Republic Day 2026: બંધારણ તૈયાર હતું તો 2 મહિના રાહ કેમ જોઈ? જાણો 26 જાન્યુઆરી પસંદ કરવા પાછળનું અસલી કારણ | Moneycontrol Gujarati
Get App

Republic Day 2026: બંધારણ તૈયાર હતું તો 2 મહિના રાહ કેમ જોઈ? જાણો 26 જાન્યુઆરી પસંદ કરવા પાછળનું અસલી કારણ

Republic Day 2026: ભારતનું બંધારણ 26 નવેમ્બરે તૈયાર થઈ ગયું હતું, છતાં તેને લાગુ કરવા માટે 26 જાન્યુઆરી સુધી રાહ કેમ જોવામાં આવી? જાણો આ તારીખ સાથે જોડાયેલો 1930નો ઐતિહાસિક કિસ્સો અને 2026ની પરેડની ખાસિયતો.

અપડેટેડ 10:43:14 AM Jan 26, 2026 પર
Story continues below Advertisement
Republic Day 2026: ભારતનું બંધારણ 26 નવેમ્બરે તૈયાર થઈ ગયું હતું, છતાં તેને લાગુ કરવા માટે 26 જાન્યુઆરી સુધી રાહ કેમ જોવામાં આવી?

Republic Day 2026: આજે સમગ્ર ભારત દેશ ભક્તિના રંગે રંગાયેલો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તિરંગો લહેરાઈ રહ્યો છે, કારણ કે આજે આપણો દેશ 77મો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણના અમલને આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારત સત્તાવાર રીતે એક 'પૂર્ણ પ્રજાસત્તાક' રાષ્ટ્ર બન્યું હતું.

આ વર્ષે 2026માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વધુ ખાસ છે, કારણ કે આ વખતની થીમ રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની 150મી વર્ષગાંઠ પર આધારિત છે. કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં આ થીમની એક ભવ્ય ઝલક જોવા મળી. પરંતુ શું તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી? ચાલો જાણીએ તેનો રસપ્રદ ઈતિહાસ.

બંધારણ લાગુ કરવામાં 2 મહિનાનો વિલંબ કેમ?

ઈતિહાસના પાના ઉલટાવીએ તો જાણવા મળે છે કે ભારતનું બંધારણ તો 26 નવેમ્બર, 1949ના રોજ જ બનીને તૈયાર થઈ ગયું હતું. બંધારણ સભાએ તે જ દિવસે તેનો સ્વીકાર પણ કરી લીધો હતો. તેમ છતાં, તેને દેશભરમાં કાયદેસર રીતે લાગુ કરવા માટે 26 જાન્યુઆરી, 1950 સુધી રાહ જોવામાં આવી હતી. આ બે મહિનાના વિલંબ પાછળનું કારણ ભારતની આઝાદીની લડત સાથે જોડાયેલું છે.

26 જાન્યુઆરીની તારીખનું વિશેષ મહત્વ


આ તારીખની પસંદગી પાછળ કોંગ્રેસનું લાહોર અધિવેશન જવાબદાર છે. વાત એમ છે કે, 19 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં એક અધિવેશન મળ્યું હતું. અહીં રાવી નદીના કિનારે નેહરુએ તિરંગો લહેરાવ્યો અને અંગ્રેજો સામે 'પૂર્ણ સ્વરાજ' (સંપૂર્ણ આઝાદી)ની માંગ કરી.

તે સમયે નેતાઓએ નક્કી કર્યું હતું કે જાન્યુઆરી 1930ના છેલ્લા રવિવારે ભારતનો સાંકેતિક સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. યોગાનુયોગે તે દિવસે 26 જાન્યુઆરી હતી. ત્યારથી, આઝાદી મળ્યા પહેલા પણ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવતી હતી. આ ઐતિહાસિક તારીખનું મહત્વ જળવાઈ રહે અને તે યાદગાર બની રહે, તે હેતુથી બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો.

આ વર્ષની પરેડમાં શું છે ખાસ?

77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિદેશી મહેમાનો પણ ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા (Antonio Costa) અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) ઉપસ્થિત રહ્યાં છે.

બંધારણ દિવસ અને પ્રજાસત્તાક દિવસ વચ્ચેનો ભેદ

ઘણા લોકોને આ બે તારીખો વચ્ચે ગેરસમજ થતી હોય છે. તો યાદ રાખો કે, 26 નવેમ્બરને આપણે 'બંધારણ દિવસ' અથવા 'કાયદા દિવસ' તરીકે ઉજવીએ છીએ કારણ કે તે દિવસે બંધારણ બનીને તૈયાર થયું હતું અને અપનાવવામાં આવ્યું હતું. જ્યારે 26 જાન્યુઆરી એ દિવસ છે જ્યારે આ બંધારણ સમગ્ર દેશમાં કાયદાકીય રીતે લાગુ થયું અને ભારત પ્રજાસત્તાક બન્યું.

આ પણ વાંચો- India-US Trade Deal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં કોણ બન્યું વિલન? લીક થયેલા ઓડિયોમાં ખૂલ્યા મોટા નામ! ટ્રમ્પને મળી ચેતવણી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 26, 2026 10:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.