SCO સમિટ: પાકિસ્તાન અને ચીનની હાજરીમાં જ PM મોદીનો આતંકવાદ પર પ્રહાર, આપ્યો આકરો સંદેશ | Moneycontrol Gujarati
Get App

SCO સમિટ: પાકિસ્તાન અને ચીનની હાજરીમાં જ PM મોદીનો આતંકવાદ પર પ્રહાર, આપ્યો આકરો સંદેશ

PM Modi SCO Summit: બિશકેકમાં યોજાયેલી 26મી SCO સમિટમાં પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. જાણો પીએમ મોદીએ આતંકવાદ, ડ્રગ્સ અને સરહદી સુરક્ષા પર શું કહ્યું.

અપડેટેડ 12:36:34 PM Sep 01, 2026 પર
Story continues below Advertisement
સમિટમાં રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન, પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના સીધો જ નિશાન સાધ્યો હતો. તેમણે કહ્યું કે, "જે દેશો આતંકવાદને પોતાની સરકારી નીતિના એક હથિયાર તરીકે વાપરે છે અને આતંકીઓને આશરો આપે છે, તેમને હવે સ્પષ્ટ સંદેશ મળવો જ જોઈએ.

PM Modi SCO Summit: કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં આયોજિત 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભારતે આતંકવાદ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દે પોતાનો કડક પક્ષ રજૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં જ આતંકવાદને પોષનારા દેશોની આકરી ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં.

આતંકવાદ કોઈની ‘વ્યૂહાત્મક સંપત્તિ' ન હોઈ શકે

સમિટમાં રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન, પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના સીધો જ નિશાન સાધ્યો હતો. તેમણે કહ્યું કે, "જે દેશો આતંકવાદને પોતાની સરકારી નીતિના એક હથિયાર તરીકે વાપરે છે અને આતંકીઓને આશરો આપે છે, તેમને હવે સ્પષ્ટ સંદેશ મળવો જ જોઈએ. આતંકવાદ કોઈ પણ દેશ માટે વ્યૂહાત્મક સંપત્તિ ન હોઈ શકે." આ ઉપરાંત, તેમણે આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે તેની આખી ઈકોસિસ્ટમનો નાશ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વૈશ્વિક સુરક્ષા અને ગ્લોબલ સાઉથની ચિંતા

આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સુરક્ષાની વ્યાખ્યા બદલાઈ છે તેમ જણાવતા પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કોઈ એક ખૂણે થતી હિંસાની સીધી અસર આખી દુનિયાની ઊર્જા સુરક્ષા, સપ્લાય ચેઈન અને દરિયાઈ વેપાર પર પડે છે. આ પ્રકારના સંકટોનો સૌથી મોટો ભોગ 'ગ્લોબલ સાઉથ'ના દેશો બની રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.


ડ્રગ્સ અને સાયબર ક્રાઈમ સામે લાલ આંખ

પીએમ મોદીએ માત્ર આતંકવાદ જ નહીં, પરંતુ ડ્રગ્સના દૂષણને પણ યુવા પેઢી અને પ્રાદેશિક સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. નશીલા પદાર્થોની હેરાફેરી એ માત્ર એક સામાન્ય ગુનો નથી, પણ તે આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય રોળી રહ્યો છે. SCO દ્વારા સાયબર સુરક્ષા, ડ્રગ્સ કંટ્રોલ અને સંગઠિત અપરાધોને રોકવા માટે બનાવાયેલા કેન્દ્રોના કામના તેમણે વખાણ કર્યા અને તેને વધુ સક્રિય બનાવવાની અપીલ કરી.

સાર્વભૌમત્વનું સન્માન અને કનેક્ટિવિટી

ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ તરફ પરોક્ષ ઈશારો કરતા પીએમ મોદીએ કનેક્ટિવિટીના મુદ્દે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત હંમેશા વેપાર અને વિકાસના નવા માર્ગોનું સ્વાગત કરે છે, પરંતુ કોઈપણ પ્રોજેક્ટમાં તમામ દેશોની સરહદો અને સાર્વભૌમત્વનું સન્માન થવું અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં માત્ર રસ્તા કે રેલવે નેટવર્ક પૂરતું સીમિત ન રહેતા, ડિજિટલ પ્રક્રિયાઓ અને કસ્ટમ્સના નિયમો સરળ બનાવીને કનેક્ટિવિટી વધારવી જોઈએ.

સામાન્ય નાગરિકોને લાભ અને દ્વિપક્ષીય બેઠકો

પીએમ મોદીએ પોતાની વાતના અંતમાં જણાવ્યું કે SCO સમિટમાં લેવાતા નિર્ણયો કાગળ પર ન રહેતા તેનો સીધો ફાયદો સામાન્ય નાગરિકો, યુવાનો, ખેડૂતો અને વેપારીઓને મળવો જોઈએ. આવનારા 25 વર્ષોમાં દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો વધુ મજબૂત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

નોંધનીય છે કે, સમિટની શરૂઆતમાં ફોટો સેશન દરમિયાન પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેમણે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન અને પુતિન સાથે અલગથી દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ હતી.

બિશકેકમાં યોજાયેલી આ સમિટમાં પીએમ મોદીના નિવેદનો દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક મંચ પર આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. આતંકવાદને આશ્રય આપતા દેશો માટે આ એક કડક અને સ્પષ્ટ ચેતવણી છે.

આ પણ વાંચો- PM Modi appeal: શું તમે પણ સોનું ખરીદવા જઈ રહ્યા છો? તો પીએમ મોદીની આ અપીલ ચોક્કસ જોઈ લો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 01, 2026 12:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.