પ્રાઇવેટ બાઇક ટેક્સીનો વિરોધ: ગાંધીનગર RTO કચેરીએ 10,000 રિક્ષા-ટેક્સી ચાલકોનો હોબાળો, સરકારે માંગ્યો 1 મહિનાનો સમય
Ola Uber Rapido protest: પ્રાઇવેટ બાઇક ટેક્સીના વિરોધમાં ગાંધીનગર RTO ખાતે 10,000 રિક્ષા-ટેક્સી ચાલકોએ હોબાળો મચાવ્યો. ઓલા, ઉબર અને રેપિડો સામે કાર્યવાહી કરવા સરકારે 1 મહિનાનો સમય માંગ્યો.
Ola Uber Rapido protest: ગાંધીનગરમાં રિક્ષા-ટેક્સી ચાલકોનો ભારે રોષ
RTO protest: ગાંધીનગરની વાહનવ્યવહાર કચેરી ખાતે ભારે હંગામો અને તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાઈવેટ બાઈક ટેક્સી અને ઓનલાઈન એપ આધારિત કેબ સર્વિસના મનસ્વી ભાડાંથી કંટાળેલા રિક્ષા અને ટેક્સી ચાલકોએ આજે સરકાર સામે બાંયો ચડાવી હતી. સવારે યોજાયેલી બેઠકમાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા આશરે 10,000 જેટલા ચાલકોએ ભેગા થઈને RTO કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
અગાઉની હડતાળ અને સરકારનો વાયદો
નોંધનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ખાનગી પાસિંગ સફેદ નંબર પ્લેટ ધરાવતી ટુ-વ્હીલર ટેક્સીઓ અને એપ કંપનીઓ દ્વારા અપાતા ઓછા ભાડાના વિરોધમાં ગત 7 થી 10 સપ્ટેમ્બર સુધી મોટી હડતાળ પાડવામાં આવી હતી. તે સમયે પણ સરકારી તંત્રએ ઉકેલ લાવવા માટે સમય માંગ્યો હતો. આજની બેઠક આ જ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ટ્રાન્સપોર્ટ કમિશનર, RTO અધિકારીઓ, ઓનલાઈન બુકિંગ એપના સભ્યો અને રિક્ષા-ટેક્સી યુનિયન વચ્ચે યોજાઈ હતી.
સવારની બેઠક નિષ્ફળ, સાંજે ફરી મંત્રણા
સવારની બેઠકમાં કોઈ નક્કર ઉકેલ ન આવતા રિક્ષા ચાલકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. 10,000 લોકોના ટોળા અને પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સાંજે ફરીથી એક બેઠક બોલાવવાની ફરજ પડી હતી.
સરકારની બાંહેધરી અને લેવાયેલા નિર્ણયો
રિક્ષા-ટેક્સી યુનિયનના પ્રમુખ ઈમરાન મન્સુરીએ મિટિંગ બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે, સાંજની બેઠકમાં તંત્ર દ્વારા કેટલીક મહત્વની ખાતરી આપવામાં આવી છે:
તાત્કાલિક કાર્યવાહી: સફેદ નંબર પ્લેટમાં ચાલતી પ્રાઈવેટ ટુ-વ્હીલર ટેક્સીઓ સામે આવતીકાલથી જ કડક ચેકિંગ અને કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
1 મહિનાનો સમય: ઓલા, ઉબર અને રેપિડો જેવી ઓનલાઈન કેબ સર્વિસના ભાડાં નક્કી કરવા અને અમદાવાદમાં તેમના લાયસન્સ રદ કરવા અંગેની કાયદાકીય પ્રક્રિયા માટે ટ્રાન્સપોર્ટ કમિશનરે 1 મહિનાનો સમય માંગ્યો છે.
યુનિયનની મુખ્ય માંગણીઓ શું છે?
ગેરકાયદેસર રીતે ચાલતી સફેદ નંબર પ્લેટવાળી ટુ-વ્હીલર ટેક્સીઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. ઓનલાઈન બુકિંગ એપ્લિકેશન્સમાં સરકારના નિયમો અને ધારાધોરણો મુજબ જ ભાડું ચૂકવવામાં આવે. નિયમોનું ઉલ્લંઘન કરતી ઓલા, ઉબર અને રેપિડો કંપનીઓના અમદાવાદના લાયસન્સ રદ કરવામાં આવે.
હાલ પૂરતો તંત્રએ 1 મહિનાનો સમય માંગીને મામલો શાંત પાડી દીધો છે. પરંતુ યુનિયને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 1 મહિનાની અંદર સરકાર કોઈ સંતોષકારક અને કાયમી ઉકેલ નહીં લાવે, તો તમામ યુનિયનો ભેગા મળીને ફરીથી એક મોટું આંદોલન કરશે. હવે જોવું એ રહ્યું કે આવતીકાલથી તંત્ર ખાનગી બાઇક ટેક્સીઓ સામે કેટલી કડક કાર્યવાહી કરે છે.