ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી 2026 ની તારીખો જાહેર કરી છે. જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ.
આગામી વિધાનસભા ચૂંટણીમાં કુલ 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ખાસ વાત એ છે કે તમામ 5 રાજ્યોના પરિણામ એક જ દિવસે એટલે કે 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.
Assembly Elections 2026: ભારતીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. રવિવારે સાંજે 4 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પંચે આ 5 રાજ્યોના ચૂંટણી કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી.
આગામી વિધાનસભા ચૂંટણીમાં કુલ 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ખાસ વાત એ છે કે તમામ 5 રાજ્યોના પરિણામ એક જ દિવસે એટલે કે 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.
ચૂંટણીનું સંપૂર્ણ શેડ્યૂલ
આસામ: 1 તબક્કામાં 9 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ
કેરળ: 1 તબક્કામાં 9 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ
પુડુચેરી: 1 તબક્કામાં 9 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ
તમિલનાડુ: 1 તબક્કામાં 23 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ
પશ્ચિમ બંગાળ: 2 તબક્કામાં 23 અને 29 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ
100% વેબકાસ્ટિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા
દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, આ તમામ રાજ્યોમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે પંચ પ્રતિબદ્ધ છે. આ વખતે તમામ પોલિંગ બૂથ પર 100 ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવશે, એટલે કે દરેક બૂથ પર કેમેરા લગાવેલા હશે અને દરેક મતદાર કેમેરાની નજરમાં રહેશે. આ ઉપરાંત, મતદાર યાદી (SIR) માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પંચે BLO (બૂથ લેવલ ઓફિસર્સ) ની પ્રશંસા પણ કરી હતી.
કયા રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ ક્યારે પૂર્ણ થાય છે?
આ 5 રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ મે-જૂન 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે.
પશ્ચિમ બંગાળ: 7 મે
તમિલનાડુ: 10 મે 2026
આસામ: 20 મે
કેરળ: 23 મે
પુડુચેરી: 15 જૂન 2026
ચૂંટણી પંચે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં આસામ, તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લીધી હતી. જ્યારે 6 થી 7 માર્ચે કેરળ અને 9 થી 10 માર્ચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 માં પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં અને આસામમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જેની સરખામણીમાં આ વખતે તબક્કાઓની સંખ્યા ઘટાડવામાં આવી છે.
રાજકીય જંગ: કોની વચ્ચે થશે કાંટાની ટક્કર?
આ 5 રાજ્યોમાં રાજકીય ગરમાવો જોવા મળશે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી TMC અને BJP વચ્ચે સીધી ટક્કર છે. તમિલનાડુમાં DMK અને AIADMK વચ્ચે જંગ ખેલાશે. કેરળમાં પરંપરાગત રીતે LDF વિરુદ્ધ UDF નો મુકાબલો છે, જ્યારે આસામમાં BJP ની સામે કોંગ્રેસ ગઠબંધન મેદાનમાં છે. પુડુચેરીમાં પણ આ વખતે સત્તા પરિવર્તનની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ તમામ 5 રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે. હવે 4 મેના રોજ આવનારા પરિણામો જ નક્કી કરશે કે કયા રાજ્યમાં કયા પક્ષની સરકાર બનશે.