ADR Report: રાજકીય પક્ષો પર 3800 કરોડની ‘ધનવર્ષા’, BJPને મળ્યો સિંહફાળો; જાણો કોંગ્રેસની સ્થિતિ | Moneycontrol Gujarati
Get App

ADR Report: રાજકીય પક્ષો પર 3800 કરોડની ‘ધનવર્ષા’, BJPને મળ્યો સિંહફાળો; જાણો કોંગ્રેસની સ્થિતિ

ADR Report 2025-26: ADRના લેટેસ્ટ રિપોર્ટ મુજબ 2024-25માં રાજકીય પક્ષોને ચૂંટણી ટ્રસ્ટો દ્વારા રુપિયા 3826 કરોડનું દાન મળ્યું છે. જેમાં ભાજપને 82% હિસ્સો મળ્યો છે. જાણો ગુજરાત અને અન્ય પક્ષોની શું છે સ્થિતિ.

અપડેટેડ 06:07:33 PM Feb 13, 2026 પર
Story continues below Advertisement
ADR Report 2025-26: ADRના લેટેસ્ટ રિપોર્ટ મુજબ 2024-25માં રાજકીય પક્ષોને ચૂંટણી ટ્રસ્ટો દ્વારા રુપિયા 3826 કરોડનું દાન મળ્યું છે.

ADR Report 2025-26: ભારતીય લોકશાહીમાં ચૂંટણીઓ જેટલી મહત્વની છે, તેટલું જ મહત્વ રાજકીય પક્ષોને મળતા ફંડિંગનું છે. તાજેતરમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા વર્ષ 2024-25નો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રાજકીય પક્ષો પર થયેલી 'ધનવર્ષા'ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે કોર્પોરેટ જગત અને મોટા ઉદ્યોગ ગૃહો કઈ રીતે ચૂંટણી ટ્રસ્ટોના માધ્યમથી રાજકીય પાર્ટીઓની તિજોરી ભરી રહ્યા છે.

આ રિપોર્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે સત્તાધારી પક્ષ ભાજપને મળેલું દાન વિરોધ પક્ષોની સરખામણીએ અનેકગણું વધારે છે. ચાલો વિગતે સમજીએ આ આખા રિપોર્ટનું ગણિત.

19 ADR Report 2025 26

3800 કરોડથી વધુનું જંગી દાન

ADRના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશના અલગ-અલગ ચૂંટણી ટ્રસ્ટોને જબરદસ્ત દાન મળ્યું છે. કુલ 10 જેટલા સક્રિય ચૂંટણી ટ્રસ્ટોને કોર્પોરેટ ગૃહો અને વ્યક્તિગત દાતાઓ તરફથી કુલ 3826.3417 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા.


ખાસ વાત એ છે કે ચૂંટણી ટ્રસ્ટોએ આ રકમ પોતાની પાસે રાખવાને બદલે નિયમ મુજબ રાજકીય પક્ષોને વહેંચી દીધી છે. ટ્રસ્ટો દ્વારા કુલ 3826.3522 કરોડ રૂપિયા વિવિધ પાર્ટીઓને દાનમાં આપવામાં આવ્યા છે. અહીં નોંધવું રહ્યું કે કુલ 20 નોંધાયેલા ટ્રસ્ટોમાંથી માત્ર 10 ટ્રસ્ટોએ જ દાન મળ્યું હોવાની જાહેરાત કરી છે.

19 ADR Report 2025 26 1

કોને મળ્યા સૌથી વધુ રૂપિયા? (ભાજપ vs કોંગ્રેસ)

રાજકીય ફંડિંગની રેસમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અન્ય તમામ પક્ષો કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. આંકડાઓ પર નજર કરીએ તો:

ભારતીય જનતા પાર્ટી (BJP): કુલ દાનનો સૌથી મોટો હિસ્સો એટલે કે 82.52% રકમ ભાજપને મળી છે. આ રકમ 3142.6549 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

કોંગ્રેસ (INC): દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસને કુલ દાનના માત્ર 7.81% જ મળ્યા છે, જે આંકડો 298.7795 કરોડ રૂપિયા છે.

