સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ: PM મોદીએ કહ્યું- છેલ્લો 1 મહિનો દેશ માટે ગર્વનો રહ્યો, જાણો કયા 7 નવા બિલ રજૂ થશે અને શું છે વિપક્ષની રણનીતિ | Moneycontrol Gujarati
Get App

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ: PM મોદીએ કહ્યું- છેલ્લો 1 મહિનો દેશ માટે ગર્વનો રહ્યો, જાણો કયા 7 નવા બિલ રજૂ થશે અને શું છે વિપક્ષની રણનીતિ

આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 13 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં સરકાર 7 નવા બિલ રજૂ કરશે. પીએમ મોદીએ દેશના ગ્રોથના વખાણ કર્યા, તો બીજી તરફ વિપક્ષ NEET સહિતના મુદ્દે હંગામો કરવા તૈયાર છે.

અપડેટેડ 10:47:43 AM Jul 20, 2026 પર
Story continues below Advertisement
આ સત્ર ભારે હંગામેદાર રહેવાના પૂરા એંધાણ છે. વિપક્ષે અત્યારથી જ NEET પેપર લીક વિવાદ, રામ મંદિર ચઢાવા વિવાદ, E20 ઈંધણ અને દેશની વિદેશ નીતિ જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કમર કસી લીધી છે.

Monsoon Session: આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 13 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 19 બેઠકો યોજાશે. મોદી સરકાર આ સત્ર દરમિયાન 7 મહત્વપૂર્ણ બિલ પાસ કરાવવાની તૈયારીમાં છે. જોકે, બદલાયેલા રાજકીય સમીકરણો અને લોકસભાના નવા નંબર ગેમને જોતા સત્રના પહેલા જ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી શકે છે. સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

છેલ્લો 1 મહિનો દેશ માટે ગર્વથી ભરેલો રહ્યો: PM મોદી

સંસદ પરિસરમાં મીડિયાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, "છેલ્લા એક મહિનામાં દેશે અનેક મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સાથે સાથે અંતરિક્ષ (Space) ક્ષેત્રે પણ ભારત માટે ગર્વની પળો આવી છે. દેશવાસીઓ ગર્વથી ભરાઈ જાય તેવી સિદ્ધિઓનો સિલસિલો ચાલુ છે."

તેમણે યાદ અપાવ્યું કે ગયા ચોમાસુ સત્ર પહેલા જ એક ભારતીય નાગરિક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યો હતો. અને તાજેતરમાં જ ભારતની એક યુવા સ્ટાર્ટઅપ કંપનીએ મોટી સફળતા મેળવી છે. પીએમએ કહ્યું કે આ કોઈ સંયોગ નથી, પણ એક મજબૂત સંદેશ છે કે આપણા યુવાનોની ક્ષમતા અને આકાંક્ષાઓ અંતરિક્ષ જેટલી જ અસીમ છે.

યુદ્ધના સંકટ વચ્ચે પણ 7.7% નો ગ્રોથ


વૈશ્વિક પડકારો અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, "પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત પર પણ એક સંકટનું મોટું કારણ ઊભું થયું હતું. આનાથી ઘણા વિષયોમાં અડચણો આવી હતી. આમ છતાં, ભારતે 7.7% ના શાનદાર ગ્રોથ સાથે આગળ વધીને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો છે." તેમણે ચોમાસા અને ચોમાસુ સત્રની સરખામણી કરતા કહ્યું કે, જો આ બંને સક્રિય રહે તો દેશનું અને તમામ જીવોનું કલ્યાણ થાય છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સત્ર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય.

વિપક્ષની સરકારને ઘેરવાની પૂરી તૈયારી

આ સત્ર ભારે હંગામેદાર રહેવાના પૂરા એંધાણ છે. વિપક્ષે અત્યારથી જ NEET પેપર લીક વિવાદ, રામ મંદિર ચઢાવા વિવાદ, E20 ઈંધણ અને દેશની વિદેશ નીતિ જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કમર કસી લીધી છે. આ ઉપરાંત સર્વપક્ષીય બેઠકમાં TMC ના બળવાખોર સાંસદોને બોલાવવા મુદ્દે વિપક્ષે વોકઆઉટ કરતા સત્ર પહેલા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. સૌથી મોટું સસ્પેન્સ સીમાંકન અને મહિલા અનામત બિલને લઈને પણ બનેલું છે.

સત્ર દરમિયાન આ 7 મહત્વના બિલ રજૂ થશે

માહિતી મુજબ, સોમવારે લોકસભામાં 'વંદે માતરમ બિલ' રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત 13 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં મુખ્યત્વે નીચે મુજબના 7 બિલ રજૂ થવાના છે.

ઇન્કમ ટેક્સ (આવકવેરા) સુધારા બિલ

સુપ્રીમ કોર્ટ સુધારા બિલ

જન્મ અને મૃત્યુ નોંધણી બિલ

રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા બિલ

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) વિકાસ સુધારા બિલ

વિદેશી ફાળો નિયમન (FCRA) સુધારા બિલ

વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ

આ પણ વાંચો-દિલ્હી હાઈ એલર્ટ પર: જંતર-મંતર સીલ, હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકે 'સંસદ ચલો માર્ચ' માટે મૂકી 2 મોટી શરતો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 20, 2026 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.