BMC Election Result: ભાજપની લહેર જોઈને સંજય રાઉત ભડક્યા, EVM અને ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
BMC Election Result: મહારાષ્ટ્રમાં BMC ચૂંટણીના પરિણામોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ દરમિયાન શિવસેના (UBT) નેતા સંજય રાઉતે EVM અને વોટિંગ પેટર્ન પર સવાલ ઉઠાવ્યા છે. જાણો રાઉતે શું કહ્યું અને પરિણામોની લેટેસ્ટ અપડેટ.
BMC Election Result: મહારાષ્ટ્રમાં BMC ચૂંટણીના પરિણામોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.
BMC Election Result: મહારાષ્ટ્રમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયેલો છે. રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે સવારે 10 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના ટ્રેન્ડ્સમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (શિંદે જૂથ)નું ગઠબંધન સ્પષ્ટ રીતે આગળ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને મુંબઈ મહાનગરપાલિકા (BMC), જે રાજ્યનું સૌથી મહત્વનું પાવર સેન્ટર ગણાય છે, ત્યાં પણ ભાજપ લીડ લઈ રહ્યું છે. આ પરિણામોની વચ્ચે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે.
સંજય રાઉતે શું કહ્યું?
BMC ચૂંટણીના શરૂઆતી વલણો જોઈને સંજય રાઉતે મુંબઈમાં થયેલા વોટિંગ અને ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ ચૂંટણી પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવી છે. રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું કે, "મુંબઈ જેવા મોટા શહેરમાં જે પ્રકારની વોટિંગ પેટર્ન જોવા મળી રહી છે, તે ખરેખર ગંભીર બાબત છે. આશ્ચર્યની વાત એ છે કે જે લોકોએ વિધાનસભા ચૂંટણીમાં વોટ આપ્યો હતો, તેમના નામ આ વખતે લિસ્ટમાંથી ગાયબ છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં શિવસેના (UBT), મનસે (MNS) કે કોંગ્રેસનો દબદબો છે, ત્યાંથી હજારો મતદારોના નામ ગાયબ થઈ ગયા છે."
#WATCH | Mumbai | On #BMCElections Shiv Sena (UBT) leader Sanjay Raut says, "The voting pattern that has been going on in a city like Mumbai is a serious matter. Names of thousands of people, who have even voted in the Assembly elections, are missing in areas where Shiv Sena… pic.twitter.com/BOnlxfFjqL
સંજય રાઉતે માત્ર વોટર લિસ્ટ જ નહીં, પરંતુ EVM મશીનો પર પણ આંગળી ચીંધી છે. તેમણે આરોપ લગાવ્યો કે, "EVM મશીનો બરાબર કામ કરી રહ્યા નથી અને જ્યારે અમે ફરિયાદ કરીએ છીએ ત્યારે ચૂંટણી પંચ અમારી વાત સાંભળવા તૈયાર નથી."
રાઉતે એક મોટો દાવો કરતા કહ્યું કે, "આચાર સંહિતા લાગુ હોવા છતાં, ગઈકાલે ભાજપના સીનિયર નેતાઓ અને ચૂંટણી પંચના સ્ટાફ વચ્ચે એક મિટિંગ થઈ હતી. આખરે આ મિટિંગ કેમ કરવામાં આવી?" તેમણે ઉમેર્યું કે વોટિંગના સાચા આંકડા આવે તે પહેલાં જ એક્ઝિટ પોલ જાહેર કરી દેવામાં આવ્યા અને ભાજપે જીતનો જશ્ન મનાવવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, "અમે લોકોને ભરોસો અપાવ્યો છે કે તેમણે ડરવાની જરૂર નથી."
કેવી રીતે થઈ રહી છે મતગણતરી?
મુંબઈમાં BMC ની કુલ 227 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. આ માટે શહેરમાં 23 કાઉન્ટિંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર એક સાથે બે વોર્ડના મતો ગણવામાં આવે છે, એટલે કે એક રાઉન્ડમાં કુલ 46 વોર્ડના પરિણામો પ્રોસેસ થાય છે. ત્યાર બાદ બીજા 46 વોર્ડનો નંબર આવે છે.
2029ની સેમીફાઈનલ સમાન ચૂંટણી
રાજકીય પંડિતો આ મહાનગરપાલિકા ચૂંટણીને મહારાષ્ટ્રમાં 2029માં આવનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ તરીકે જોઈ રહ્યા છે. આ ચૂંટણી એટલા માટે પણ ખાસ છે કારણ કે 20 વર્ષ બાદ ઠાકરે બંધુઓ (ઉદ્ધવ અને રાજ ઠાકરે) એક મંચ પર આવ્યા છે, જ્યારે રાજ્ય સરકારમાં સાથે રહેલા પક્ષો પાલિકા ચૂંટણીમાં સામ-સામે લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે આ ચૂંટણી માટે અંદાજે 53 ટકા જેટલું મતદાન થયું હતું.