ભારત-પાકિસ્તાન વચ્ચે મોટી હલચલ: બંને દેશોએ એકબીજાને સોંપી પરમાણુ ઠેકાણાઓની 'ખુફિયા' યાદી, જાણો શું છે કારણ?
India Pakistan Relations: ભારત અને પાકિસ્તાને સરહદી તણાવ વચ્ચે એકબીજાને પરમાણુ ઠેકાણાઓ અને જેલમાં બંધ કેદીઓની યાદી સોંપી છે. જાણો 33 વર્ષ જૂના કયા કરાર હેઠળ આ પ્રક્રિયા થાય છે અને પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર શું કહ્યું? વાંચો સંપૂર્ણ રિપોર્ટ.
આ પ્રક્રિયા કોઈ નવી નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી એક સમજૂતીનો ભાગ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ ઠેકાણાઓ પર હુમલો ન કરવા અંગે એક મહત્વનો કરાર થયેલો છે.
India Pakistan Relations: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભલે ગમે તેટલી કડવાશ હોય કે સરહદ પર તણાવ હોય, પરંતુ બંને દેશોએ દાયકાઓ જૂની એક પરંપરા આજે પણ નિભાવી છે. ગુરુવારે બંને દેશોએ એકબીજાના પરમાણુ ઠેકાણાઓ અને સુવિધાઓની યાદીની આપ-લે કરી છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક રીતે તળિયે રહ્યા હોવા છતાં, આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
પરમાણુ ઠેકાણાઓની યાદીની આપ-લે
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર હુસૈન અંદ્રાબીએ ગુરુવારે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ઈસ્લામાબાદ અને નવી દિલ્હીમાં રાજદ્વારી સ્તરે આ લિસ્ટ એક્સચેન્જ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં સ્થિત ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિને પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાઓની યાદી વિદેશ મંત્રાલયમાં સોંપવામાં આવી હતી. તેવી જ રીતે, નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓએ પાકિસ્તાની હાઈ કમિશનને ભારતના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી સુપરત કરી હતી.
શા માટે આપવામાં આવે છે આ જાણકારી?
આ પ્રક્રિયા કોઈ નવી નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી એક સમજૂતીનો ભાગ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ ઠેકાણાઓ પર હુમલો ન કરવા અંગે એક મહત્વનો કરાર થયેલો છે. આ સમજૂતી પર 31 ડિસેમ્બર 1988 ના રોજ હસ્તાક્ષર થયા હતા. તે 27 જાન્યુઆરી 1991 થી અમલમાં આવી હતી. આ કરાર હેઠળ બંને દેશો માટે દર વર્ષે 1 જાન્યુઆરી ના રોજ પોતાના પરમાણુ ઠેકાણાઓની માહિતી એકબીજાને આપવી ફરજિયાત છે. સૌથી પહેલીવાર આવી યાદી 1 જાન્યુઆરી 1992 ના રોજ આપવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે યુદ્ધની સ્થિતિમાં પણ બંને દેશો એકબીજાના પરમાણુ મથકો પર હુમલો ન કરે.
કેદીઓની યાદી પણ સોંપાઈ
પરમાણુ ઠેકાણાઓ ઉપરાંત, બંને દેશોએ પોતપોતાની જેલોમાં બંધ એકબીજાના કેદીઓની યાદી પણ શેર કરી છે. આ પ્રક્રિયા 2008 ના 'કોન્સ્યુલર એક્સેસ એગ્રીમેન્ટ' હેઠળ કરવામાં આવે છે, જેમાં વર્ષમાં બે વાર યાદીની આપ-લે થાય છે. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને કુલ 257 ભારતીય કેદીઓની યાદી આપી છે. જેમાં:
58 સામાન્ય નાગરિકો
199 માછીમારો (Fishermen) સામેલ છે. સામે પક્ષે ભારતે પણ પોતાની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાની કેદીઓની વિગતો દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનને સોંપી છે.
પાકિસ્તાને ફરી છેડ્યો સિંધુ જળ સંધિનો રાગ
આ તમામ પ્રક્રિયા વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ફરી એકવાર સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો છે. કાશ્મીરના કિશ્તવાડમાં ચિનાબ નદી પર ભારતના 260 મેગાવોટના દુલહસ્તી સ્ટેજ-II હાઈડ્રોપાવર પ્રોજેક્ટને મંજૂરી મળવા પર પાકિસ્તાને વાંધો દર્શાવ્યો છે. અંદ્રાબીએ કહ્યું હતું કે, "ભારત પશ્ચિમી નદીઓ પર એકતરફી હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બનાવીને પોતાની મર્યાદિત છૂટનો ખોટો ઉપયોગ ન કરી શકે." આમ, તણાવપૂર્ણ માહોલ વચ્ચે પણ બંને દેશો વચ્ચેના કેટલાક પ્રોટોકોલ યથાવત છે, જે ભવિષ્યમાં સંબંધો સુધારવાની આશા જીવંત રાખે છે.