અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ નેતા ચક શૂમરે આ બિલનો સખત વિરોધ કર્યો હતો. અન્ય અગ્રણી ડેમોક્રેટ્સે પણ તેમનો સાથ આપતા સ્પષ્ટ કહ્યું કે, તેઓ આ ડીફેન્સ બિલને ટેકો આપી શકે નહીં.
અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના જ ઘરમાં એટલે કે અમેરિકન સંસદમાં એક મોટો રાજકીય ફટકો પડ્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું 1 ટ્રિલિયન ડોલર (લગભગ 96 લાખ કરોડ ભારતીય રૂપિયા) નું વાર્ષિક ડિફેન્સ બિલ યુએસ સેનેટમાં પાસ થઈ શક્યું નથી. વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સે ઈરાન સાથેના યુદ્ધનો વિરોધ દર્શાવતા આ બિલને અટકાવી દીધું છે.
50-46 ના વોટિંગથી બિલ ખાબક્યું
અમેરિકન સેનેટમાં 'નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ' નામે ઓળખાતા આ વાર્ષિક ડિફેન્સ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. વોટિંગનું પરિણામ 50-46 રહ્યું હતું. પાર્ટી લાઇનના આધારે થયેલા આ મતદાનમાં ટ્રમ્પ સરકાર બિલ પાસ કરાવવા માટે જરૂરી બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી. આ બિલમાં અમેરિકન સેનાના જવાનોનો પગાર વધારવા અને પેન્ટાગોનનો ખર્ચ મોટા પાયે વધારવાની જોગવાઈઓ કરવામાં આવી હતી.
ડેમોક્રેટ્સે શા માટે કર્યો વિરોધ?
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ નેતા ચક શૂમરે આ બિલનો સખત વિરોધ કર્યો હતો. અન્ય અગ્રણી ડેમોક્રેટ્સે પણ તેમનો સાથ આપતા સ્પષ્ટ કહ્યું કે, તેઓ આ ડીફેન્સ બિલને ટેકો આપી શકે નહીં. વિરોધનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે 5 માં મહિનામાં પ્રવેશી ચૂક્યું છે, અને વિપક્ષ આ યુદ્ધને આગળ વધારવાના પક્ષમાં નથી.
ચક શૂમરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન નાગરિકોને એવા યુદ્ધમાં વધુ ઊંડા ધકેલી રહ્યા છે, જેને તેઓ સમજાવી શકતા નથી અને ટ્રમ્પ પાસે આ યુદ્ધ ખતમ કરવાનો કોઈ રસ્તો પણ નથી. અને આમ છતાં, તેઓ કોંગ્રેસ પાસે એવી અપેક્ષા રાખે છે કે અમે આ બાબતે આંખ આડા કાન કરીએ."
યુદ્ધથી અમેરિકન અર્થવ્યવસ્થામાં ઉથલ-પાથલ
આ રાજકીય ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે વ્હાઇટ હાઉસે કોંગ્રેસને ઔપચારિક રીતે જાણ કરી છે કે અમેરિકાએ ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરી દીધો છે. આ સાથે જ બંને દેશો વચ્ચેનું સીઝફાયર સત્તાવાર રીતે ખતમ થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓવલ ઓફિસમાં યોજાયેલી એક ગુપ્ત બ્રીફિંગ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝફાયરનો નિર્ણય પલટી નાખ્યો હતો.