દિલ્હીમાં મહાવિનાશક અગ્નિકાંડ: ફ્લોરિશ સ્ટે હોટલમાં ભીષણ આગથી 21 લોકોના મોત, મૃતકોમાં મોટાભાગના વિદેશી નાગરિકો | Moneycontrol Gujarati
Get App

દિલ્હીમાં મહાવિનાશક અગ્નિકાંડ: ફ્લોરિશ સ્ટે હોટલમાં ભીષણ આગથી 21 લોકોના મોત, મૃતકોમાં મોટાભાગના વિદેશી નાગરિકો

દિલ્હીના માલવીય નગરમાં આવેલી ફ્લોરિશ સ્ટે હોટલ અને રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા 21 લોકોના જીવ ગયા. મૃતકોમાં મોટાભાગના વિદેશીઓ સામેલ. ફાયર વિભાગે 37 લોકોને બચાવ્યા.

અપડેટેડ 02:35:45 PM Jun 03, 2026 પર
Story continues below Advertisement
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સવારે 9:00 વાગ્યે કોલ મળતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

દિલ્હીના માલવીય નગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. હૌઝ રાની વિસ્તારમાં આવેલી એક પ્રખ્યાત હોટલમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોઝારી ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના વિદેશી નાગરિકો છે.

ક્યાં અને કેવી રીતે લાગી આગ?

આ દુર્ઘટના પાંચ માળની બિલ્ડિંગમાં આવેલી ફ્લોરિશ સ્ટે હોટલમાં બની છે. બિલ્ડિંગના બેઝમેન્ટમાં 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ' આવેલું છે. સવારે આશરે 8:50 વાગ્યાની આસપાસ આ રેસ્ટોરન્ટમાંથી આગ શરૂ થઈ હતી અને જોતજોતામાં જ આગની જ્વાળાઓએ આખી હોટલને પોતાની લપેટમાં લઈ લીધી હતી.

37 લોકોનું સફળ રેસ્ક્યૂ, 21 ના મોત

શરૂઆતમાં ફાયર વિભાગે બેઝમેન્ટમાંથી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં આગ એટલી વિકરાળ બની ગઈ કે મૃત્યુઆંક સીધો 21 પર પહોંચી ગયો. આ આંકડાએ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે. જોકે, ફાયર ફાઈટર્સની ભારે જહેમત બાદ બેઝમેન્ટમાં ફસાયેલા કુલ 37 લોકોને જીવતા બચાવી લેવાયા છે અને તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


રસોઈયાની આંખે દેખી આપવીતી

હોટલના રેસ્ટોરન્ટમાં કામ કરતા મુખ્ય રસોઈયા કેસર સિંહે આ ભયાનક દ્રશ્ય અંગે માહિતી આપતા જણાવ્યું કે, "સવારે આશરે 8:00 વાગ્યે મેં કામ શરૂ કરવા માટે ઈલેક્ટ્રિક સ્ટવ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. બસ એ જ વખતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મેં તરત જ મારા આસિસ્ટન્ટને બૂમ પાડી અને અમે જેમ-તેમ કરીને હોટલની બહાર દોડી જઈને અમારો જીવ બચાવ્યો."

ફાયર વિભાગની 10 ગાડીઓ કામે લાગી

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સવારે 9:00 વાગ્યે કોલ મળતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારી મુજબ, શરૂઆતમાં જ બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર અને એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ તૈનાત કરી દેવાયા હતા.

તંત્ર દોડતું થયું, ધારાસભ્ય પહોંચ્યા ઘટનાસ્થળે

આ ઘટનાની જાણ થતા જ માલવીય નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાય ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું કે, પરિસ્થિતિ જોતા જ અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, જિલ્લા મેજિસ્ટ્રેટ, SDM અને MCDના ડેપ્યુટી કમિશનરને જાણ કરી દીધી હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં ખૂબ મોટી મદદ કરી છે.

બીજી તરફ, સાઉથ દિલ્હીના SDM અને DDMA અધિકારી જીતેન્દ્ર કુમારે કહ્યું કે, માહિતી મળતા જ DDMA સેલ સક્રિય કરાયો હતો. પ્રાથમિક તપાસમાં આગ રેસ્ટોરન્ટમાંથી જ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો-પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર બહાર અંધાધૂંધ ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, ખાન સરે માંગી સુરક્ષા

MoneyControl News

MoneyControl News

First Published: Jun 03, 2026 2:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.