નિફ્ટી મિડકેપમાં 0.5% અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ 1% ની તેજી નોંધાઈ હતી.
Closing Bell: વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ આગળ વધવાની આશાએ બજારના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે. મંગળવારે, 21 એપ્રિલના રોજ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ જોરદાર તેજી સાથે બંધ થયા છે.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
શેરબજારમાં આજે શરૂઆતથી જ મજબૂતી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 78,617.16 ના સ્તર પર ખુલ્યો હતો, જે દિવસ દરમિયાન 79,367 ના હાઈ સુધી ગયો હતો. અંતે સેન્સેક્સ 753.03 પોઈન્ટ અથવા 0.96% ના ઉછાળા સાથે 79,273.33 ના સ્તરે બંધ થયો હતો.
તેવી જ રીતે, NSE નિફ્ટી 24,374 પર ખુલ્યા બાદ 24,600 ના લેવલને પાર કરી ગયો હતો. દિવસના અંતે નિફ્ટી 211.75 પોઈન્ટ અથવા 0.87% ની મજબૂતી સાથે 24,576.60 પર બંધ રહ્યો હતો.
આ શેરોએ બજારને આપ્યો ટેકો
આજના આકર્ષક ઉછાળા પાછળ બેન્કિંગ અને FMCG શેરોમાં થયેલી મોટા પાયે ખરીદી મુખ્ય કારણ છે. ખાસ કરીને ICICI બેન્ક અને HDFC બેન્ક જેવા હેવીવેઈટ શેરોમાં તેજીને કારણે નિફ્ટીમાં સારી રિકવરી જોવા મળી હતી. એશિયન બજારોમાં જોવા મળેલી તેજીની અસર પણ ભારતીય બજાર પર સ્પષ્ટ વર્તાતી હતી.
વધનારા અને ઘટનારા શેર્સ
ટોપ ગેનર્સ: નિફ્ટી પર એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, ટ્રેન્ટ, એક્સિસ બેન્ક અને ઇટરનલ જેવા શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. નેસ્લે ઇન્ડિયાના સારા પરિણામોએ પણ બજારને વેગ આપ્યો હતો.
ટોપ લુઝર્સ: બીજી તરફ કેટલાક શેરોમાં દબાણ પણ જોવા મળ્યું હતું. SBI લાઇફ ઇન્શ્યોરન્સ, SBI, જિયો ફાઇનાન્શિયલ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ અને HDFC લાઇફ જેવા શેરો નરમાશ સાથે બંધ થયા હતા.
નિષ્ણાતોના મતે, ગ્લોબલ માર્કેટમાંથી મળેલા પોઝિટિવ સંકેતો અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોની ખરીદીને કારણે બજારે 24,500 નું મહત્વનું લેવલ પાર કર્યું છે. જો બજાર આ લેવલ જાળવી રાખશે તો આગામી દિવસોમાં નવી ઊંચાઈ જોવા મળી શકે છે.