ઈરાનના કાળા વાદળોનો ભારત પર ખતરો: ગુજરાત સહિત 3 રાજ્યોમાં એસિડ રેન અને જીવલેણ બીમારીઓનું મોટું સંકટ! | Moneycontrol Gujarati
Get App

ઈરાનના કાળા વાદળોનો ભારત પર ખતરો: ગુજરાત સહિત 3 રાજ્યોમાં એસિડ રેન અને જીવલેણ બીમારીઓનું મોટું સંકટ!

Iran Israel war impact on India: ઈરાનમાં તેલના કુવાઓ પર હુમલાથી ઉઠેલા ઝેરી કાળા વાદળો ગુજરાત, રાજસ્થાન અને પંજાબ માટે મોટો ખતરો બની શકે છે. જાણો એસિડ રેન અને સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે.

અપડેટેડ 10:54:41 AM Mar 15, 2026 પર
Story continues below Advertisement
Iran Israel war impact on India: ઈરાનમાં તેલના કુવાઓ પર હુમલાથી ઉઠેલા ઝેરી કાળા વાદળો ગુજરાત, રાજસ્થાન અને પંજાબ માટે મોટો ખતરો બની શકે છે.

Iran Israel war impact on India: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર આર્થિક કે રાજકીય નુકસાન પૂરતું સીમિત નથી રહ્યું. આ યુદ્ધ હવે દુનિયાના ઘણા દેશો માટે એક ગંભીર સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંકટ બની ગયું છે. નવાઈની વાત એ છે કે, હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આ યુદ્ધની માઠી અસર ગુજરાત સહિત ભારતના 3 રાજ્યો પર પડી શકે છે.

આ ગંભીર મુદ્દે પ્રખ્યાત આબોહવા વૈજ્ઞાનિક (Climate Scientist) અને પર્યાવરણ નીતિ નિષ્ણાત પ્રોફેસર અંજલ પ્રકાશે ચોંકાવનારી માહિતી આપી છે. પ્રોફેસર અંજલ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB) માં ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર છે અને IPCC ના લીડ ઓથર રહી ચૂક્યા છે.

આકાશમાં છવાયા ઝેરી કાળા વાદળો

ઈરાનના તેલના ભંડારો પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ, રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તારોનું આકાશ કાળા અને ઝેરી ધુમાડાથી ભરાઈ ગયું છે. આ ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ઈરાનની ‘રેડ ક્રીસેન્ટ સોસાયટી'એ લોકોને ‘એસિડ રેન' (એસિડ વર્ષા)થી બચવા માટે ખાસ ચેતવણી આપી છે.

ગુજરાત, રાજસ્થાન અને પંજાબ પર શું છે ખતરો?


ભારત અને ઈરાન વચ્ચે હિમાલય અને ઘણું અંતર હોવાથી સીધો ખતરો ઓછો છે. હાલમાં ઈરાનથી પાકિસ્તાનના બલૂચિસ્તાન તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે. પાકિસ્તાને તો આ ઝેરી ધુમાડા અંગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. પરંતુ પ્રોફેસર અંજલ પ્રકાશના જણાવ્યા અનુસાર, જો આકાશના ઉપરના સ્તરે ફૂંકાતી હવાઓ (જેને જેટ સ્ટ્રીમ કહેવાય છે) મજબૂત બનશે, તો આ તેલના સળગવાથી ઉત્પન્ન થયેલા ઝેરી કણો ગુજરાત, રાજસ્થાન અને પંજાબ સુધી પહોંચી શકે છે. HYSPLIT જેવા વૈશ્વિક મોડલ્સ દર્શાવે છે કે આ ખતરનાક કણો માત્ર 5 થી 10 દિવસમાં 2000 થી 3000 કિલોમીટર દૂર સુધી ફેલાઈ શકે છે.

એસિડ રેન અને ઝેરી ધુમાડાની ભયંકર અસરો:

જમીન અને ખેતીનો નાશ: આ એસિડ રેનની સીધી અસર 1 થી 2 અઠવાડિયા સુધી દેખાશે, પણ જમીનમાં તેની એસિડિટી 10 થી 20 વર્ષ સુધી રહેશે. આનાથી જમીનની ફળદ્રુપતા ખતમ થશે અને ખેત ઉત્પાદનમાં 10 થી 15% નો ઘટાડો થશે, જે ભવિષ્યમાં મોટા અનાજ સંકટને નોતરશે.

જીવલેણ બીમારીઓ: આ ઝેરી વાદળોમાં લેડ (સીસું) અને મર્ક્યુરી જેવી ભારે ધાતુઓ હોય છે. આ ધાતુઓ જમીન અને પાણીમાં ભળીને આપણા ખોરાક દ્વારા શરીરમાં જશે, જેનાથી DNA ને નુકસાન અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

શ્વાસના રોગો: આ પ્રદૂષણને કારણે લોકોમાં શ્વાસની બીમારીઓ 20 થી 30% સુધી વધી શકે છે. બાળકો અને વૃદ્ધોના જીવ પર સૌથી મોટું જોખમ છે. આ ઉપરાંત ન્યુરોલોજીકલ (મગજના) રોગો પણ થઈ શકે છે.

ગ્લોબલ વોર્મિંગમાં ભયજનક વધારો

પેરાવરણને બચાવવાના દુનિયાના પ્રયાસો પર આ યુદ્ધો પાણી ફેરવી રહ્યા છે. યુક્રેન યુદ્ધ વખતે 35 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ (CO2) પ્રદૂષણ થયું હતું. હવે ઈરાનમાં તેલ સળગવાને કારણે દરરોજ લાખો ટન ગ્રીનહાઉસ ગેસ હવામાં ભળી રહ્યો છે.

છેલ્લા એક વર્ષમાં જ દુનિયાએ 1.5 ડિગ્રી વોર્મિંગની લિમિટ પાર કરી લીધી છે. આ યુદ્ધને કારણે તાપમાન 2.3 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઈરાન જેવા દેશમાં તેલના સળગવાથી વૈશ્વિક ઊર્જા સંકટ આવશે અને દેશો ફરીથી કોલસા પર નિર્ભર બનશે, જેનાથી ગરમી ભયાનક સ્તરે પહોંચી જશે.

બચાવ માટે શું પગલાં લેવા જોઈએ?

ઈરાન માટે: તાત્કાલિક એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન લગાવવા જોઈએ, પ્રભાવિત જમીનને બચાવવા ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ અને હેલ્થ કેમ્પ શરૂ કરવા જોઈએ.

ભારત માટે: ભારતે પાકિસ્તાન બોર્ડર પર હવાની ગુણવત્તા પર સતત નજર રાખવી જોઈએ અને ચોમાસા પહેલા આગોતરી ચેતવણીઓ (Warning System) જાહેર કરવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય સ્તરે: UNEP-WHOની સંયુક્ત ટીમ બનાવવી જોઈએ. વિકાસશીલ દેશો માટે ‘ક્લાઇમેટ પીસ ફંડ' બનાવવું જોઈએ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગુનાઓ નોંધાવા જોઈએ.

ટૂંકમાં, આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચે નથી, તેનાથી નીકળતો ઝેરી ધુમાડો આખી માનવજાત અને આવનારી પેઢીઓ માટે એક મોટું જોખમ ઊભું કરી રહ્યો છે.

આ પણ વાંચો- PNG યુઝર્સ માટે મોટા સમાચાર! સરકારનો નવો આદેશ, હવે ઘરમાં નહીં રાખી શકો LPG સિલિન્ડર

MoneyControl News

MoneyControl News

First Published: Mar 15, 2026 10:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.