Punjab Election 2027: પંજાબમાં ફરી સાથે આવશે ભાજપ અને અકાલી દળ? ગુરુ નાનક જયંતી પર થઈ શકે છે ગઠબંધનની જાહેરાત
પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં ભાજપ અને શિરોમણિ અકાલી દળ (SAD) વચ્ચે ફરી ગઠબંધન થવાની તૈયારી છે. ગુરુ નાનક જયંતી પર જાહેરાત થઈ શકે છે. જાણો સીટ શેરિંગ ફોર્મ્યુલા.
ભાજપ અને અકાલી દળ વચ્ચેનું ગઠબંધન લગભગ 24 વર્ષ સુધી ચાલ્યું હતું. જોકે, 26 સપ્ટેમ્બર 2020 ના રોજ કૃષિ કાયદાઓના મુદ્દે બંને પક્ષોના રસ્તા અલગ થઈ ગયા હતા.
Punjab Election 2027: પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી અને તેના જૂના સાથી પક્ષ શિરોમણિ અકાલી દળ વચ્ચે ચૂંટણી ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે લગભગ સહમતિ સધાઈ ચૂકી છે અને ગુરુ નાનક જયંતીની આસપાસ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
'ન્યૂઝ 18' ના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે વર્ષ 2027 ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 47 થી 48 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જો બેઠકોની વહેંચણીનો આ જ ફોર્મ્યુલા ફાઇનલ થાય છે, તો પંજાબના રાજકારણમાં ભાજપ માટે આ એક ખૂબ જ મોટો બદલાવ ગણાશે.
ભાજપની બેઠકો બમણાથી પણ વધુ થશે: જાણો 2017નું ગણિત
પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે. અકાલી દળ સાથેના અગાઉના ગઠબંધન દરમિયાન ભાજપના ફાળે ખૂબ જ ઓછી બેઠકો આવતી હતી.વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં અકાલી દળે 94 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપના હિસ્સામાં માત્ર 23 બેઠકો જ આવી હતી.જો આ વખતે ભાજપને 47 થી 48 બેઠકો મળે છે, તો ગત ગઠબંધનની સરખામણીમાં ભાજપની બેઠકોની સંખ્યા બમણાથી પણ વધારે થઈ જશે.
24 વર્ષ જૂનું ગઠબંધન તૂટ્યા બાદ ફરી વધી નિકટતા
ભાજપ અને અકાલી દળ વચ્ચેનું ગઠબંધન લગભગ 24 વર્ષ સુધી ચાલ્યું હતું. જોકે, 26 સપ્ટેમ્બર 2020 ના રોજ કૃષિ કાયદાઓના મુદ્દે બંને પક્ષોના રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યારબાદ પંજાબમાં ભાજપે પોતાની રાજકીય જમીન મજબૂત કરવા માટે એકલા હાથે સંઘર્ષ કરવો પડ્યો હતો.
સૂત્રોનું કહેવું છે કે 2027ની ચૂંટણી પહેલાં અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ તરફથી ભાજપના ટોચના નેતૃત્વ સમક્ષ અનેકવાર ગઠબંધનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. શરૂઆતમાં ભાજપે અંતર જાળવી રાખ્યું હતું, પરંતુ હવે વાતચીત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે, અકાલી દળ લાંબા સમયથી સત્તાથી બહાર છે અને વધુ પાંચ વર્ષ વિપક્ષમાં રહેવું તેના માટે રાજકીય રીતે મુશ્કેલ બની શકે છે, તેથી તેને ભાજપના સાથની તાતી જરૂર છે.
ગઠબંધન મુદ્દે પંજાબ ભાજપમાં જ બે ફાંટા?
અકાલી દળ સાથે ફરીથી હાથ મિલાવવા બાબતે પંજાબ ભાજપની અંદર તમામ નેતાઓ એકમત નથી. પાર્ટીના કેટલાક જૂના નેતાઓ આ સંભવિત સમજૂતીનો વિરોધ કરી રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ હરજીત સિંહ ગ્રેવાલે ગઠબંધન સામે પોતાની અસંમતિ વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે પાર્ટીમાં બે પ્રકારની વિચારધારાઓ છે; કેટલાક નેતાઓ ગઠબંધનના પક્ષમાં છે, જ્યારે 4-5 દાયકાથી પાર્ટી સાથે જોડાયેલા જૂના નેતાઓ તેની વિરુદ્ધ છે.ગ્રેવાલે સ્પષ્ટ કહ્યું કે તેઓ પંજાબની તમામ 117 બેઠકો પર ભાજપ સ્વતંત્ર રીતે ચૂંટણી લડે તેના પક્ષમાં છે. સરકારો આવતી-જતી રહે છે, પરંતુ પંજાબમાં રાષ્ટ્રવાદી વિચારધારા મજબૂત થવી જરૂરી છે.
ગઠબંધનની આ ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ 17 નવેમ્બરના રોજ પંજાબ પહોંચે તેવી શક્યતા છે. ત્યાં તેઓ અનેક મહત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લેશે, જેના પછી ગઠબંધન અંગેનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં દિલ્હીના એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારના કાર્યકાળમાં નશાનો કારોબાર વધ્યો છે, તેથી રાજ્યની જનતાએ 2027 માં NDA ની સરકાર બનાવવાનો નિર્ણય કરી લીધો છે. અમિત શાહના આ નિવેદનને જ ભાજપ અને અકાલી દળના સંભવિત ગઠબંધનના સૌથી મોટા સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.