હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, આજે ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે.
Heavy rain alert today: દેશભરમાં હાલ ચોમાસું જામ્યું છે અને અનેક રાજ્યોમાં આકાશમાંથી જાણે આફત વરસી રહી છે. ભારત હવામાન વિભાગ દ્વારા આજે 23 જુલાઈના રોજ વહેલી સવારે એક નવું રાષ્ટ્રીય હવામાન બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. આ બુલેટિનમાં દેશના 2 રાજ્યો માટે સૌથી ખતરનાક ગણાતું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના 21 કરતા વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે પવન, ગાજવીજ અને મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવો વિગતે જાણીએ કે આજે 23 જુલાઈના રોજ તમારા રાજ્ય અને આસપાસના વિસ્તારોમાં હવામાન કેવું રહેશે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં 'રેડ એલર્ટ', જળબંબાકારની સ્થિતિ
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, આજે ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે. ગુજરાતના મેદાની અને ઉત્તર ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના મધ્ય વિસ્તારો અને ઘાટવાળા વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે નદી-નાળા છલકાવવાની અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની પૂરી શક્યતા છે.
આ રાજ્યોમાં પડશે ખૂબ જ ભારે વરસાદ
IMD ના જણાવ્યા મુજબ, નીચે આપેલા રાજ્યોમાં પણ આજે આકાશમાંથી ભારે પાણી તૂટી પડશે.
મધ્યપ્રદેશ: રાજ્યના અલગ-અલગ ભાગોમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહેશે અને અતિભારે વરસાદ પડશે.
પૂર્વ રાજસ્થાન: રાજસ્થાનના પૂર્વીય જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.
કોંકણ અને ગોવા: દરિયાકાંઠાના વિસ્તારો અને ગોવામાં મુશળધાર વરસાદનો દોર અકબંધ રહેશે.
પૂર્વોત્તર ભારત: નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તરથી દક્ષિણ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
સમગ્ર દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખના પહાડી અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. છત્તીસગઢ, વિદર્ભ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ સારો વરસાદ નોંધાશે. બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. કર્ણાટક, કેરળ, માહે અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડશે.
આંધી-તોફાન અને 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
IMD એ માત્ર વરસાદ જ નહીં, પણ તોફાની પવન અને આકાશી વીજળી પડવા અંગે પણ લોકોને ખાસ સાવચેત કર્યા છે. ઝારખંડ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. આંદામાન-નિકોબાર, બિહાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કર્ણાટક, કેરળ, માહે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડશે.
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, આંધ્રપ્રદેશના કાંઠાળ વિસ્તારો, સમગ્ર ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, ઉત્તરાખંડ અને વિદર્ભમાં આકાશી વીજળી પડવાની પ્રબળ શક્યતા છે.