Share Market Crash: ભારતીય શેરબજારમાં મંગળવારે ભારે કડાકો બોલ્યો છે. સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 25,500ની નીચે સરક્યો છે. જાણો IT શેરોમાં કેમ વેચવાલી નીકળી અને બજાર તૂટવાના મુખ્ય 3 કારણો.
Share Market Crash: ભારતીય શેરબજારમાં મંગળવારે ભારે કડાકો બોલ્યો છે.
Share Market Crash: ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તેજી પર આજે મંગળવારે અચાનક બ્રેક લાગી ગઈ છે. 24 ફેબ્રુઆરીના રોજ બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 800 અંકોનો મોટો કડાકો બોલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 25,500 ના મહત્વના સપોર્ટ લેવલને તોડીને નીચે સરી પડ્યો હતો.
બજારમાં આજે ચારેતરફ દબાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને IT સેક્ટરના શેરોમાં જબરદસ્ત વેચવાલી અને નબળા ગ્લોબલ સંકેતોને કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે. મેટલ અને PSU બેંકોને બાદ કરતાં લગભગ તમામ સેક્ટર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
બજારની અત્યારની સ્થિતિ
આંકડાઓ પર નજર કરીએ તો, સવારે 10.43 વાગ્યાની આસપાસ BSE સેન્સેક્સ 735.90 પોઈન્ટ એટલે કે 0.88%ના ઘટાડા સાથે 82,558.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ઈન્ડેક્સ પણ 200.40 પોઈન્ટ (0.78%) તૂટીને 25,512.85 પર આવી ગયો હતો. આમ, એક સમયે તો નિફ્ટી 25,500ના સાયકોલોજીકલ લેવલની નીચે જતો રહ્યો હતો જે ચિંતાનો વિષય છે.
શેરબજાર તૂટવાના 3 મુખ્ય કારણો
આજના આ કડાકા પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો જવાબદાર છે:
1. IT શેરોમાં ગભરાટ અને ભારે વેચવાલી
આજે બજાર તૂટવાનું સૌથી મોટું કારણ IT સેક્ટર છે. આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે. અમેરિકન AI કંપની ‘એન્થ્રોપિક’ (Anthropic) એ દાવો કર્યો છે કે તેમનું નવું ‘ક્લોડ કોડ ટૂલ’ જૂના સોફ્ટવેરને અપડેટ કરવાનો ખર્ચ અને મુશ્કેલીઓ ખૂબ ઘટાડી દેશે. આ સમાચારને કારણે પરંપરાગત IT કંપનીઓના ધંધા પર અસર થવાનો ડર છે. જેના પગલે નિફ્ટી IT ઈન્ડેક્સ સવારે 3% સુધી તૂટી ગયો હતો અને માર્કેટને નીચે લાવવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો હતો.
2. રૂપિયામાં આવેલી નબળાઈ
શેરબજારની સાથે કરન્સી માર્કેટમાં પણ નરમાઈ જોવા મળી છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ડૉલરની મજબૂતીને કારણે રૂપિયો દબાણમાં છે. મંગળવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો 7 પૈસા તૂટીને 90.96 પ્રતિ ડૉલર પર પહોંચી ગયો હતો. જોકે, વિદેશી રોકાણકારો (FII) ની થોડી ખરીદીને કારણે મોટો ઘટાડો અટક્યો હતો, પરંતુ રૂપિયાની નબળાઈએ રોકાણકારોનો મૂડ બગાડ્યો છે.
3. નબળા ગ્લોબલ સંકેતો અને ટ્રમ્પની ચેતવણી
એશિયાના મોટાભાગના બજારોમાં આજે સુસ્તી જોવા મળી હતી અને અમેરિકાનું વોલ સ્ટ્રીટ માર્કેટ પણ રાત્રે ઘટાડા સાથે બંધ થયું હતું. આ પાછળનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે. સુપ્રીમ કોર્ટના ટેરિફ અંગેના એક નિર્ણય બાદ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશોએ નવી ટ્રેડ ડીલથી પાછળ ન હટવું જોઈએ. તેમણે કહ્યું કે જરૂર પડ્યે તેઓ બીજા કાયદાઓનો ઉપયોગ કરીને વધુ ટેરિફ લગાવી શકે છે. આ નિવેદનથી ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા વધી છે અને તેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર સમાચારના હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા રજિસ્ટર્ડ આર્થિક સલાહકાર અથવા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.)