SIP Calculator: રોકાણમાં માત્ર 5 વર્ષ મોડું કરવાથી 2.42 કરોડ રૂપિયાનું નુકસાન! સમજો આખી ગણતરી | Moneycontrol Gujarati
Get App

SIP Calculator: રોકાણમાં માત્ર 5 વર્ષ મોડું કરવાથી 2.42 કરોડ રૂપિયાનું નુકસાન! સમજો આખી ગણતરી

Mutual fund investment: શું તમે પણ રોકાણ કરવામાં મોડું કરી રહ્યા છો? જાણો કેવી રીતે SIP માં માત્ર 5 વર્ષના વિલંબથી તમારા રિટાયરમેન્ટ ફંડમાં 2.42 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

અપડેટેડ 05:28:16 PM May 31, 2026 પર
Story continues below Advertisement
રોકાણ શરૂ કરવા માટે મોટા પગાર કે બોનસની રાહ ન જુઓ. જ્યારે જવાબદારીઓ ઓછી હોય અને સમય વધારે હોય ત્યારે જ કરેલું રોકાણ સૌથી મોટો ફાયદો આપે છે.

Mutual fund investment: નોકરી મળ્યા પછી મોટાભાગના યુવાનો રોકાણ કરવાનું ટાળતા હોય છે. તેમને લાગે છે કે હજુ તો આખી જિંદગી બાકી છે. પહેલા નવો ફોન, બાઇક અને ફરવા પાછળ ખર્ચ કરી લઈએ, પગાર વધશે એટલે રોકાણ પણ શરૂ કરીશું. પણ આ જ વિચારસરણી ભવિષ્યમાં કરોડો રૂપિયાનું નુકસાન કરાવે છે.

રોકાણની દુનિયામાં માત્ર રકમ જ નહીં, પરંતુ 'સમય' પણ એટલો જ મહત્વનો છે. ઘણીવાર માત્ર 5 વર્ષ મોડું કરવાથી રિટાયરમેન્ટ સુધીમાં કરોડો રૂપિયાનો તફાવત ઊભો થઈ જાય છે. ચાલો એક સરળ ઉદાહરણથી સમજીએ.

25 વર્ષની ઉંમરે કેમ રોકાણ નથી થતું?

ધારો કે એક 25 વર્ષના યુવાનને નવી નોકરી મળી છે અને તેનો પગાર 40,000 રૂપિયા છે. તેના પર કોઈ મોટી જવાબદારી કે હોમ લોન નથી. તે ધારે તો આરામથી દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરી શકે છે. પરંતુ તે સમયે પ્રાથમિકતાઓ અલગ હોય છે. નવો મોબાઈલ, વિકેન્ડ ટ્રિપ અને મિત્રો સાથે ફરવું વધારે જરૂરી લાગે છે. મનમાં એમ જ હોય છે કે આગળ પગાર વધશે ત્યારે રોકાણ કરી લઈશું, અત્યારે શેની ઉતાવળ છે? બસ, અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે.

30 વર્ષે સમજાય છે જવાબદારી


જ્યારે આ જ વ્યક્તિ 30 વર્ષનો થાય છે, ત્યારે ચિત્ર બદલાઈ ગયું હોય છે. પગાર વધીને કદાચ 1 લાખ રૂપિયા થઈ ગયો હોય, પણ સાથે જ લગ્ન, ઘર ખરીદવાનું પ્લાનિંગ અને બાળકોના ભવિષ્યની જવાબદારીઓ પણ આવી જાય છે. ત્યારે તેને રોકાણનું મહત્વ સમજાય છે અને તે દર મહિને 10,000 રૂપિયાની SIP શરૂ કરે છે. નિર્ણય સાચો છે, પણ એક સમસ્યા છે કે તે 5 વર્ષ મોડો પડી ગયો છે.

5 વર્ષ મોડું કરવાથી કેટલો ફરક પડે છે? સમજો ગણતરી

ધારો કે બંને વ્યક્તિ દર મહિને 10,000 રૂપિયાની SIP કરે છે અને તેમને સરેરાશ 12% વળતર મળે છે. રિટાયરમેન્ટની ઉંમર 60 વર્ષ માની લઈએ.

25 વર્ષે શરૂઆત કરનાર: આ યુવાન 35 વર્ષ સુધી રોકાણ કરશે. આ સમયગાળામાં તેનું કુલ રોકાણ 42 લાખ રૂપિયા થશે અને રિટાયરમેન્ટ સુધીમાં તેનું ફંડ આશરે 5.5 કરોડ રૂપિયા બની શકે છે.

30 વર્ષે શરૂઆત કરનાર: આ યુવાન 30 વર્ષ સુધી રોકાણ કરશે. તેનું કુલ રોકાણ 36 લાખ રૂપિયા થશે અને રિટાયરમેન્ટ સુધીમાં તેનું ફંડ આશરે 3.08 કરોડ રૂપિયા સુધી જ પહોંચશે.

માત્ર 6 લાખના રોકાણ તફાવતથી 2.42 કરોડનું નુકસાન!

ઉપરની ગણતરી મુજબ, બંનેના કુલ રોકાણ વચ્ચે માત્ર 6 લાખ રૂપિયાનો જ તફાવત છે. પરંતુ રિટાયરમેન્ટ વખતે ફંડમાં 2.42 કરોડ રૂપિયાનો મોટો તફાવત જોવા મળે છે. એટલે કે 5 વર્ષ રાહ જોવાની અસલી કિંમત 6 લાખ નહીં, પણ પૂરા 2.42 કરોડ રૂપિયા છે!

આટલો મોટો તફાવત કેમ આવે છે?

આનો સીધો જવાબ છે 'કમ્પાઉન્ડિંગ' (Compounding)નો જાદુ. કમ્પાઉન્ડિંગ એટલે તમારા વળતર પર પણ વળતર મળવું. 25 વર્ષની ઉંમરે કરેલું રોકાણ 35 વર્ષ સુધી કમ્પાઉન્ડ થવાની તક મેળવે છે, જ્યારે મોડું કરવાથી કમ્પાઉન્ડિંગની સૌથી મોટી તાકાત નબળી પડી જાય છે.

Step-up SIPનો ફાયદો: જો 25 વર્ષે રોકાણ શરૂ કરનાર વ્યક્તિ વધતા પગાર સાથે દર વર્ષે પોતાની SIP ની રકમ વધારે (Step-up SIP), તો આ 2.42 કરોડનો તફાવત હજુ પણ અનેકગણો વધી શકે છે.

યુવાનો માટે ખાસ સલાહ

રોકાણ શરૂ કરવા માટે મોટા પગાર કે બોનસની રાહ ન જુઓ. જ્યારે જવાબદારીઓ ઓછી હોય અને સમય વધારે હોય ત્યારે જ કરેલું રોકાણ સૌથી મોટો ફાયદો આપે છે. 25 વર્ષની ઉંમરે શરૂ કરેલી 10,000 રૂપિયાની SIP, 35 વર્ષે શરૂ કરેલી 20,000 રૂપિયાની SIP કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. યાદ રાખો, રોકાણમાં રકમ કરતાં 'સમય' વધારે બળવાન છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-SEBIના 29 કરોડના દંડ સામે ઝૂકશે નહીં Suzlon Energy, આદેશને SATમાં આપશે પડકાર, જાણો શેર પર શું થશે અસર?

MoneyControl News

MoneyControl News

First Published: May 31, 2026 5:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.