Middle East War: 'વૈશ્વિક સંકટમાં પણ કોંગ્રેસ રાજકારણ રમી રહી છે, ફેક ન્યૂઝથી સાવધાન રહો', પીએમ મોદીના આકરા પ્રહાર
મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે પીએમ મોદીએ કોંગ્રેસ અને ડાબેરીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષ વૈશ્વિક સંકટમાં ડર ફેલાવે છે, લોકો ફેક ન્યૂઝથી સાવધાન રહે.
કોરોના કાળ અને યુક્રેન યુદ્ધ બાદ ગલ્ફમાં ચાલી રહેલા આ નવા સંકટે ફરી એકવાર સાબિત કર્યું છે કે દેશ માટે 'આત્મનિર્ભર' હોવું કેટલું જરૂરી છે.
Middle East War: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળના એર્નાકુલમમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંકટ મુદ્દે કોંગ્રેસ તેમજ ડાબેરી પક્ષો પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા ગંભીર વૈશ્વિક સંકટના સમયે પણ વિપક્ષ રાજકારણ રમી રહ્યો છે અને દેશમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યો છે.
નાગરિકોને ફેક ન્યૂઝથી બચવાની અપીલ
વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરી હતી કે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે તેઓ કોઈપણ પ્રકારના ફેક ન્યૂઝથી સાવર્ક રહે. તેમણે કહ્યું કે, "જ્યારે દેશને એકજૂથ થઈને ઊભા રહેવાની જરૂર છે, ત્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ યુદ્ધના સમયે દેશમાં ગભરાટ અને ડર ફેલાવવાનું કામ કરી રહ્યા છે."
'મોદીને ગાળો આપવાની રીલ બનાવવા માંગે છે વિપક્ષ'
પીએમ મોદીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, કોંગ્રેસ જાણીજોઈને એવા ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહી છે જેથી સ્થિતિ વધુ બગડે.
તેમનો ઈરાદો છે કે આપણા ભારતીય નાગરિકો ત્યાં મુશ્કેલીમાં મુકાય.
ત્યારબાદ આ લોકો ભેગા મળીને મોદીને ગાળો આપવાની 'રીલ' બનાવવાનું અભિયાન શરૂ કરી શકે. આ જ તેમની રમત છે. જોકે, પીએમ મોદીએ દેશવાસીઓને આશ્વાસન આપતા કહ્યું કે અખાતી (ગલ્ફ) દેશોની સરકારો ભારતીયોનું પૂરું ધ્યાન રાખી રહી છે અને ત્યાં આવેલા ભારતીય દૂતાવાસ 24/7 નાગરિકોની મદદ માટે કાર્યરત છે.
આત્મનિર્ભર ભારતનું મહત્વ સમજાવ્યું
કોરોના કાળ અને યુક્રેન યુદ્ધ બાદ ગલ્ફમાં ચાલી રહેલા આ નવા સંકટે ફરી એકવાર સાબિત કર્યું છે કે દેશ માટે 'આત્મનિર્ભર' હોવું કેટલું જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે:એનર્જી (ઊર્જા) સેક્ટરમાં ભારત બીજા દેશો પર ઓછો નિર્ભર રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં સોલાર પાવર કેપેસિટી વધારવામાં આવી રહી છે. કેરળમાં પણ નવા સોલાર પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું છે. પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઈલેક્ટ્રિક બસો અને વાહનો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રેલવેનું 100 ટકા વીજળીકરણ થઈ રહ્યું છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે એક તરફ NDA સરકાર દેશને આત્મનિર્ભર બનાવવા મહેનત કરે છે, તો બીજી તરફ કોંગ્રેસ અને લેફ્ટના લોકો આ અભિયાનની મજાક ઉડાવે છે. ભૂતકાળમાં પણ તેમણે ભારતને વિદેશો પર જ નિર્ભર રાખ્યું હતું.
રાહુલ ગાંધી પર પરોક્ષ પ્રહાર
કેરળના વિકાસ અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીના પહેલા 25 વર્ષમાં LDF અને UDF એ કેરળને યુવા શક્તિથી વંચિત રાખ્યું છે. કોંગ્રેસને દેશના યુવાનોની ક્ષમતા પર ભરોસો જ નથી. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમને 'કોંગ્રેસના યુવરાજ' કહીને પીએમ મોદીએ કહ્યું કે, "કોંગ્રેસના યુવરાજને એ પણ ખબર નથી કે આજના યુવાનો ડ્રોન મેન્યુફેક્ચરિંગમાં કેટલો કમાલ કરી રહ્યા છે. કેરળના યુવાનો પણ સ્ટાર્ટઅપ દ્વારા ડ્રોન બનાવી રહ્યા છે, પરંતુ જે લોકો પોતાના નાના દાયરામાં સમેટાયેલા છે, તેમને દેશનો વિકાસ ક્યારેય દેખાશે નહીં."