ભારતીય રાજકારણમાં નેતાઓને મોટાભાગે સંસદમાં કે જાહેરસભાઓમાં એકબીજા પર આકરા શાબ્દિક પ્રહારો કરતા જોયા હશે. પણ રાજકીય મંચની પાછળ તેમનું અંગત જીવન કેવું હોય છે, તેની એક ઝલક હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં ભાજપ, TMC અને NCPના દિગ્ગજ મહિલા સાંસદો એકસાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
કોના લગ્નમાં જામી હતી મહેફિલ?
આ વાયરલ વીડિયો ઉદ્યોગપતિ અને ભાજપના સાંસદ નવીન જિંદાલની દીકરીના લગ્ન સમારોહનો છે. આ પ્રસંગે ભાજપના તેજતર્રાર સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત, તૃણમૂલ કોંગ્રેસ (TMC)નાં ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા અને NCP (શરદચંદ્ર પવાર જૂથ)નાં સાંસદ સુપ્રિયા સુલે એક મંચ પર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ત્રણેય નેતાઓએ શાહરૂખ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના હિટ ગીત 'દીવાનગી દીવાનગી' પર નવીન જિંદાલ સાથે જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.
પર્ફોર્મન્સ માટે ખાસ રિહર્સલ પણ કર્યું હતું
આ ડાન્સ માત્ર અચાનક નહોતો, પરંતુ તેની પૂરી તૈયારી કરવામાં આવી હતી. ખુદ કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થોડા દિવસો પહેલાં કેટલીક 'બિહાઇન્ડ-ધ-સીન્સ' તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેઓ નવીન જિંદાલ, મહુઆ મોઇત્રા અને સુપ્રિયા સુલે સાથે ડાન્સનું રિહર્સલ કરતા જોવા મળ્યા હતા.
Kangana Ranaut, Mahua Moitra, Supriya Sule performing in wedding of Naveen Jindal’s daughter pic.twitter.com/lARD6SVRuU
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવવા લાગી.
એક યુઝરે લખ્યું, "આ વીડિયો એવા સમર્થકો માટે છે જે પોતાના નેતાઓ માટે જીવ જોખમમાં મૂકી દે છે."
બીજા એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, "સંસદમાં આમને-સામને, સંસદની બહાર 'હમ સાથ સાથ હૈ'."
ઘણા લોકોએ "બધા મળેલા છે જી" જેવી કોમેન્ટ્સ પણ કરી.
જોકે, કેટલાક લોકોએ રાજકીય મતભેદોને બાજુ પર રાખીને આવા સામાજિક પ્રસંગોમાં સાથે આવવાની ભાવનાને બિરદાવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાજકીય મંચ પર ભલે ગમે તેટલી ખેંચતાણ હોય, પરંતુ અંગત જીવનમાં નેતાઓ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખતા હોય છે.