AI Tsunami: 2027 સુધીમાં 99% નોકરીઓ ગાયબ થઈ જશે? જાણો કયા 5 ક્ષેત્રોમાં તમારી નોકરી રહેશે સેફ | Moneycontrol Gujarati
Get App

AI Tsunami: 2027 સુધીમાં 99% નોકરીઓ ગાયબ થઈ જશે? જાણો કયા 5 ક્ષેત્રોમાં તમારી નોકરી રહેશે સેફ

AI impact on jobs: શું તમારી નોકરી પણ ખતરામાં છે? AI એક્સપર્ટનો દાવો છે કે 2027 સુધીમાં AGI આવતા 99% રોજગારી ખાઈ જશે. જાણો કયા 5 કામોમાં માણસોની જરૂર રહેશે અને AGI ખરેખર શું છે.

અપડેટેડ 03:49:52 PM Feb 12, 2026 પર
Story continues below Advertisement
ડૉ. યામ્પોલ્સ્કીનું માનવું છે કે 2027ની શરૂઆતમાં AGI એટલે કે મશીનોનું અત્યાધુનિક સ્વરૂપ દુનિયામાં આવી શકે છે.

AI impact on jobs: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ફિલ્મો કે વાતો પૂરતું સીમિત નથી રહ્યું. તે આપણા રોજિંદા જીવન અને ઓફિસના કામકાજમાં પગપેસારો કરી ચૂક્યું છે. પણ શું તમને ખબર છે કે આગામી થોડા જ વર્ષોમાં તમારી નોકરી મશીનો લઈ લેશે? આ અમે નથી કહી રહ્યા, પણ દુનિયાના જાણીતા AI એક્સપર્ટ ડૉ. રોમન યામ્પોલ્સ્કી ચેતવણી આપી રહ્યા છે.

લાતવિયામાં જન્મેલા અને કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એવા ડૉ. યામ્પોલ્સ્કીએ હાલમાં જ ‘ધ ડાયરી ઓફ અ CEO’ પોડકાસ્ટમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના મતે, જો ‘આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ’ (AGI) ધાર્યા મુજબ વિકાસ પામશે, તો 2027 સુધીમાં દુનિયાની 99% નોકરીઓમાંથી માણસોની બાદબાકી થઈ જશે.

AGI ક્યારે આવશે અને કેમ ખતરનાક છે?

ડૉ. યામ્પોલ્સ્કીનું માનવું છે કે 2027ની શરૂઆતમાં AGI એટલે કે મશીનોનું અત્યાધુનિક સ્વરૂપ દુનિયામાં આવી શકે છે. એકવાર તે આવશે, પછીના 5 વર્ષમાં મોટાભાગના કામ મશીનો જ કરતા હશે. તમને પ્રશ્ન થશે કે AI અને AGI માં ફેર શું? તો સમજો, અત્યારનું AI (જેમ કે Google Translate કે ChatGPT) કોઈ એક ચોક્કસ કામ માટે છે. જ્યારે AGI (આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ) એટલે માણસ જેવું મગજ ધરાવતું મશીન. તે માણસની જેમ અલગ-અલગ વિષયો શીખી શકશે, જાતે વિચારી શકશે અને નવા નિર્ણયો પણ લઈ શકશે. ટૂંકમાં, તે માણસ કરતા પણ વધુ સ્પીડ અને ચોકસાઈથી કામ કરશે.

કઈ નોકરીઓ સૌથી પહેલા જશે?


એક્સપર્ટના મતે AGI ની એન્ટ્રી થતા જ નીચે મુજબના ક્ષેત્રો પર સૌથી મોટો ફટકો પડશે:

ડિજિટલ અને કમ્પ્યુટર જોબ્સ: કોડિંગ, ડેટા એનાલિસિસ અને સોફ્ટવેર મેનેજમેન્ટમાં મશીનો રાજા બની જશે.

