Rashtriya Shikshak Puraskar: વર્ષ 2023માં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે દેશભરમાં કુલ 75 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરે આ તમામ 75 શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડ આપવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. પસંદગી પામેલા પુરસ્કારોમાં 50 શાળાના શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના 13 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના 12 શિક્ષકોનો સમાવેશ થાય છે.
શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ માહિતી આપી
આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે
શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર દર વર્ષે 5 સપ્ટેમ્બરે આપવામાં આવે છે. આ વર્ષથી શિક્ષકો માટે રાષ્ટ્રીય પુરસ્કારનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને તેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના શિક્ષકોનો સમાવેશ થાય છે. સખત, પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલા શિક્ષકોને શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે.
આ વર્ષે ગુજરાતમાંથી સૌથી વધુ શિક્ષકોની કરાઈ છે પસંદગી
માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાંથી સૌથી વધુ શિક્ષકોની રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાંથી 5 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ પછી કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી 4-4 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ પછી એવોર્ડ માટે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાંથી ત્રણ-ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.