વર્ષના અંતે ફરવાનો પ્લાન છે? વંદે ભારત ટ્રેનથી કરો દક્ષિણ ભારતના આ 5 સુંદર સ્થળોની સફર, રજાઓમાં પડી જશે જલસો
South India Tour by Vande Bharat: જો તમે ડિસેમ્બરમાં કે વર્ષના અંતે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો વંદે ભારત ટ્રેન દ્વારા દક્ષિણ ભારતના આ 5 સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો. જાણો કઈ ટ્રેન પકડવી અને શું જોવું.
હવે તમે 'વંદે ભારત એક્સપ્રેસ' (Vande Bharat Express) ટ્રેન દ્વારા ખૂબ જ ઓછા સમયમાં અને આરામદાયક મુસાફરી કરીને દક્ષિણ ભારતના સુંદર સ્થળો સુધી પહોંચી શકો છો.
South India Tour by Vande Bharat: જો તમે વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનાની રજાઓમાં પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો દક્ષિણ ભારત તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ખાસ વાત એ છે કે હવે તમે 'વંદે ભારત એક્સપ્રેસ' (Vande Bharat Express) ટ્રેન દ્વારા ખૂબ જ ઓછા સમયમાં અને આરામદાયક મુસાફરી કરીને દક્ષિણ ભારતના સુંદર સ્થળો સુધી પહોંચી શકો છો.
દક્ષિણ ભારતમાં કોઈને દરિયાકિનારે સમય વિતાવવો ગમે છે, તો કોઈને પહાડો, હરિયાળી અને પ્રાચીન મંદિરો જોવાનો શોખ હોય છે. જો તમારી પાસે 4 દિવસની રજા હોય, તો વંદે ભારત ટ્રેનથી મુસાફરીનો સમય બચાવીને તમે આ 5 શાનદાર જગ્યાઓ પર યાદગાર વેકેશન માણી શકો છો.
1. વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ): દરિયાકિનારા અને પહાડીઓનો સંગમ
પરિવાર સાથે રજાઓ ગાળવા માટે આંધ્ર પ્રદેશનું વિશાખાપટ્ટનમ એક ઉત્તમ સ્થળ છે. અહીં દરિયાકિનારે ફરવાની સાથે સુંદર પહાડીઓ અને ખીણો જોવાનો લહાવો પણ મળે છે. ડિસેમ્બર મહિનામાં અહીંનું તાપમાન આશરે 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું ખુશનુમા રહે છે.
કઈ વંદે ભારત ટ્રેન મળશે?: સિકંદરાબાદ - વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ.
અહીં શું જોવું?: RK બીચ પર લટાર મારો, INS કુરસુરા સબમરીન મ્યુઝિયમ જુઓ, કૈલાશગિરી પરથી આખા શહેરનો નજારો માણો અને અરાકૂ ખીણ (Araku Valley) ના કોફીના બગીચાઓની મુલાકાત લો.
2. ઉડુપી (કર્ણાટક): શાંત દરિયાકિનારે વિતાવો રજાઓ
જે લોકો ભીડભાડથી દૂર દરિયાકિનારે શાંતિથી થોડા દિવસો વિતાવવા માંગે છે, તેમના માટે કર્ણાટકનું ઉડુપી બેસ્ટ જગ્યા છે. અહીં સુંદર બીચ અને પ્રાચીન મંદિરો આવેલા છે. ડિસેમ્બરમાં અહીંનું વાતાવરણ ખૂબ જ આહ્લાદક રહે છે.
કઈ વંદે ભારત ટ્રેન મળશે?: યશવંતપુર - મડગાંવ અથવા મેંગલુરુ સેન્ટ્રલ - મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ.
અહીં શું જોવું?: પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મઠના દર્શન કરો, સેન્ટ મેરી આઈલેન્ડની સફર કરો, કેમ્માનુમાં મેન્ગ્રોવના જંગલો વચ્ચે કયાકિંગ (બોટિંગ) નો આનંદ લો અને અહીંના પ્રખ્યાત ઉડુપી ભોજનનો સ્વાદ માણો.
