્સ બનાવવા કાર અલગ મિત્રો ચલાવતા. છેલ્લે સ્કોર્પિયો કાર કેનાલ પાસેના રોડ પર યક્ષ ભંકોડિયાએ થોડીવાર કાર ચલાવી તેના મિત્ર યશ સોલંકીને કાર ચલાવવા આપી હતી.
અન્ય મિત્રએ કર્યા બચાવવાના પ્રયાસ
આ કારમાં યશ, યક્ષ અને ક્રિશ દવે પણ સાથે બેઠો હતો. તે સમયે કેનાલ પર કાર U ટર્ન મારતી વખતે કોઈ કારણસર ટર્ન નહીં લાગતા કાર કેનાલમાં ખાબકી. આ બનાવ અંગેના CCTV ફુટેજમાં પણ સ્પષ્ટ દેખાય છે કે, કાર કેનાલમાં ખાબકી જોકે કારમાં નહીં બેઠેલો તેમનો અન્ય મિત્ર વિરાજસિંહ રાઠોડ બચાવવા પ્રયત્ન કર્યા. મિત્ર વિરાજસિંહએ રસ્સો નાખી બચાવવાનો પ્રયત્ન કર્યો પણ ત્રણમાંથી કોઈપણ રસ્સો પકડી શક્યા નહીં.
બાદમાં ફાયર અને પોલીસની મદદ લેવાઈ કારને કેનાલમાંથી ફાયરની ટીમે બાહર કાઢી આપી. હાલ પોલીસે અને ફાયરની ટીમે પાણીનો પ્રવાહ બંધ કરાવી કેનાલમાં પડેલા ત્રીજા યુવાનની શોધખોળ હાથ ધરી છે. મોડી રાત સુધી આ ત્રણેય મિત્રો નહિ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો. હાલ પણ ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતા વાસણા પોલીસ સ્ટેશનના PI તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સાથે લોકલ તરવૈયાઓએ તપાસ કરી હતી. પરંતુ, કારમાં કોઇ મળી આવ્યું નહોતું. બીજી તરફ પોલીસને પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે યુવકોએ રીલ્સ બનાવવા માટે કાર ભાડે લીધી હતી અને કેનાલ પર આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસે તેમના પરિવારજનોને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને ફાયરબ્રિગેડની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરી છે.