કોલ ઈન્ડિયા, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ અને ઈટરનલ જેવા શેરોમાં ભારે વેચવાલીના કારણે નુકસાન નોંધાયું હતું.
Closing Bell: ભારતીય શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવવાળો કારોબાર જોવા મળ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને ઊંચા સ્તરેથી આવેલી નફાખોરીના કારણે બજારે પોતાની શરૂઆતી તેજી ગુમાવી દીધી હતી. દિવસ દરમિયાન સેન્સેક્સ તેના હાઈ લેવલથી આશરે 700 પોઈન્ટ જેટલો નીચે સ્લિપ થયો હતો, જ્યારે નિફ્ટી પણ તૂટીને 23,200 ની સપાટીની નીચે બંધ આવ્યો છે. બ્રોડર માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી અને મિડકેપ તથા સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 1% જેટલા તૂટ્યા હતા.
કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 64.42 પોઈન્ટ એટલે કે 0.09% ની સામાન્ય બઢત સાથે 73,983.18 ના સ્તર પર ફ્લેટ બંધ રહ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 27.15 પોઈન્ટ (0.12%) ના ઘટાડા સાથે 23,214.95 ની સપાટી પર બંધ આવ્યો હતો.
FMCG અને કેમિકલ શેરોમાં જોવા મળી રોનક
બજારના આ ઘટાડા વચ્ચે પણ FMCG શેરોમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેક્ટર ઈન્ડેક્સ 2% કરતા પણ વધુ મજબૂત થયો હતો. વિદેશી બ્રોકરેજ ફર્મ JP Morgan ના પોઝિટિવ રિપોર્ટના કારણે કોલગેટનો શેર 3% જેટલો ઉછળ્યો હતો. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા અને ટાટા કન્ઝ્યુમરના શેર પણ નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં સામેલ થયા હતા. FMCG ઉપરાંત ઓઈલ-ગેસ, કેમિકલ અને ફર્ટિલાઈઝર સ્પેસમાં પણ સારી એવી ખરીદી જોવા મળી હતી.
આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ
ટોપ ગેનર્સ
નિફ્ટી પ્લેટફોર્મ પર આજે નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક, કોટક મહિંદ્રા બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા શેરો રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થયા હતા.
ટોપ લૂઝર્સ
બીજી તરફ કોલ ઈન્ડિયા, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ અને ઈટરનલ જેવા શેરોમાં ભારે વેચવાલીના કારણે નુકસાન નોંધાયું હતું.
સેક્ટરલ ઈન્ડાઇસિસની ચાલ
આજના ટ્રેડિંગ સેશનમાં સેક્ટર મુજબ જોઈએ તો માત્ર FMCG અને પ્રાઈવેટ બેંકિંગ શેરોએ જ બજારને ટેકો આપ્યો હતો અને તે લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. આ સિવાયના તમામ મોટા ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. ખાસ કરીને મીડિયા, એનર્જી, મેટલ અને પીએસયુ બેંક ઈન્ડેક્સમાં 1 થી 2% નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આગામી દિવસોમાં પણ બજાર પર દબાણ રહી શકે છે, તેથી રોકાણકારોએ સાવચેતીપૂર્વક વલણ અપનાવવું જોઈએ.