તૃણમૂલ કોંગ્રેસ (AITC): મમતા બેનર્જીની પાર્ટીને 102 કરોડ (2.67%) રૂપિયાનું દાન મળ્યું છે.

અન્ય પક્ષો: બાકીના 19 જેટલા રાજકીય પક્ષોને કુલ મળીને 267.9178 કરોડ રૂપિયા સંતોષ માનવો પડ્યો છે.

19 ADR Report 2025 26 2

કયા સેક્ટરે ખોલી તિજોરી?

રાજકીય પક્ષોને દાન આપવામાં કયા ઉદ્યોગો આગળ છે તે જાણવું પણ રસપ્રદ છે. રિપોર્ટ મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સૌથી મોટું દાતા સાબિત થયું છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટર: સૌથી વધુ 1,063.128 કરોડ (27.78%) નું યોગદાન.

રિયલ એસ્ટેટ: બિલ્ડરો અને ડેવલપર્સ દ્વારા 629.17 કરોડ (16.44%) નું દાન.

IT અને ટેલિકોમ: આ ક્ષેત્રે 451.8582 કરોડ રૂપિયા આપ્યા છે.

ફાઈનાન્સ: 389.8581 કરોડ રૂપિયાનું યોગદાન.

પાવર અને ઓઈલ: આ સેક્ટરે 255.9675 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

ગુજરાત દાન આપવામાં ટોપ-5માં

રાજ્યવાર દાનના આંકડા જોઈએ તો તેમાં પણ રસપ્રદ વિગતો સામે આવી છે. દેશના આર્થિક પાવરહાઉસ ગણાતા રાજ્યો દાન આપવામાં આગળ છે.

મહારાષ્ટ્ર: સૌથી વધુ 1225.4293 કરોડ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

તેલંગાણા: 358.25 કરોડ સાથે બીજા નંબરે.

ગુજરાત: આપણું ગુજરાત પણ પાછળ નથી. 200.50 કરોડ રૂપિયાના દાન સાથે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે રહ્યું છે.

આ યાદીમાં હરિયાણા ત્રીજા અને પશ્ચિમ બંગાળ ચોથા ક્રમે આવે છે.

કોણે આપ્યું સૌથી મોટું દાન?

મોટી કંપનીઓ અને ટ્રસ્ટોના દાનની વાત કરીએ તો, ‘પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ' (Prudent Electoral Trust) દ્વારા સૌથી વધુ 2668.4917 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

મુખ્ય કોર્પોરેટ દાતાઓમાં એલિવેટેડ એવન્યુ રિયાલ્ટી LLP એ 500 કરોડ, ટાટા સન્સ એ 308.1324 કરોડ અને મેઘા એન્જિનિયરિંગ જેવી કંપનીઓએ કરોડો રૂપિયાનું દાન આપીને રાજકીય પક્ષોને મજબૂત કર્યા છે.

સરકારી નિયમો અનુસાર, કોઈપણ ચૂંટણી ટ્રસ્ટને જે દાન મળે છે, તેના ઓછામાં ઓછા 95% રકમ તેમણે રાજકીય પક્ષોને તે જ વર્ષે વહેંચવી ફરજિયાત હોય છે. આ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે ચૂંટણી અને રાજકારણમાં આર્થિક પાસું કેટલું મહત્વનું બની ગયું છે.

આ પણ વાંચો- OpenAIનો મોટો ધડાકો: NVIDIAની ચિપ વગર બનાવ્યું સુપરફાસ્ટ AI મોડેલ, જાણો શું છે ‘Spark' અને 10 બિલિયન ડોલરની ડીલ?

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2026 6:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.