3. મૈસૂર (કર્ણાટક): રાજમહેલ અને સુંદર બજારોની સફર
કર્ણાટકનું મૈસૂર શહેર તેના ભવ્ય મહેલો, મંદિરો અને ઐતિહાસિક ઈમારતો માટે દેશભરમાં જાણીતું છે. ડિસેમ્બરમાં અહીં સવારે ગુલાબી ઠંડી અને બપોરે મીઠો તડકો રહેતો હોવાથી ફરવાની મજા બમણી થઈ જાય છે.
કઈ વંદે ભારત ટ્રેન મળશે?: MGR ચેન્નાઈ સેન્ટ્રલ - મૈસૂર વંદે ભારત એક્સપ્રેસ (આ ટ્રેન બેંગલુરુ થઈને જાય છે).
અહીં શું જોવું?: રોશનીથી ઝળહળતો મૈસૂર પેલેસ જુઓ, દેવરાજા માર્કેટમાં ફરો અને ખરીદી કરો તથા ચામુંડી હિલ્સ પરથી સૂર્યાસ્તનો અદ્ભુત નજારો જુઓ. જો સમય મળે તો શ્રીરંગપટ્ટનમ અને રંગનાથિટ્ટૂ પક્ષી અભયારણ્ય પણ જઈ શકો છો.
4. અલાપ્પુઝા (કેરળ): હાઉસબોટમાં ફરવાનો અનોખો આનંદ
કેરળનું અલાપ્પુઝા (એલેપ્પી) શાંત કુદરતી વાતાવરણ પસંદ કરતા પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીં પાણીથી ભરેલી નહેરો (Backwaters), લીલાછમ ખેતરો અને સુંદર સરોવરો જોવા મળે છે. ડિસેમ્બરમાં ઠંડી હવાઓ વચ્ચે હાઉસબોટની સફર એક અલગ જ અનુભવ આપે છે.
કઈ વંદે ભારત ટ્રેન મળશે?: તિરુવનંતપુરમ સેન્ટ્રલ - મેંગલુરુ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ.
અહીં શું કરવું?: વેમ્બનાડ સરોવરમાં હાઉસબોટની સવારી કરો, કુટ્ટનાડના લીલાછમ ખેતરો અને ગામડાઓમાં ફરો તથા મરારી બીચ પર સાંજ વિતાવો.
5. મદુરાઈ (તમિલનાડુ): પ્રાચીન મંદિરો અને સ્થાપત્યનું શહેર
તમિલનાડુનું મદુરાઈ તેના ભવ્ય પ્રાચીન મંદિરો અને ખાસ સ્થાપત્ય કળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ડિસેમ્બર મહિનામાં અહીં ગરમી ઘણી ઓછી રહેતી હોવાથી શહેરમાં ફરવું ખૂબ જ સરળ રહે છે.
કઈ વંદે ભારત ટ્રેન મળશે?: ચેન્નાઈ એગ્મોર - તિરુનેલવેલી, ચેન્નાઈ એગ્મોર - નાગરકોઈલ અથવા બેંગલુરુ કેન્ટોનમેન્ટ - મદુરાઈ વંદે ભારત એક્સપ્રેસ.
અહીં શું જોવું?: વિશ્વ પ્રસિદ્ધ મીનાક્ષી અમ્મન મંદિરના દર્શન કરો, તિરુમલાઈ નાયકકર મહેલ જુઓ અને અહીંના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણો. જો વધુ સમય હોય તો રામેશ્વરમ અથવા ચેટ્ટીનાડની જૂની હવેલીઓ જોવા પણ જઈ શકો છો.
(ખાસ નોંધ: પ્રવાસનું પ્લાનિંગ કરતા પહેલા અને મુસાફરી પર નીકળતા પહેલા ટ્રેનના રૂટ, સ્ટોપેજ, ભાડા અને સમય અંગેની લેટેસ્ટ માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ પરથી અચૂક ચકાસી લેવી.)