ભારત અને પોલેન્ડ વચ્ચે ડિફેન્સ અને સ્પેસ સેક્ટરમાં મોટી સમજૂતી: પોલેન્ડના PM એ ભારતને ગણાવ્યું ‘આશાનું કિરણ’
India Poland Relations: પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્કની ભારત મુલાકાતમાં ડિફેન્સ, સ્પેસ અને ન્યુક્લિયર એનર્જી પર મોટી સમજૂતી થઈ છે. ટસ્કે વૈશ્વિક મંચ પર ભારતને 'આશાનું કિરણ' ગણાવ્યું. જાણો મહત્વની વાતો.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટસ્ક વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સુરક્ષા, વેપાર અને વૈશ્વિક શાંતિ જેવા મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
India Poland Relations: ભારત અને પોલેન્ડ વચ્ચેની રણનીતિક ભાગીદારી હવે એક નવા અને ઐતિહાસિક મુકામ પર પહોંચી છે. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક હાલમાં 3 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટસ્ક વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સુરક્ષા, વેપાર અને વૈશ્વિક શાંતિ જેવા મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
ડિફેન્સ, સ્પેસ અને ન્યુક્લિયર એનર્જી પર મોટો નિર્ણય
આ બેઠકમાં બંને દેશોએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને રણનીતિક અને સુરક્ષાને લગતા કેટલાક મોટા નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ જણાવ્યું કે બંને દેશો હવે નીચે મુજબના 3 મુખ્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે:
ડિફેન્સ: હથિયારો અને સુરક્ષા સાધનોના નિર્માણમાં સહયોગ.
સ્પેસ: સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચમાં ભાગીદારી.
ન્યુક્લિયર એનર્જી: ઊર્જાના નવા વિકલ્પો પર કામ.
પીએમ મોદીએ પોલેન્ડની મોટી ટેક અને ડિફેન્સ કંપનીઓને ભારતમાં આવવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન માટે બહુ મોટી તકો રહેલી છે.
વિશ્વ શાંતિ માટે ભારત કટિબદ્ધ
યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે આ મીટિંગ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દુનિયાના કોઈપણ ખૂણે ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા અને શાંતિ સ્થાપવા માટે થતા દરેક ઈમાનદાર પ્રયાસને ભારત પૂરેપૂરો ટેકો આપશે.
ભારત દુનિયા માટે 'આશાનું કિરણ': ડોનાલ્ડ ટસ્ક
પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્કે ભારતના ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને આંતરરાષ્ટ્રીય સ્તર પરના નેતૃત્વના દિલ ખોલીને વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આજના મુશ્કેલ વૈશ્વિક સમયમાં ભારત આખી દુનિયા માટે 'આશાનું કિરણ' છે. ભારતની પરંપરા અને વૈશ્વિક ભૂમિકાથી પોલેન્ડ ખૂબ જ પ્રભાવિત છે. આ સાથે જ તેમણે ગર્વથી પીએમ મોદીને પોતાના "ખાસ મિત્ર" ગણાવ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધનો એ ઐતિહાસિક સંબંધ
પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના જૂના અને માનવીય સંબંધોને યાદ કરતા બીજા વિશ્વયુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે પોલેન્ડ પર સંકટ હતું, ત્યારે ગુજરાતના જામનગર અને મહારાષ્ટ્રના કોલ્હાપુરના રાજવીઓએ પોલેન્ડના હજારો બાળકો અને પરિવારોને ભારતમાં આશરો આપીને તેમનો જીવ બચાવ્યો હતો. આ ઐતિહાસિક માનવતા આજે પણ બંને દેશોના લોકોને દિલથી જોડે છે.
સંસ્કૃતિ અને વેપારમાં નવી તેજી
વર્ષ 2024 માં પીએમ મોદીની પોલેન્ડ મુલાકાત બાદ બંને દેશોના સંબંધોને એક 'સ્ટ્રેટિજિક પાર્ટનરશિપ' નો દરજ્જો મળ્યો હતો. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)થી ભારત અને પોલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે. વધુમાં, સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા માટે પોલેન્ડના ઐતિહાસિક શહેર ક્રેકોવમાં 'ઇન્ડિયન સ્ટડીઝ ચેર'ની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં સંસ્કૃત અને ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ થશે.
બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર (UN) જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા કરી તેને વધુ પારદર્શક અને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પોલેન્ડના પીએમની આ ભારત મુલાકાત આવનારા સમયમાં બંને દેશો માટે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે.