હવે પોતાનું પ્રાઈવેટ બાઈક કે સ્કૂટર પણ ટેક્સી તરીકે ચલાવી શકાશે! નીતિન ગડકરીનું ગ્રીન સિગ્નલ, 20 કરોડ લોકોને મળશે રોજગારીની તક | Moneycontrol Gujarati
Get App

હવે પોતાનું પ્રાઈવેટ બાઈક કે સ્કૂટર પણ ટેક્સી તરીકે ચલાવી શકાશે! નીતિન ગડકરીનું ગ્રીન સિગ્નલ, 20 કરોડ લોકોને મળશે રોજગારીની તક

Bike Taxi Rules: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તમામ રાજ્યોને ખાનગી બાઈક-સ્કૂટરને Rapido, Uber અને Ola જેવા પ્લેટફોર્મ પર બાઈક ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી છે. જાણો ખાસ નિયમો.

અપડેટેડ 11:13:02 AM Nov 20, 2026 પર
Story continues below Advertisement
‘મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2025' લાગુ કરવા રાજ્યોને પત્ર

Bike Taxi Rules: દેશના કરોડો ટુ-વ્હીલર (બાઈક અને સ્કૂટર) માલિકો માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક ખૂબ જ મોટી જાહેરાત કરી છે. તેમણે દેશની તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે પ્રાઈવેટ (ખાનગી) રીતે રજિસ્ટર્ડ થયેલા બાઈક અને સ્કૂટરના માલિકોને પણ રેપિડો (Rapido), ઉબેર (Uber) અને ઓલા (Ola) જેવા એગ્રીગેટર પ્લેટફોર્મ મારફતે બાઈક ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવે.

નીતિન ગડકરીના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી દેશના લાખો ટુ-વ્હીલર માલિકોને વધારાની કમાણી કરવાની અને રોજગારીની નવી તકો મળશે. સાથે જ શહેરી વિસ્તારોમાં સામાન્ય મુસાફરોને ઓછા ભાડામાં અવરજવર કરવા માટે એક સરળ અને સસ્તો વિકલ્પ મળી રહેશે.

‘મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2025' લાગુ કરવા રાજ્યોને પત્ર


'રાઈડ: એ શોકેસ ઓફ એગ્રીગેટર એન્ડ ડિલિવરી સર્વિસીસ' કાર્યક્રમને સંબોધિત કરતા નીતિન ગડકરીએ તમામ રાજ્યોના ટ્રાન્સપોર્ટ કમિશનરોને કેન્દ્ર સરકારની 'મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2025'નો અમલ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે આ બાબતે તેમણે તમામ રાજ્યોને પત્રો લખ્યા છે અને પરિવહન કમિશનરો સાથે સીધી વાતચીત પણ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જુલાઈ 2025 માં જાહેર કરવામાં આવેલી આ ગાઈડલાઈન્સ રાજ્યોને મોટર વાહન અધિનિયમની કલમ 67(3) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને પ્રાઈવેટ ટુ-વ્હીલર વાહનોને પેસેન્જર સેવાઓ આપવાની મંજૂરી આપવાનો અધિકાર આપે છે.

15થી 20 કરોડ લોકોને રોજગારી મળશે, ટ્રાફિક અને પ્રદૂષણ ઘટશે

કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો આ પહેલ દ્વારા દેશમાં 15 થી 20 કરોડ લોકોને આજીવિકા અને રોજગારીની તકો મળે, તો ગરીબી, બેરોજગારી અને આર્થિક પછાતપણું દૂર કરવામાં બહુ મોટી મદદ મળી શકે છે. તેમણે કહ્યું કે વધારાની આવક શરૂ થવાથી સામાન્ય પરિવારોની જીવનશૈલી સુધરે છે, બાળકોનું શિક્ષણ સરળ બને છે અને પરિવારને રહેવા માટે સારી સુવિધા મળે છે. આ ઉપરાંત ભીડભાડવાળા શહેરોમાં સસ્તું ટુ-વ્હીલર પરિવહન વધવાથી રસ્તા પર ટ્રાફિકનું ભારણ અને વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવામાં પણ મોટી મદદ મળશે.

અત્યાર સુધી માત્ર રાજસ્થાનમાં જ સંપૂર્ણ અમલ

ગડકરીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ જાહેર થઈ ગઈ હોવા છતાં રાજ્યોમાં તેનો અમલ હજુ ઘણો ધીમો છે. અત્યાર સુધીમાં આખા દેશમાં માત્ર રાજસ્થાન સરકારે જ આ નિયમોને સંપૂર્ણપણે લાગુ કર્યા છે, જ્યારે હરિયાણા અને ઉત્તર પ્રદેશે આ દિશામાં આંશિક પગલાં ભર્યા છે. કેન્દ્રના આ દિશાનિર્દેશો દેશભરમાં આપોઆપ લાગુ થતા નથી, તેથી જે-તે રાજ્ય સરકારોની મંજૂરી મળવી ખૂબ જ જરૂરી છે.

વાહનચાલકોને મળશે કુલ ભાડાનો 80% હિસ્સો અને વીમા સુરક્ષા

નવી ગાઈડલાઈન્સમાં મુસાફરોની સુરક્ષાની સાથે બાઈક કે ટેક્સી ચલાવનારા રાઈડર્સના હિત માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે:

80% ભાડાનો હક: મુસાફરીના કુલ ભાડામાંથી વાહનચાલકને ઓછામાં ઓછો 80% હિસ્સો મળવો જોઈએ.

વીમા સુરક્ષા: ચાલકો માટે હેલ્થ ઈન્શ્યોરન્સ (સ્વાસ્થ્ય વીમો) અને ટર્મ ઈન્શ્યોરન્સની સુરક્ષા પૂરી પાડવી પડશે.

કામની સ્વતંત્રતા: ચાલકોને એકસાથે અલગ-અલગ પ્લેટફોર્મ જેમ કે ઓલા, ઉબેર, રેપિડો પર કામ કરવાની સ્વતંત્રતા મળશે અને તેમની ફરિયાદોના નિવારણ માટે ખાસ તંત્ર પણ ઊભું કરવામાં આવશે.

આ પણ વાંચો- વર્ષના અંતે ફરવાનો પ્લાન છે? વંદે ભારત ટ્રેનથી કરો દક્ષિણ ભારતના આ 5 સુંદર સ્થળોની સફર, રજાઓમાં પડી જશે જલસો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 20, 2026 11:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.