ક્રિએટિવ ફીલ્ડ: લેખકો, ડિઝાઈનર્સ, મીડિયા પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશનમાં પણ મશીનો માણસો કરતા ઝડપી કામ કરશે.

ઓટોમેશન: લોજિસ્ટિક્સ અને શારીરિક મહેનતવાળા કામો રોબોટ્સ સંભાળી લેશે.

સરળ ભાષામાં કહીએ તો, જે કામમાં ‘ડેટા’ અને ‘લોજિક’ છે, ત્યાં માણસોની જરૂર નહીંવત રહેશે.

આ 5 ક્ષેત્રોમાં નોકરી સલામત રહેવાની શક્યતા

ભલે ગમે તેટલું ઓટોમેશન આવે, ડૉ. યામ્પોલ્સ્કીના મતે અમુક કામ એવા છે જ્યાં 'માણસ' હોવું જરૂરી છે. અહીં એવી 5 નોકરીઓની યાદી છે જે AGI આવ્યા પછી પણ સુરક્ષિત રહી શકે છે:

લાગણી અને સંબંધ આધારિત કામ: સાયકોલોજીસ્ટ, કાઉન્સેલર, થેરાપીસ્ટ કે મેન્ટલ હેલ્થ એડવાઈઝર. કોઈ મશીન માણસની જેમ ખભે હાથ મૂકીને દુઃખ સમજી શકતું નથી, તેથી અહીં માણસોની જ જરૂર પડશે.

શ્રીમંતોની પર્સનલ સર્વિસ: અબજોપતિ લોકો મશીન પાસે કામ કરાવવાને બદલે પર્સનલ આસિસ્ટન્ટ કે સલાહકાર તરીકે જીવતા જાગતા માણસને રાખવાનું સ્ટેટસ સિમ્બોલ ગણશે.

AI પર નજર રાખનારા (AI એથિક્સ): આટલા પાવરફુલ મશીનોનો દુરુપયોગ ન થાય, તે નૈતિક રીતે કામ કરે છે કે નહીં તે તપાસવા માટે એક્સપર્ટ માણસો જોઈશે.

AI મધ્યસ્થી (Implementation Experts): કંપનીઓમાં AI કેવી રીતે વાપરવું અને તેને કેવી રીતે લાગુ કરવું, તે સમજાવનારા કન્સલ્ટન્ટની માંગ વધશે.

પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ: AI પાસે કામ કઢાવવું પણ એક કળા છે. મશીનને સાચો કમાન્ડ આપવા માટે અને તેને કસ્ટમાઇઝ કરવા માટે માણસોની જરૂર રહેશે.

ભવિષ્ય શું છે?

જો 99% કામ મશીનો કરશે તો લોકો કમાશે શું? આ સવાલના જવાબમાં દુનિયાભરના નિષ્ણાતો ‘યુનિવર્સલ બેઝિક ઇન્કમ’ (UBI) ની વાત કરી રહ્યા છે. એટલે કે સરકાર દરેક નાગરિકને જીવન જરૂરિયાત માટે દર મહિને ફિક્સ રકમ આપે.

જોકે, રાહતની વાત એ છે કે AGI હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. 2027 ની ડેડલાઈન એક અનુમાન છે. પરંતુ એક વાત નક્કી છે કે આવનારો સમય ‘સ્કિલ’ અને ‘સ્પીડ’નો છે. આપણે ટેકનોલોજીથી ડરવાને બદલે તેની સાથે કામ કરતા શીખવું પડશે.

આ પણ વાંચો-Mutual Fund Investment: મ્યુચ્યુઅલ ફંડથી મોહભંગ? ઈક્વિટીમાં રોકાણ 40% ઘટ્યું, જાણો કેમ રોકાણકારો હવે સોના પાછળ દોડી રહ્યા છે

MoneyControl News

MoneyControl News

First Published: Feb 12, 2026 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.