T20 World Cup: પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું! ભારત સામે મેચ રમવાનો સાફ ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલો | Moneycontrol Gujarati
Get App

T20 World Cup: પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું! ભારત સામે મેચ રમવાનો સાફ ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલો

T20 World Cup 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે નહીં જોવા મળે. પાકિસ્તાન સરકારે ભારત સામે 15 ફેબ્રુઆરીએ મેચ રમવાની ના પાડી દીધી છે. જાણો આ નિર્ણય પાછળનું કારણ અને ICCનું વલણ.

અપડેટેડ 11:50:13 AM Feb 02, 2026 પર
Story continues below Advertisement
T20 World Cup 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે નહીં જોવા મળે.

India vs Pakistan T20 World Cup: ક્રિકેટની દુનિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને સૌથી રોમાંચક માનવામાં આવે છે, પરંતુ આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા જ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. પાકિસ્તાને જાણે મેદાન છોડી દીધું હોય તેમ ભારત સામે મેચ રમવાનો સાફ ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણય બાદ હવે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે.

ભારત સામે નહીં રમે પાકિસ્તાન

આગામી T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ગ્રુપ મેચ રમાવાની હતી. પરંતુ હવે આ હાઈવોલ્ટેજ મુકાબલો શક્ય બનશે નહીં. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા માટે મંજૂરી તો આપી દીધી છે, પરંતુ સાથે એક મોટી શરત પણ મૂકી છે. સરકારી આદેશ મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે ખરી, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે નિર્ધારિત મેચ રમવા મેદાનમાં નહીં ઉતરે. એટલે કે, પાકિસ્તાન ટુર્નામેન્ટનો હિસ્સો હોવા છતાં ભારત સામેના મુકાબલાથી દૂર રહેશે.

પાકિસ્તાન સરકારની સત્તાવાર જાહેરાત

આ અંગેની જાણકારી ખુદ પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર આપી છે. ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાનના ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, "ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની સરકાર ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવાની મંજૂરી આપે છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026 ના રોજ ભારત સામેની મેચ નહીં રમે."


ICCને નુકસાન પહોંચાડવાનો દાવ?

ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે પાકિસ્તાનનો આ નિર્ણય ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને આર્થિક ફટકો મારવાની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. ભારત-પાકિસ્તાન મેચથી ICCને સૌથી વધુ કમાણી થાય છે. થોડા સમય પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ ICC પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. નકવીએ એમ પણ કહ્યું હતું કે ICC હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રભાવમાં કામ કરી રહી છે.

ICCને હજુ સુધી સત્તાવાર જાણ નથી

બીજી તરફ, ICCના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને હજુ સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે કોઈ લેખિત જાણકારી મળી નથી. ICC કોઈપણ પ્રકારની કાર્યવાહી કે દંડ અંગેનો નિર્ણય ત્યારે જ લઈ શકશે જ્યારે PCB સત્તાવાર રીતે તેમને મેચ ન રમવા અંગે જાણ કરશે. હાલ તો ICC અને બીસીસીઆઈ બંને આ મામલે પાકિસ્તાનના સત્તાવાર પત્રની રાહ જોઈ રહ્યા છે.

પ્રિયંકા ચતુર્વેદીનો કટાક્ષ: 'સારું થયું છુટકારો મળ્યો'

પાકિસ્તાનના આ નિર્ણય પર ભારતમાં પણ પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમની પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેમણે લખ્યું છે કે, "સારું થયું છુટકારો મળ્યો. જે કામ આપણે ન કરી શક્યા, તે જવાબદારી 'આતંકિસ્તાન'ની ટીમે સામે ચાલીને ઉપાડી લીધી છે." તેમણે આગળ કટાક્ષ કરતા કહ્યું કે, "ICCએ હવે પાકિસ્તાન પર મોટો દંડ ફટકારવો જોઈએ, જેથી દંડ ભરવા માટે પાકિસ્તાને ફરીથી IMF અને વર્લ્ડ બેંક પાસે લોન માંગવી પડે."

વડાપ્રધાન અને PCB ચેરમેન વચ્ચેની બેઠક બાદ નિર્ણય

આ મોટી જાહેરાત પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને PCB ચેરમેન મોહસિન નકવી વચ્ચે થયેલી મહત્વની બેઠક બાદ તરત જ કરવામાં આવી હતી. અગાઉ પણ નકવીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગેનો અંતિમ નિર્ણય 30 જાન્યુઆરી અથવા 2 ફેબ્રુઆરી સુધીમાં લેવાશે.

બાંગ્લાદેશ અને KKR વિવાદનો પડછાયો?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ 20 ટીમોની મેગા ટુર્નામેન્ટમાં પાકિસ્તાને પોતાની ભાગીદારી પર ફેરવિચારણા ત્યારે શરૂ કરી હતી જ્યારે ICC એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સ મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસનો ઇનકાર કર્યો હતો, જેનું મૂળ કારણ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો વિવાદ હતો. BCCI ના કહેવાથી KKR એ આ પગલું ભર્યું હોવાનું મનાય છે. આખરે ICC એ બાંગ્લાદેશની અપીલ ફગાવી દીધી હતી.

હવે સૌની નજર ICCના આગામી પગલા પર છે. ભારત-પાકિસ્તાન મેચ રદ થવાથી ટુર્નામેન્ટના સમીકરણો અને શેડ્યુલ પર મોટી અસર પડી શકે છે. જોકે, હજુ સુધી ICC કે બીસીસીઆઈ તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો- BMCમાં અજિત પવારનો મોટો દાવ, શિંદે સેના સાથે હાથ મિલાવશે? જાણો મુંબઈના રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે

MoneyControl News

MoneyControl News

First Published: Feb 02, 2026 11:50 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.