રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને દેવઘર ઘાસચારા કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા લાલુ યાદવના જામીન રદ કરવા માટે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાઈકોર્ટના જામીન આપવાના નિર્ણયમાં હવે કોઈ દખલગીરી કરવા માંગતા નથી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન શું કહ્યું?
આ કેસની સુનાવણી કરતા દેશની સર્વોચ્ચ અદાલતે CBI ની અરજી ફગાવતા નોંધ્યું કે, CBI એ આ અપીલ વર્ષ 2018 માં કરી હતી. હવે આ વાતને 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આટલા લાંબા સમય બાદ હાઈકોર્ટના આદેશમાં દખલગીરી કરવી બિલકુલ યોગ્ય નથી. જોકે, સુપ્રીમ કોર્ટે આ સાથે જ ઝારખંડ હાઈકોર્ટને લાલુ યાદવના મુખ્ય કેસની સુનાવણીમાં ઝડપ લાવવા માટે કડક નિર્દેશ આપ્યો છે.
CBI ના મતે હાઈકોર્ટની આ ગણતરી ખોટી છે, કારણ કે તેમની સજાઓ એકસાથે ચાલતી નથી, પરંતુ અલગ-અલગ છે. આમ છતાં કોર્ટે આ દલીલ માન્ય રાખી ન હતી.
શું છે આખો દેવઘર ઘાસચારા કૌભાંડ કેસ?
જો તમને આ કેસનો ઇતિહાસ ખબર ન હોય, તો અહીં જાણો આ કૌભાંડની મુખ્ય વાતો,,,આખો મામલો 1992 થી 1995 વચ્ચેનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. તે સમયે તેમની પાસે નાણાં અને પશુપાલન વિભાગનો હવાલો પણ હતો. (તે સમયે ઝારખંડ અલગ રાજ્ય નહોતું બન્યું). આ 950 કરોડ રૂપિયાના મોટા કૌભાંડમાં બિહારના વિવિધ જિલ્લાઓની સરકારી તિજોરીમાંથી પશુઓના ચારાના નામે ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડવામાં આવ્યા હતા. જાન્યુઆરી 1996 માં પશુપાલન વિભાગમાં પડેલા દરોડા બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ જૂન 1997 માં CBI એ લાલુ યાદવને આ કેસમાં મુખ્ય આરોપી બનાવ્યા હતા.ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા 5 અલગ-અલગ કેસમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.