મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા છે. શરદ પવાર જૂથના નેતાઓએ મોડી રાત્રે દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરતા NCP (SP) ના NDA માં જોડાવાની અટકળો તેજ થઈ છે. જાણો શું છે સંપૂર્ણ મામલો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,,શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પહેલા મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન 'સિલ્વર ઓક' ખાતે તેમની સાથે મુલાકાત કરી.
Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ગરમાવો આવી ગયો છે અને ગમે ત્યારે કોઈ મોટો ખેલ થઈ શકે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે (14 જુલાઈ) મોડી રાત્રે NCP ના બંને જૂથોના વરિષ્ઠ નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે અલગ-અલગ મુલાકાતો કરી છે. આ ગુપ્ત બેઠકો બાદ શરદ પવારના આગામી રાજકીય પગલાને લઈને નવી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું શરદ પવારની પાર્ટી કોંગ્રેસનો સાથ છોડીને NDA માં જોડાશે કે પછી કોઈ નવું રાજકીય સમીકરણ રચાશે?
કોણે કોની સાથે કરી મુલાકાત?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,,શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પહેલા મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન 'સિલ્વર ઓક' ખાતે તેમની સાથે મુલાકાત કરી. ત્યારબાદ સાંજે તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક યોજી. આ જ સમયગાળા દરમિયાન સત્તાધારી અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતાઓ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે અલગથી મુલાકાત કરી. જોકે, આ બેઠકોમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ પણ નેતા કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
NDA ને પરિસીમન બિલમાં મળી શકે છે શરદ પવારનો સાથ!
ન્યૂઝ 18 ના અહેવાલમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, શરદ પવારની NCP કેન્દ્ર સરકારના મહત્વના પરિસીમન બિલના સમર્થનમાં NDA ને સાથ આપી શકે છે. એવી પણ શક્યતા છે કે શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે આજે બપોરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
શરદ પવાર જૂથ સામે શું છે રાજકીય પડકારો?
જુલાઈ 2023 માં અજિત પવારે બળવો કરીને BJP-શિવસેના ગઠબંધનમાં સામેલ થયા ત્યારથી શરદ પવાર જૂથ મોટા રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. સૂત્રોના મતે, NCP (SP) ના 10 ધારાસભ્યોમાંથી અડધા જેટલા ધારાસભ્યો NDA માં જોડાવાની તરફેણમાં છે. આ ધારાસભ્યોની દલીલ છે કે વિપક્ષમાં બેસવાને કારણે તેમના મતવિસ્તારોમાં વિકાસના કામો માટે ફંડ મેળવવું અને વહીવટી મંજૂરીઓ લેવી મુશ્કેલ બની રહી છે.જયંત પાટીલે પણ તાજેતરમાં શરદ પવારને ધારાસભ્યોની આ ભાવનાઓથી વાકેફ કર્યા હોવાનું જાણવા મળે છે. જોકે, શરદ પવારે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી.
NDA માટે કેમ મહત્વના છે શરદ પવાર?
હાલમાં વિધાનસભામાં શરદ પવાર જૂથના માત્ર 10 ધારાસભ્યો છે અને લોકસભામાં 8 સાંસદો છે. છતાં તેમની સંખ્યા ઘણી મહત્વની મનાય છે. કારણ કે કેન્દ્રની ભાજપ સરકાર આગામી સમયમાં કેટલાક મહત્વના બિલ પાસ કરાવવા માંગે છે, જેમાં પરિસીમન બિલ સૌથી મોટું છે. આ બિલ પાસ કરાવવા માટે NDA ને નાના પક્ષોના મજબૂત સમર્થનની જરૂર પડશે.
અજિત પવાર જૂથમાં પણ ફફડાટ અને આંતરિક ડખો
રાજકીય હલચલ માત્ર શરદ પવાર જૂથ પૂરતી સીમિત નથી. શરદ પવાર જૂથની કોંગ્રેસમાં વિલય થવાની કે NDA સાથે જવાની અટકળોએ અજિત પવાર કેમ્પમાં પણ બેચેની વધારી દીધી છે.
આ ઉપરાંત, NCP ના પૂર્વ રાષ્ટ્રીય સચિવ સચ્ચિદાનંદ સિંહે પાર્ટીના અધ્યક્ષ તરીકે સુનેત્રા પવારની ચૂંટણીને પડકારતી કાનૂની નોટિસ ફટકારી છે અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે, મહારાષ્ટ્ર NCP અધ્યક્ષ સુનીલ તટકરેએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે પાર્ટી સુનેત્રા પવારના નેતૃત્વમાં એકજૂથ છે.