India-Bangladesh Energy Deal: સંબંધોમાં કડવાશ પણ વેપારમાં મિઠાશ! બાંગ્લાદેશે ભારત સાથે કરી 1,80,000 ટન ડીઝલની મોટી ડીલ
India-Bangladesh Energy Deal: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય તણાવ હોવા છતાં, બાંગ્લાદેશે ભારત સાથે ડીઝલ ખરીદીનો મોટો કરાર કર્યો છે. જાણો 1,80,000 ટન ડીઝલ અને 'મૈત્રી પાઈપલાઈન' સાથે જોડાયેલી મહત્વની વિગતો આ અહેવાલમાં.
India-Bangladesh Energy Deal: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય તણાવ હોવા છતાં, બાંગ્લાદેશે ભારત સાથે ડીઝલ ખરીદીનો મોટો કરાર કર્યો છે.
India-Bangladesh Energy Deal: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રાજકીય માહોલ ગરમ છે. સીમા વિવાદ હોય કે પછી બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા હુમલા, આ તમામ મુદ્દાઓને કારણે બંને દેશોના સંબંધોમાં થોડી ખટાશ જરૂર આવી છે. જોકે, કહેવાય છે ને કે ધંધો એ ધંધો છે. બરાબર એ જ રીતે, જ્યારે વાત દેશની ઊર્જા જરૂરિયાતની આવે છે, ત્યારે બાંગ્લાદેશ માટે ભારત આજે પણ સૌથી વિશ્વાસપાત્ર ભાગીદાર છે. આ વાતની સાબિતી આપતો એક મોટો નિર્ણય તાજેતરમાં બાંગ્લાદેશ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
1,80,000 ટન ડીઝલનો સોદો પાકો
બાંગ્લાદેશમાં ભલે સત્તા પલટો થયો હોય કે રાજકીય અસ્થિરતા હોય, પણ ઈંધણની જરૂરિયાત તો રહેવાની જ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC)એ ભારતની સરકારી કંપની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (NRL) સાથે હાથ મિલાવ્યા છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2026 માટે બાંગ્લાદેશ ભારત પાસેથી કુલ 1,80,000 મેટ્રિક ટન ડીઝલ ખરીદશે.
સોદાની કિંમત અને ગણિત
આ ડીલ નાના-સુના રૂપિયામાં નથી થઈ. આ આયાત માટે બાંગ્લાદેશ અંદાજે 14.62 અબજ ટકા (બાંગ્લાદેશી કરન્સી) ખર્ચ કરશે, જે ભારતીય ડોલરના હિસાબે આશરે 119.13 મિલિયન ડોલર થાય છે.
ભાવ નક્કી કરવાની પદ્ધતિ પણ રસપ્રદ છે,
* બેઝ પ્રાઈસ: 83.22 ડોલર પ્રતિ બેરલ.
* પ્રીમિયમ: આની ઉપર 5.50 ડોલરનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
જોકે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જે વધઘટ થશે, તે મુજબ અંતિમ કિંમતમાં થોડો ફેરફાર થઈ શકે છે.
આસામથી બાંગ્લાદેશ: 'મૈત્રી પાઈપલાઈન'નો કમાલ
તમને સવાલ થશે કે આટલું બધું ડીઝલ બાંગ્લાદેશ પહોંચશે કઈ રીતે? અહીં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતાનું પ્રતીક એવી 'ઈન્ડિયા-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઈપલાઈન' કામમાં આવશે. આસામમાં આવેલી નુમાલીગઢ રિફાઈનરીમાંથી ડીઝલ પહેલા પશ્ચિમ બંગાળના સિલીગુડી લાવવામાં આવશે. ત્યાંથી પાઈપલાઈન મારફતે તે સીધું બાંગ્લાદેશ પહોંચાડવામાં આવશે. વર્ષ 2022-23માં શરૂ થયેલી આ પાઈપલાઈને પરિવહનની વ્યાખ્યા બદલી નાખી છે. પહેલાં ટ્રેનના વેગનમાં ડીઝલ જતું હતું, જેમાં ખર્ચ અને સમય બંને વધારે લાગતા હતા. હવે પાઈપલાઈનને કારણે સમયની સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ મોટો ઘટાડો થયો છે.
રાજકારણ બાજુ પર, વેપાર પહેલા
જાન્યુઆરીમાં જ ઢાકામાં મળેલી સરકારી ખરીદ સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય પર મહોર મારવામાં આવી હતી. બાંગ્લાદેશના ઉર્જા સલાહકાર મુહમ્મદ ફૌઝુલ કબીર ખાને સ્પષ્ટતા કરી હતી કે આ નવો નિર્ણય નથી, પરંતુ અગાઉની સરકાર વખતે ભારત સાથે થયેલા 15 વર્ષના લાંબા ગાળાના કરારનો જ એક ભાગ છે.
આ આખી ઘટના એ સાબિત કરે છે કે પાડોશી દેશો વચ્ચે ગમે તેટલા મતભેદ હોય, પણ આર્થિક અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર રહેવું અનિવાર્ય છે. ભારત અને બાંગ્લાદેશનો આ એનર્જી કોન્ટ્રાક્ટ એ વાતનો પુરાવો છે કે 'રમત બંધ હોય તો પણ ધંધો તો ચાલવો જ જોઈએ.'