Kozhikode Train Fire: કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા બાબતે થયેલા નજીવા ઝઘડાને પગલે એક વ્યક્તિએ બીજા મુસાફરને આગ ચાંપી દેતાં ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. આ ઘટનામાં અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટનાના કલાકો બાદ કેરળના ઇલાથુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પર એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઈમરજન્સી ચેઈન ખેંચી લીધા પછી ટ્રેન ધીમી પડી ત્યારે તે વ્યક્તિ નાસી છૂટ્યો હોવાની આશંકા છે. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર, કથિત રીતે આગ લગાડનાર વ્યક્તિ ઘટના બાદ ભાગી ગયો હતો. ત્રણ ઘાયલ લોકોને આરપીએફના જવાનોએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને જરૂરી તપાસ કર્યા બાદ ટ્રેન રવાના થઈ હતી.
પ્રારંભિક અહેવાલો અનુસાર, એવી શંકા છે કે આ ઘટના બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી પછી બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઝઘડા બાદ એક વ્યક્તિએ અન્ય મુસાફર પર કોઈ જ્વલનશીલ સામગ્રી નાખીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાને કારણે નાસભાગ અને આગના કારણે 3 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા.
કોઝિકોડ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સે આ મામલે તપાસ શરૂ કરી છે. આરપીએફને જાણ કરવામાં આવી હતી કે ટ્રેનમાં એક વ્યક્તિએ કથિત રીતે એક સાથી મુસાફરને આગ લગાવી દીધી હતી, જેમાં અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. કલાકો પછી, એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોના મૃતદેહ ઈલાથુર રેલ્વે સ્ટેશન નજીક પાટા પર પડેલા મળી આવ્યા હતા.