Middle East Conflict: સાઉદી અરેબિયા અને UAE વચ્ચે યમન માટે જંગ, ભારત માટે કેમ વધી મુશ્કેલી? જાણો અંદરની વાત
Middle East Conflict: યમન પર વર્ચસ્વ જમાવવા માટે સાઉદી અરેબિયા અને UAE સામસામે આવી ગયા છે. બંને મિત્ર દેશો વચ્ચેના સંઘર્ષે ભારતને ધર્મસંકટમાં મૂકી દીધું છે. જાણો ભારત આ મુશ્કેલ સ્થિતિમાં કોનો સાથ આપશે અને તેના કારણો શું છે.
Middle East Conflict: યમન પર વર્ચસ્વ જમાવવા માટે સાઉદી અરેબિયા અને UAE સામસામે આવી ગયા છે.
India-Gulf Relations: ખાડીના બે શક્તિશાળી મુસ્લિમ દેશો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે હાલમાં જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બંને દેશો વચ્ચેનો વિવાદ યમન પર વર્ચસ્વ જમાવવાને લઈને છે. જોકે, આ બે દેશોની લડાઈમાં ભારત માટે નવી મુસીબત ઊભી થઈ છે. ભારત માટે આ સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે, કારણ કે સાઉદી અને UAE બંને ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાથીદાર છે. ભારત આમાંથી કોઈ એકનો પક્ષ લઈને બીજાને નારાજ કરી શકે તેમ નથી.
યમન સંકટ અને ભારતનું વલણ
યમનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને ભારતે ખૂબ જ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ભારતે સાઉદી અરેબિયા અને UAE વચ્ચેના આ વિવાદથી સુરક્ષિત અંતર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ભારતે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
જાણકારોનું કહેવું છે કે, ભારત ખાડીના આ બંને દેશોની લડાઈમાં પોતાની જાતને સંડોવવા માંગતું નથી. ભારત અત્યારે માત્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને જોઈ રહ્યું છે કે આખરે 'ઊંટ કઈ કરવટ બેસે છે'.
શા માટે લડી રહ્યા છે સાઉદી અને UAE?
આ બંને દેશો વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ યમન પર નિયંત્રણ મેળવવાનું છે. સાઉદી અરેબિયા અને UAE બંને યમન પર પોતાનું પ્રભુત્વ ઈચ્છે છે, કારણ કે ભૌગોલિક અને સામરિક દૃષ્ટિએ યમન ખૂબ જ મહત્વનું છે.
સાઉદી અરેબિયા: એકીકૃત (Unified) યમનનું સમર્થન કરી રહ્યું છે.
UAE: દક્ષિણ યમનના અલગતાવાદીઓને સાથ આપી રહ્યું છે.
આ લડાઈ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લાલ સમુદ્ર (Red Sea), હિંદ મહાસાગર ક્ષેત્ર અને હોર્ન ઓફ આફ્રિકા સુધી પોતાનો દબદબો બનાવવાનો છે.
ભારત માટે આ સંઘર્ષ કેમ મોટો પડકાર છે?
ભારત માટે આ બંને દેશો સાથેના સંબંધો અત્યંત ગાઢ અને મહત્વપૂર્ણ છે. પશ્ચિમ એશિયામાં ભારત માટે ક્રૂડ ઓઈલનો સપ્લાય, વેપાર અને ત્યાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા માટે સાઉદી અને UAE સાથે મિત્રતા હોવી જરૂરી છે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના છે. 1947થી શરૂ થયેલા આ સંબંધોને 2010માં નવી દિશા મળી હતી. હાલમાં ભારત સાઉદીના 'વિઝન 2030' અંતર્ગત રોકાણ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. સાઉદી અરેબિયા ભારત માટે નિકાસનું મોટું કેન્દ્ર બની શકે છે. ખાડીના દેશોમાં સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયામાં જ વસે છે. ક્રૂડ ઓઈલના સપ્લાય માટે પણ ભારત સાઉદી પર મોટો આધાર રાખે છે.
ભારત અને UAE ના સંબંધો
છેલ્લા એક દાયકામાં UAE ભારતનો સૌથી મહત્વનો ભાગીદાર બનીને ઉભરી આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2015 પછી એકલા 7 વખત UAE ની મુલાકાત લઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે સંબંધો કેટલા મજબૂત છે. અમેરિકાની મધ્યસ્થીથી થયેલા અબ્રાહમ એકોર્ડ્સ બાદ UAE અને ઈઝરાયેલ નજીક આવ્યા છે, જેનો ફાયદો ભારતને પણ થયો છે. UAE માં લગભગ 35 લાખ ભારતીયો વસે છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, સ્પેસ, એનર્જી અને AI જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધ્યો છે.
આવી સ્થિતિમાં ભારત માટે કોઈ એક દેશનો પક્ષ લેવો તે પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે. બંને દેશો સાથે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતો જોડાયેલા છે. તેથી, ભારતીય કૂટનીતિ માટે સૌથી સમજદારીભર્યું પગલું એ જ છે કે આ સંઘર્ષમાં તટસ્થ રહેવું અને બંને પક્ષો સાથે સંતુલન જાળવી રાખવું.