West Bengal BJP: પશ્ચિમ બંગાળ ભાજપમાં ભડકો! દિલીપ ઘોષે કહ્યું- ‘મંદિર-મસ્જિદથી વોટ નથી મળતા’, અમિત શાહ સાથેની મુલાકાત બાદ ખુલ્લો બળવો
West Bengal BJP: પશ્ચિમ બંગાળ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ! પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું- ‘માત્ર રામ મંદિરથી ચૂંટણી ન જીતાય’. જાણો અમિત શાહ સાથેની બેઠક બાદ તેમણે કેમ કર્યા આકરા પ્રહાર.
West Bengal BJP: પશ્ચિમ બંગાળ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ! પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું- ‘માત્ર રામ મંદિરથી ચૂંટણી ન જીતાય’.
West Bengal BJP: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના આંતરિક રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. પાર્ટીની અંદર ‘જૂના જોગીઓ’ અને ‘નવા આવેલા નેતાઓ’ વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતના બીજા જ દિવસે, રાજ્યના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે પોતાની જ પાર્ટીની રણનીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, માત્ર ધર્મના નામે કે મંદિર-મસ્જિદના મુદ્દે ચૂંટણી જીતવી શક્ય નથી.
અયોધ્યાનું ઉદાહરણ આપીને સાધ્યું નિશાન
દિલીપ ઘોષે એક મોટું નિવેદન આપતા 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો યાદ અપાવ્યા હતા. તેમણે કહ્યું કે, "અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું હોવા છતાં, ભાજપ ત્યાંની ફૈઝાબાદ બેઠક હારી ગયું હતું. આ ઘટના સાબિત કરે છે કે મંદિર અને મસ્જિદ જેવા ભાવનાત્મક મુદ્દાઓ હંમેશા ચૂંટણીના પરિણામો બદલી શકતા નથી."
આ સાથે જ તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે જો મમતા દીદી એવું વિચારતા હોય કે તેઓ મંદિરો બનાવીને 2026ની ચૂંટણી જીતી જશે, તો તે તેમની મોટી ભૂલ છે.
પક્ષપલટો કરીને આવેલા નેતાઓ પર પ્રહાર
પોતાના આક્રમક તેવર માટે જાણીતા દિલીપ ઘોષે પાર્ટીના નવા નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જોકે તેમણે કોઈનું નામ નહોતું લીધું, પરંતુ તેમનો ઈશારો 2021ની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી જેવા નેતાઓ તરફ હતો.
ઘોષે કહ્યું કે, "ભાજપમાં દરેક વ્યક્તિ એક કાર્યકર છે. જે લોકો હાલમાં જ બીજી પાર્ટીમાંથી આવ્યા છે, તેમણે પોતાની ઉપયોગીતા સાબિત કરવી પડશે." આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પક્ષમાં જૂના અને નવા નેતાઓ વચ્ચે તિરાડ કેટલી ઊંડી છે.
સાઈડલાઈન થયાનું દર્દ છલકાયું
લાંબા સમયથી પાર્ટીમાં સક્રિય રહેલા દિલીપ ઘોષે પહેલીવાર સ્વીકાર્યું કે તેમને પાર્ટીમાં ખૂણે ધકેલી દેવાનો પ્રયાસ થયો છે. તેમણે પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું, "મારી વિરુદ્ધ પાયાવિહોણી વાતો અને ચોક્કસ એજન્ડા ચલાવવામાં આવ્યો, જેથી મને સાઈડલાઈન કરી શકાય. મેં આ અંગે હાઈકમાન્ડને જાણ કરી દીધી છે. મને ડર નથી કે હું ક્યાંક ખોવાઈ જઈશ, મને પાર્ટીના નેતૃત્વ પર પૂરો ભરોસો છે."
2026ની ચૂંટણી માટે તૈયારી શરૂ
દિલીપ ઘોષ હવે ફરી એક્શન મોડમાં આવવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવનારી 2026ની વિધાનસભા ચૂંટણી પોતાની જૂની બેઠક ‘ખડગપુર સદર’ પરથી જ લડવા માંગે છે. આ માટે તેમણે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર પાસે ખડગપુરમાં ત્રણ દિવસના પ્રચાર અભિયાન માટે મંજૂરી પણ માંગી છે.
PM મોદી અને અમિત શાહ બંગાળ આવશે
બંગાળ ભાજપમાં ચાલી રહેલી આ આંતરિક ખેંચતાણને શાંત કરવા હવે કેન્દ્રીય નેતૃત્વ મેદાનમાં ઉતરશે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા ટૂંક સમયમાં કોલકાતાની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તર બંગાળમાં એક મોટી સભા ગજવશે. ગૃહમંત્રી અમિત શાહ પણ જાન્યુઆરીના અંત સુધીમાં કોલકાતા આવશે અને સંગઠનની બેઠકો યોજીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરશે.