Padma Awards 2026: પ્રજાસત્તાક દિવસ 2026 પૂર્વે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના 5 દિગ્ગજોને પદ્મ શ્રી એવોર્ડ મળશે. જાણો અરવિંદ વૈદ્ય, રતિલાલ બોરીસાગર અને અન્ય વિજેતાઓ વિશે વિગતે.
Padma Awards 2026: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીએ એક ગૌરવવંતી જાહેરાત કરી છે.
Padma Awards 2026: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીએ એક ગૌરવવંતી જાહેરાત કરી છે. વર્ષ 2026 માટેના પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 113 મહાનુભાવોને પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. ગૌરવની વાત એ છે કે આ યાદીમાં ગુજરાતના 5 સપૂતોનો સમાવેશ થાય છે, જેમણે કલા, સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ચાલો જાણીએ કોણ છે આ 5 ગુજરાતીઓ જેમને મળશે પ્રતિષ્ઠિત પદ્મ શ્રી એવોર્ડ.
આજે ટીવી સિરિયલ ‘અનુપમા’માં ‘બાપુજી’ના પાત્રથી તેઓ ઘરે-ઘરે જાણીતા છે, પરંતુ અરવિંદ વૈદ્યનો નાટ્ય જગત સાથેનો સંબંધ દાયકાઓ જૂનો છે. મૂળ મહારાષ્ટ્રના સતારાના મસૂર ગામના વતની હોવા છતાં, તેમનું શિક્ષણ અમદાવાદમાં થયું છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી અને એચ. કે. આર્ટ્સ કોલેજ સાથે જોડાઈને કામ કર્યું છે. નવાઈની વાત એ છે કે તેમણે 5 વર્ષ સુધી ઇસરો (ISRO)માં નિર્માતા તરીકે પણ સેવા આપી છે.
છેલ્લા 40 વર્ષમાં તેમણે 130થી વધુ ગુજરાતી નાટકો, 12 મરાઠી નાટકો અને હિન્દી નાટકોમાં અભિનયના ઓજસ પાથર્યા છે. કલા ક્ષેત્રે તેમના આ જબરદસ્ત યોગદાન બદલ તેમને પદ્મ શ્રી એવોર્ડ એનાયત થશે.
2. હાસ્ય દરબારના રાજા: રતિલાલ બોરીસાગર
ગુજરાતી સાહિત્યમાં હાસ્યની વાત નીકળે અને રતિલાલ બોરીસાગરનું નામ ન આવે તે અશક્ય છે. 31 ઓગસ્ટ 1938ના રોજ અમરેલીના સાવરકુંડલામાં જન્મેલા રતિલાલભાઈએ પોતાની કલમથી લાખો ગુજરાતીઓને હસાવ્યા છે. ‘મરક મરક’ તેમનો પ્રથમ હાસ્યસંગ્રહ હતો જે ખુબ લોકપ્રિય થયો હતો.
તેમની નવલકથા ‘સંભવામિ યુગે યુગે’માં તેમણે રમણભાઈ નીલકંઠના પાત્ર ‘ભદ્રંભદ્ર’નો આધુનિક યુગમાં પુનર્જન્મ કરાવીને અનોખું સર્જન કર્યું હતું. તો વળી, ‘એન્જૉયગ્રાફી’ દ્વારા હૃદયની બીમારી જેવા ગંભીર વિષય પર પણ હાસ્ય નિષ્પન્ન કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે તેમની આ જીવનભરની સેવા માટે સરકાર તેમને પદ્મ શ્રીથી સન્માનિત કરશે.
3. અંગદાનના ભેખધારી: નિલેશ માંડલેવાલા
સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ શ્રી મળશે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા મનાય છે. તેમના આ કાર્ય પાછળ એક સંઘર્ષની કહાની છે. 1997માં તેમના પિતાની કિડની ફેલ થઈ હતી અને ડાયાલિસિસની પીડા તેમણે નજીકથી જોઈ હતી. આ પછી તેમણે 2006માં સુરતથી કિડની દાન અને અંગદાન સેવાની શરૂઆત કરી.
Watch: According to sources, Nilesh Mandlewala from Gujarat will be conferred the Padma Shri 2026 in the field of Social Work.
He is the founder of Donate Life, Surat, an organisation that promotes organ donation and awareness. A pioneer in cadaver donation, he has facilitated… pic.twitter.com/TiKNkqLbBc — IANS (@ians_india) January 25, 2026
આજે તેઓ ‘ડોનેટ લાઈફ’ નામની સંસ્થાના સ્થાપક છે. તેમના ભગીરથ પ્રયાસોથી અત્યાર સુધીમાં 1300થી વધુ અંગો અને ટિશ્યુઓનું દાન શક્ય બન્યું છે, જેનાથી અનેક લોકોને નવજીવન મળ્યું છે.
4. ઢોલકના જાદુગર: મીર હાજીભાઈ (હાજી રમકડું)
કળા ક્ષેત્રે ગુજરાતના અન્ય એક રત્ન મીર હાજીભાઈ કાસમભાઈને પણ પદ્મ શ્રી મળશે. લોકજીભે તેઓ ‘હાજી રમકડું’ તરીકે પ્રખ્યાત છે. ભજન હોય, સંતવાણી હોય કે કવ્વાલી, જ્યારે હાજીભાઈ ઢોલક પર થાપ મારે ત્યારે શ્રોતાઓ ડોલી ઉઠે છે.
તેમની સાદગી અને કલા પ્રત્યેનું સમર્પણ અદભુત છે. તેમણે ગાયોના લાભાર્થે યોજાયેલા 3000થી વધુ કાર્યક્રમોમાં ઢોલક વગાડ્યું છે અને 1000થી વધુ સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે.
5. માણભટ્ટ પરંપરાના વાહક: ધાર્મિકલાલ પંડ્યા
વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા એટલે આખ્યાન અને માણભટ્ટ કલાનો જીવંત ઇતિહાસ. 11 ઓગસ્ટ 1932માં જન્મેલા ધાર્મિકલાલજીએ 3000થી વધુ આખ્યાન કાર્યક્રમો કર્યા છે. કવિ પ્રેમાનંદની લુપ્ત થતી પરંપરાને તેમણે જીવંત રાખી છે. પ્રેમાનંદના 30થી 40 આખ્યાનો તેમને મોઢે છે.
Watch: According to sources, Dharmiklal Chunilal Pandya from Gujarat will be conferred the Padma Shri 2026 in the field of Art pic.twitter.com/42ovhJo5t0
તેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સુધી પોતાની કલા રજૂ કરી ચૂક્યા છે. 1952થી તેઓ આ ક્ષેત્રે સક્રિય છે. તેમને સંગીત નાટક અકાદમી સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો મળી ચૂક્યા છે અને હવે પદ્મ શ્રીથી તેમની યશકલગીમાં નવું પીછું ઉમેરાશે.
આમ, વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોમાં ગુજરાતની કલા, સાહિત્ય અને સેવાકીય પ્રવૃત્તિઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે.