દેશવ્યાપી હડતાળ: 30 કરોડ કર્મચારીઓ જોડાશે, બેંક અને ટ્રાન્સપોર્ટ સેવાઓ પર મોટી અસર
Trade Union Strike: કેન્દ્ર સરકારની નીતિઓ સામે 12 ફેબ્રુઆરીએ ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જેમાં 30 કરોડ કર્મચારીઓ જોડાશે. જાણો બેંકિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય કઈ સેવાઓ પર અસર પડશે.
Trade Union Strike: કેન્દ્ર સરકારની નીતિઓ સામે 12 ફેબ્રુઆરીએ ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.
Trade Union Strike: કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના જોઈન્ટ ફોરમ દ્વારા એક મોટી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરીના રોજ યોજાનારી આ હડતાળમાં દેશભરના અલગ-અલગ સેક્ટરના અંદાજે 30 કરોડ કર્મચારીઓ જોડાય તેવી શક્યતા છે. આ હડતાળને કારણે સામાન્ય જનજીવન, ખાસ કરીને બેંકિંગ અને પરિવહન સેવાઓ પર મોટી અસર પડી શકે છે.
કઈ કઈ સેવાઓ પર અસર પડશે?
ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)ના જનરલ સેક્રેટરી અમરજિત કૌરના જણાવ્યા મુજબ, આ હડતાળમાં વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓ જોડાશે. જેના કારણે નીચે મુજબની સેવાઓ ખોરવાઈ શકે છે:
* બેંકિંગ અને ઈન્સ્યુરન્સ (વીમા)
* ઈલેક્ટ્રિસિટી (વીજળી)
* સરકારી અને ખાનગી ટ્રાન્સપોર્ટ
* માઈનિંગ અને ગેસ પાઈપલાઈન
* પાણી પુરવઠો અને સ્વાસ્થ્ય સેવાઓ
શિક્ષણ
યુનિયનોનો દાવો છે કે આ હડતાળની અસર દેશના લગભગ 600 જિલ્લાઓમાં જોવા મળશે. અગાઉ 9 જુલાઈએ યોજાયેલી હડતાળમાં 25 કરોડ કર્મચારીઓ જોડાયા હતા અને 550 જિલ્લાઓમાં તેની અસર થઈ હતી.
બેંકિંગ સેવાઓ પર શું અસર થશે?
હડતાળની સૌથી વધુ અસર બેંક ગ્રાહકોને થઈ શકે છે. જોકે, રાહતની વાત એ છે કે તમામ બેંક યુનિયનો આ હડતાળમાં જોડાઈ રહ્યા નથી. કુલ 9 સંગઠનોમાંથી 3 મોટા યુનિયનો (AIBEA, AIBOA અને BEFI) હડતાળમાં ભાગ લેશે. જ્યારે ઓફિસર્સ કન્ફેડરેશન સહિતના અન્ય પાંચ યુનિયનો આમાં સામેલ નથી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને પહેલા જ જાણ કરી દીધી છે કે 12 ફેબ્રુઆરીએ બેંકિંગ કામકાજ પર અસર પડી શકે છે. ગુજરાતમાં મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (MGBEA) એ કર્મચારીઓને મોટી સંખ્યામાં જોડાવા આહ્વાન કર્યું છે.
ગુજરાતમાં હડતાળની સ્થિતિ
ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત બેંકોની આશરે 3,678 શાખાઓનું કામકાજ પ્રભાવિત થવાની ભીતિ છે. અંદાજે 25,000 જેટલા બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાઈ શકે છે. જેના કારણે રાજ્યમાં એક જ દિવસમાં 15,000 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો અટકી પડે તેવી શક્યતા છે. રાષ્ટ્રીયકૃત બેંકો ઉપરાંત IDBI, ફેડરલ બેંક અને કર્ણાટક બેંકના કર્મચારીઓ પણ વિરોધમાં જોડાશે.
અમદાવાદમાં વિરોધ પ્રદર્શન
12 ફેબ્રુઆરીએ સવારે 11:00 વાગ્યે અમદાવાદના એલિસબ્રિજ (ટાઉનહોલ) થી નહેરુ બ્રિજ સુધી એક રેલી કાઢવામાં આવશે અને માનવ સાંકળ રચીને વિરોધ નોંધાવવામાં આવશે.
હડતાળનું મુખ્ય કારણ શું છે?
કર્મચારી સંગઠનો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ (શ્રમ કાયદા) નો સખત વિરોધ કરી રહ્યા છે. યુનિયનોનો આક્ષેપ છે કે આ નવા નિયમોથી હડતાળ પાડવાનો અને યુનિયન બનાવવાનો કર્મચારીનો અધિકાર છીનવાઈ જશે. આ ઉપરાંત સામાજિક સુરક્ષા પણ જોખમમાં મુકાશે.