જમ્મુ-કાશ્મીરમાં જળબંબાકાર: ચિનાબ નદી ગાંડીતૂર થતાં સલાલ ડેમના તમામ દરવાજા ખોલાયા, એલર્ટ જાહેર | Moneycontrol Gujarati
Get App

જમ્મુ-કાશ્મીરમાં જળબંબાકાર: ચિનાબ નદી ગાંડીતૂર થતાં સલાલ ડેમના તમામ દરવાજા ખોલાયા, એલર્ટ જાહેર

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી ચિનાબ નદી ગાંડીતૂર. રિયાસીમાં સલાલ ડેમના તમામ ગેટ ખોલાયા. તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સુરક્ષિત રહેવા હાઈ એલર્ટ.

અપડેટેડ 10:49:03 AM Jul 21, 2026 પર
Story continues below Advertisement
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પણ મંગળવાર વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદથી નદી-નાળાઓમાં પાણીનું સ્તર વધવાથી પૂર, ભૂસ્ખલન અને જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

Heavy rains in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને રિયાસી જિલ્લામાં ભારે વરસાદને પગલે ચિનાબ નદી ગાંડીતૂર બની છે. નદીમાં જળસ્તર અચાનક વધી જતાં વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે અને સલાલ ડેમના તમામ દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે.

સલાલ ડેમના તમામ ગેટ ખોલાયા

રિયાસી વિસ્તારમાં સતત થઈ રહેલી મેઘમહેરને કારણે ચિનાબ નદીમાં પાણીની આવકમાં મોટો વધારો થયો હતો. ડેમના જળાશયમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચવા લાગ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના પાણીનો સુરક્ષિત રીતે નિકાલ કરવા અને ડેમનું લેવલ જાળવી રાખવા માટે મંગળવારે સલાલ ડેમના તમામ ગેટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા ચિનાબ નદીનો પ્રવાહ વધુ તેજ બન્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

તંત્ર દ્વારા સતત મોનિટરિંગ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવામાન અને ચિનાબ નદીના જળસ્તર પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળી શકાય. નદી કિનારે વસતા લોકોને ખાસ સાવચેત રહેવા જણાવાયું છે.


રાજૌરીમાં પણ ભારે વરસાદ, એડવાઈઝરી જાહેર

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પણ મંગળવાર વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદથી નદી-નાળાઓમાં પાણીનું સ્તર વધવાથી પૂર, ભૂસ્ખલન અને જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. રાજૌરી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે લોકોની સુરક્ષા માટે ખાસ એડવાઈઝરી (ચેતવણી) જાહેર કરી છે.

લોકો માટે તંત્રની ખાસ અપીલ

ઘરમાં જ રહો: ખૂબ જ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળો. બિનજરૂરી મુસાફરી ટાળો.

નદી-નાળાથી દૂર રહો: ચિનાબ નદી અને અન્ય ધસમસતા પ્રવાહવાળા નાળાઓ પાસે જવાનું ટાળો.

પુલ અને રસ્તાઓ ન ઓળંગો: પાણીમાં ડૂબેલા રસ્તાઓ કે પુલ પરથી વાહન ચલાવવાનો કે ચાલવાનો પ્રયાસ બિલકુલ ન કરો.

અપડેટ્સ જોતા રહો: હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી માહિતી અને સૂચનાઓનું કડકાઈથી પાલન કરો.

આપત્તિ સમયે સંપર્ક કરો

વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે લોકો પોતાનો બચાવ કરે અને તંત્રને સહકાર આપે. કોઈપણ કટોકટી કે ઈમરજન્સીના સમયે તાત્કાલિક સ્થાનિક વહીવટીતંત્ર અથવા ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. હાલમાં જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ખરાબ છે અને પ્રશાસન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એલર્ટ મોડ પર છે.

આ પણ વાંચો-US-Iran War: ટ્રમ્પે આપ્યું મોટું અપડેટ, શું હવે અટકશે યુદ્ધ? જાણો અમેરિકાનો 'સીઝફાયર' અંગેનો માસ્ટરપ્લાન

MoneyControl News

MoneyControl News

First Published: Jul 21, 2026 10:49 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.