અજિત પવાર જ નહીં, વિજય રૂપાણીથી લઈને સંજય ગાંધી સુધી... આ 5 મોટા નેતાઓને ભરખી ગઈ 'હવાઈ દુર્ઘટના' | Moneycontrol Gujarati
Get App

અજિત પવાર જ નહીં, વિજય રૂપાણીથી લઈને સંજય ગાંધી સુધી... આ 5 મોટા નેતાઓને ભરખી ગઈ 'હવાઈ દુર્ઘટના'

Plane Crash India: અજિત પવાર પહેલાં વિજય રૂપાણી, સંજય ગાંધી અને માધવરાવ સિંધિયા જેવા દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. જાણો ભારતના ઈતિહાસની એવી 5 ગોઝારી ઘટનાઓ વિશે જેણે દેશને હચમચાવી દીધો હતો.

અપડેટેડ 10:45:27 AM Jan 28, 2026 પર
Story continues below Advertisement
Plane Crash India: અજિત પવાર પહેલાં વિજય રૂપાણી, સંજય ગાંધી અને માધવરાવ સિંધિયા જેવા દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે.

Plane Crash India: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે બનેલી વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર દેશવાસીઓને જૂના જખ્મો યાદ અપાવી દીધા છે. જોકે, કોઈ રાજનેતાનું વિમાન અકસ્માતમાં મોત થયું હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ ભારતના ઈતિહાસમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં દેશના દિગ્ગજ નેતાઓએ હવાઈ મુસાફરી દરમિયાન જીવ ગુમાવવો પડ્યો હોય.

અજિત પવાર પહેલાં સૌથી તાજેતરનો અને મોટો બનાવ અમદાવાદ પ્લેન ક્રેશનો હતો, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. આવો જાણીએ ભારતના એવા 5 મોટા નેતાઓ વિશે જેઓ વિમાન કે હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

1. વિજય રૂપાણી (અમદાવાદ પ્લેન ક્રેશ)

ગયા વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ થયાના ગણતરીના સમયમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 260 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. કમનસીબે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું.

2. માધવરાવ સિંધિયા


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તે સમયના જાણીતા ચહેરા માધવરાવ સિંધિયાનું મોત 30 સપ્ટેમ્બર 2001ના રોજ થયું હતું. વિડંબના એ હતી કે તેઓ પોતે નાગરિક ઉડ્ડયન મંત્રી (Civil Aviation Minister) રહી ચૂક્યા હતા. કાનપુરમાં એક રેલીમાં જતા સમયે ઉત્તર પ્રદેશના મૈનપુરી પાસે ખરાબ હવામાનને કારણે તેમનું 10 સીટર પ્રાઈવેટ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

3. સંજય ગાંધી

ઈન્દિરા ગાંધીના પુત્ર અને કોંગ્રેસના તેજ-તર્રાર નેતા સંજય ગાંધીનું નિધન 23 જૂન 1980 ના રોજ થયું હતું. તેઓ દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પાસે દિલ્હી ફ્લાઈંગ ક્લબના એક વિમાનમાં હવાઈ કરતબ (Stunts) કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વિમાન પરનું નિયંત્રણ છૂટી ગયું અને પ્લેન જમીન પર પટકાયું, જેમાં તેમનું મોત થયું હતું.

4. જી.એમ.સી. બાલયોગી

લોકસભાના સ્પીકર અને તેલુગુ દેશમ પાર્ટીના મોટા નેતા જી.એમ.સી. બાલયોગીનું મોત 3 માર્ચ 2002 ના રોજ થયું હતું. તેઓ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનું પ્રાઈવેટ હેલિકોપ્ટર આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કૈકલૂર પાસે આવેલા એક તળાવમાં તૂટી પડ્યું હતું.

5. વાય.એસ. રાજશેખર રેડ્ડી (YSR)

આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીની દુર્ઘટનાએ પણ દેશને હચમચાવી દીધો હતો. 2 સપ્ટેમ્બર 2009ના રોજ ખરાબ હવામાનને કારણે તેમનું 'બેલ 430' હેલિકોપ્ટર નલ્લામાલાના ગાઢ જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું. ઘણા કલાકોની શોધખોળ બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા હતા.

આમ, અજિત પવાર અને વિજય રૂપાણી સહિતના આ નેતાઓની અચાનક વિદાય રાજકીય જગત માટે એક મોટી ખોટ સમાન છે. આ તમામ દુર્ઘટનાઓ આપણને એ યાદ અપાવે છે કે હવાઈ મુસાફરીમાં નાની ભૂલ કે ખરાબ હવામાન કેટલું જોખમી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં શોકની લહેર: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, DGCA એ જાહેર કર્યો પહેલો રિપોર્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2026 10:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.